‘ભારતીય ટીમને ખરાબ પીચો પર રમવાની આદત…’ હરભજન સિંહે બુમરાહ અંગે પણ કહી મોટી વાત
મુંબઈ: ઓસ્ટ્રેલિયા સામેની પાંચ ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)માં ભારતીય ટીમને નિરાશાજનક હાર મળી. પાંચ મેચની સિરીઝમાં ભારતીય ટીમ (Indian Cricket Team) એક જ મેચ જીતી. આ સિરીઝ દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ બેટર્સ ફ્લોપ રહ્યા, આ ઉપરાંત અન્ય બેટર્સ પણ ખાસ પ્રદર્શન ન કરી શક્યા. ઓસ્ટ્રેલીયન ખેલાડીઓને માત્ર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)જ ટક્કર આપી શક્યો, પરંતુ ચિંતાની વાત એ છે કે છેલ્લી મેચમાં બુમરાહની ઈજા થઇ હતી.
ક્રિકેટ ચાહકો બુમરાહની પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે ભારતના પૂર્વ સ્પીન બોલર હરભજન સિંહે (Harbhajan Singh)પણ બુમરાહના ભરપેટ વખાણ કર્યા હતાં. આ સાથે સાથે તેમણે ટીમ ઈન્ડિયાની આકરી ટીકા કરી હતી. તેમણે રોષ ઠાલવતા કહ્યું કે બુમરાહને ઓસ્ટ્રેલિયામાં શેરડીની જેમ નીચવી લેવામાં આવ્યો.
ભારતીય ટીમને ખરાબ પીચો પર રમવાની આદત:
હરભજન સિંહે ભારતની હારનું કારણ પણ જણાવ્યું, તેમણે કહ્યું કે ટર્નિંગ પિચો પર રમવાની ભારતીય ખેલાડીઓને આદત થઇ ગઈ હોવાથી ઓસ્ટ્રેલીયામાં આ હાલત થઇ. તેમણે આને ‘ગંદી આદત’ ગણાવી.
હરભજને તેમની યુટ્યુબ ચેનલ પર એક વિડીયો અપલોડ કર્યો છે. વિડીયોમાં તેમણે કહ્યું કે કહ્યું, “હું નિરાશ છું. આ ભારતીય ટીમ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, ટીમમાં મોટા નામો છે પરંતુ નામ પ્રમાણે દર્શન નાના નીકળ્યા. પહેલા એવું લાગતું હતું કે ભારતનો દબદબો રહેશે.”
ભારતમાં ખરાબ પીચો:
ભારતની પીચો પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, “ઓસ્ટ્રેલિયા પહેલા ભારત ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે સિરીઝ હારી ગયું હતું. આપણે ભારતમાં ખરાબ પિચ બનાવી છે, જે ઘણા વર્ષોથી બની રહી છે. જ્યારે હું ભારતીય પીચો વિશે વાત કરું છું ત્યારે ઘણા લોકો ચિડાઈ જાય છે. જ્યારે તમને ખરાબ પીચો પર રમીને જીતવાની આદત પડી જાય છે, ત્યારે તમને સમજાતું નથી કે સારી વિકેટ પર કેવી રીતે રમવું કરવું. તેથી ઓસ્ટ્રેલિયામાં ભારતીય બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા.”
જો બુમરાહ ના હોત તો…:
હરભજને બુમરાહની ઈજા અંગે ચિતા વ્યક્ત કરતા કહ્યું કે, “સમગ્ર ટુર્નામેન્ટમાં માત્ર એક જ ખેલાડી જસપ્રીત બુમરાહનો દબદબો રહ્યો. તેણે પુરેપુરો દમ લગાવી દીધો. તેને શેરડીની જેમ નીચોવીને રસ કાઢી લેવામાં આવ્યો. જો ટ્રેવિસ હેડ આવે તો બોલ બુમરાહ પાસે જાય છે, જો માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથ આવે તો બોલ બુમરાહ પાસે જાય છે. અરે યાર, બુમરાહ કેટલી ઓવર નાખશે? બુમરાહની હાલત એવી હતી કે જ્યારે સિરીઝ પૂરી થઈ ત્યારે તે બોલિંગ કરી શકે એમ નહોતો.”
આ પણ વાંચો…પુત્ર આર્યવીર પિતા સેહવાગની ફેરારીની ઓફર 23 રન માટે ચૂકી ગયો, પણ…
હરભજને વધુમાં કહ્યું, “જો બુમરાહ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ન હોત તો ભારત 5-0થી હારી ગયું હોત. બુમરાહે કેપ્ટન તરીકે પ્રથમ મેચ બચાવી હતી. એડિલેડ બાદના મેચમાં બુમરાહે ભારતીય ટીમને સતત બચાવી હતી. જો તે ન હોત તો આપણે સીરિઝ 5-0 અથવા તો 4-0થી હારી ગયા હોત, BGT સિરીઝમાં બુમરાહે કુલ 32 વિકેટ લીધી હતી, જે સૌથી વધુ છે. તે પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં કમરમાં ખેંચાણના કારણે બોલિંગ કરી શક્યો ન હતો. તે પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો.”