જેમણે કંઈ જ હાંસલ નથી કર્યું એવા લોકો રોહિત-વિરાટનું ભાવિ નક્કી કરવા લાગ્યા છે!: હરભજન સિંહ

નવી દિલ્હીઃ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 2024માં ટી-20ના વર્લ્ડ કપમાં ભારતને ચૅમ્પિયન બનાવ્યા બાદ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ગુડબાય કરી ત્યાર પછી આ વર્ષે જ્યારે અચાનક ટેસ્ટ-ફૉર્મેટને પણ અલવિદા કરી ત્યારે એવી ચર્ચા હતી કે આ બે દિગ્ગજ ખેલાડી 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધી વન-ડે ફૉર્મેટમાં રમવાનું ચાલુ રાખશે કે કેમ? એ ચર્ચા વચ્ચે આ બેઉ મહારથીએ તાજેતરમાં જ કેટલીક વન-ડે મૅચોમાં પોતાનો અચલ ટચ બતાવીને ટીકાકારોની તો બોલતી બંધ કરી જ છે, તેમની તરફેણ કરતા કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ ટીકાકારો વિશે ટકોર કરવાની તક નથી છોડી અને રોહિત-વિરાટના વર્તમાન મુદ્દે તેમની તરફેણ કરનારો હરભજન સિંહ (Harbhajan Singh) એમાંથી એક છે.
રોહિત-વિરાટ (Rohit Virat)ને હાલમાં હેડ-કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત આગરકર સાથે બનતું નથી એવી ચર્ચા વચ્ચે ભૂતપૂર્વ ઑફ સ્પિનર હરભજનું કહેવું છે કે ` અત્યારે રોહિત અને વિરાટ સાથે જે કંઈ બની રહ્યું છે એ ઠીક નથી. તેઓ નવી પેઢી માટે શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યા છે. આ બન્ને દિગ્ગજને કેમ એક બાજુ ધકેલી દેવામાં આવી રહ્યા છે એ જ મને નથી સમજાતું. હું એક ખેલાડી હતો એટલે આનો સ્પષ્ટ જવાબ તો આપી શકું એમ નથી અને અત્યારે હું જે જોઈ રહ્યો છું એવું મારી સાથે પણ બન્યું હતું. મારા ઘણા સાથીઓ સાથે આવો વ્યવહાર થયો હતો.’
આ પણ વાંચો : ભારતીય ટીમ 358 રન ડિફેન્ડ કેમ ન કરી શકી? સુનીલ ગાવસ્કરે જણાવ્યું હારનું મુખ્ય કારણ
.@harbhajan_singh slams decision-makers deciding @imVkohli's future in international cricket! pic.twitter.com/Dm2u0HKjeP
— ViratGang.in (@ViratGangIN) December 4, 2025
વિરાટ કોહલીએ બૅક ટુ બૅક સેન્ચુરી ફટકારી હોય એવું 11મી વખત બન્યું છે. હરભજન તેના આ પર્ફોર્મન્સથી બેહદ ખુશ છે, પણ તેનું એવું પણ કહેવું છે કે તેની કારકિર્દીનો ફેંસલો એવા લોકો લઈ રહ્યા છે જેમણે ભૂતકાળમાં કંઈ હાંસલ કર્યું જ નહોતું. આ મોટું દુર્ભાગ્ય જ કહેવાય.
45 વર્ષીય હરભજન સિંહ રાજ્ય સભામાં આમ આદમી પાર્ટી (આપ)નો મેમ્બર છે. તેણે 1998થી 2016 સુધીમાં 350થી પણ વધુ આંતરરાષ્ટ્રીય મૅચમાં કુલ 700 જેટલી વિકેટ લીધી હતી. આઇપીએલમાં તેણે 163 મૅચમાં 150 વિકેટ લીધી હતી.



