
અમદાવાદ: ગઈકાલે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI World Cup 2023ની ફાઈનલ મેચમાં ભારતને ભલે હારનો સામનો કરવો પડ્યો હતો પણ ફેન્સ તો આજે પણ ભારતીય ટીમને સમર્થન આપી રહ્યા છે અને તેમના અત્યાર સુધીના પરફોર્મન્સ માટે બિરદાવી રહ્યા છે. આ એતિહાસિક મેચ જોવા માટે દેશ-વિદેશથી કેક્રિકેટ ફેન્સ ગુજરાતના અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. આ ઉપરાંત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે બોલીવૂડના ઘણાં સેલેબ્સની સાથે ભારતીય ક્રિકેટર્સની પત્નીઓ પણ સ્ટેડિયમ પહોંચી હતી. પરંતુ આ મેચ દરમિયાન કંઇક એવું થયું હતું કે જેને કારણે ભારતીય ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહ લોકોના નિશાના પર આવી ગયો છે અને લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. આવો જોઈએ આખો શું છે મામલો?
મળતી માહિતી પ્રમાણે એક તરફ વિરાટ કોહલી અને કે એલ રાહુલ બેટિંગ કરી રહ્યા હતો બીજી બાજું તેમની પત્નીઓ અને બોલિવુડની હસીનાઓ અનુષ્કા શર્મા અને આથિયા શેટ્ટી બંને બાજુ બાજુમાં બેસીને મેચ જોઈ રહી હતી. આ દરમિયાન કેમેરામેને અનુષ્કા શર્મા અને અથિયા શેટ્ટી પર ફોકસ કર્યો હતો, જેમાં બંને જણ એક બીજા સાથે વાતચીત કરતી જોવા મળી હતી. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી હરભજન સિંહ હિંદીમાં કોમેન્ટ્રી કરી રહ્યો હતો. અનુષ્કા અને અથિયાને વાત કરતા જોઈ હરભજને તેમની ટીખળ કરતાં કહ્યું હતું કે ‘હું એ જ વિચારી રહ્યો છું કે બંને જણી વચ્ચે વાતચીતનો મુદ્દો ક્રિકેટ હશે કે ફિલ્મો વિશે… કારણ કે મને ખબર નથી કે આ બંનેને ક્રિકેટ વિશે કેટલી સમજ હશે.’
બસ પછી તો પૂછવું જ શું? લોકોને ભજ્જી પાજીની આ કોમેન્ટ ખાસ કંઈ રાસ નહીં આવી અને લોકોએ સોશિયલ મીડિયા પર તેની ઝાટકણી કાઢી હતી. સોશિયલ મીડિયા પર નેટિઝન્સ હરભજન સિંહને મહિલા વિરોધી ગણાવતા કહ્યું હતું કે હરભજનની આ ટિપ્પણી બિલકુલ યોગ્ય નથી અને તેણે પોતાની આ હરકત માટે માફી માંગવી જોઈએ. જોકે જેમ સિક્કાની બે બાજુ હોય એમ કેટલાક લોકોએ હરભજન સિંહ સાથે સહમતી પણ દેખાડી હતી.