ભારત એશિયા કપમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરે એ સંભવ છે? બૉયકૉટ કેમ ન થઈ શકે?
`આપ'ના સાંસદ હરભજન સિંહે જોરદાર ટકોર કરી છે, પણ...

નવી દિલ્હી/દુબઈઃ યુવરાજ સિંહના સુકાનમાં ભારતના નિવૃત્ત ખેલાડીઓની ટીમે તાજેતરમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (ડબ્લ્યૂસીએલ)માં પાકિસ્તાન સામેની બે મૅચનો બહિષ્કાર કર્યો એને પગલે ભારતના ઘણા રાજ્યોમાં એવી વાતો થતી હતી કે હવે ભારતે ટી-20ના એશિયા કપમાં પણ પાકિસ્તાન સામે રમવાની ના પાડી દેવી જોઈએ.
પરંતુ એની સંભાવના ઘણી ઘટી ગઈ છે. ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહે નવમી સપ્ટેમ્બરે શરૂ થતા એશિયા કપમાં પાકિસ્તાન સામે ન રમવું જોઈએ એવો દૃઢપણે અનુરોધ કર્યો છે. 9-28 સપ્ટેમ્બર દરમ્યાન યુએઇમાં રમાનારી એશિયા કપ સ્પર્ધામાં ભારત-પાકિસ્તાન વચ્ચેનો લીગ-મુકાબલો 14મી સપ્ટેમ્બરે થશે. ત્યાર પછી સુપર-ફૉર ગ્રૂપમાં તેમ જ ફાઇનલમાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે (અનુક્રમે 21મી સપ્ટેમ્બર અને 28મી સપ્ટેમ્બરે) ટક્કર થઈ શકે.

ભજ્જીએ બે દિવસ પહેલાં શું કહ્યું?
આમ આદમી પાર્ટી (આપ)ના સંસદસભ્ય હરભજન સિંહે બે દિવસ પહેલાં ખૂન ઔર પાની એક સાથ નહીં બહ સક્તે’ એવા કેન્દ્ર સરકારના અભિગમની યાદ દેવડાવીને હિમાયત કરી છે કે (એશિયા કપ માટેની ટીમના સંભવિત સુકાની) સૂર્યકુમાર યાદવ અને તેના સાથીઓએ પાકિસ્તાન સામે રમવાની ના પાડી દેવી જોઈએ. હરભજને (Harbhajan singh) મીડિયાને એવું પણ જણાવ્યું કે શું મહત્ત્વનું છે અને શું મહત્ત્વનું નથી એ સમજવાની જરૂર છે.
હું તો એટલું જ જાણું છું કે આપણા દેશનો સૈનિક જે આપણી સુરક્ષા માટે સરહદ પર ઊભો છે, તેનો પરિવાર તેને ઘણી વાર જોઈ પણ નથી શકતો, તેની શહાદત થઈ જતી હોય છે અને તેને પરિવારજનો ફરી ક્યારેય જોઈ જ નથી શકતા…આપણા માટે એ સૈનિક કેટલું મોટું બલિદાન આપતો હોય છે.
એ શહાદત (Sacrifice)ની સરખામણીમાં આપણી એક ક્રિકેટ મૅચ તો બહુ નાની અને મામૂલી વાત કહેવાય. શું આપણે એ એક મૅચ છોડી ન શકીએ? સરહદ (Border) પર જે પાડોશી દેશ સાથે લડાઈ થતી હોય અને પરિસ્થિતિ તંગ પણ હોય એમ છતાં આપણે એ જ દેશ સાથે ક્રિકેટ રમીએ એ ઠીક કહેવાય? હંમેશાં દેશ પહેલાં અને ક્રિકેટ પછી. ક્રિકેટર હોય કે ઍક્ટર, રાષ્ટ્રથી પર કોઈ જ નથી.
કોઈ ક્રિકેટ મૅચ ન રમવી એ દેશના સન્માન સામે બહુ ક્ષુલ્લક બાબત કહેવાય. હું તો કહું છું કે ભારતીય ક્રિકેટરોએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે ક્યારેય હાથ પણ ન મિલાવવા જોઈએ.’
કયા કારણોસર પાકિસ્તાનનો બહિષ્કાર સંભવ નથી?
(1) હવે તો ક્રિકેટની રમત ઑલિમ્પિક્સનો હિસ્સો થઈ ગઈ છે એટલે ભારત સહિત તમામ દેશો ઑલિમ્પિક્સના નિયમોને આધીન છે. ઑલિમ્પિક ગેમ્સના નિયમો મુજબ વિશ્વના આ સૌથી મોટા રમતોત્સવમાં જે દેશો ભાગ લેવાના હોય તેઓ એકમેક સામેની મૅચનો બહિષ્કાર ન કરી શકે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પણ આ પ્રકારના જ નિયમો છે.
(2) ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે જ એવું જણાવીને કરોડો રૂપિયાના મીડિયા રાઇટ્સ મેળવવામાં આવ્યા હોય છે અને સ્પૉન્સરશિપના કરાર પણ થઈ ચૂક્યા હોય છે. કરોડો રૂપિયાની આ આવકમાંથી એશિયા કપ સાથે સંકળાયેલા તમામ ક્રિકેટ બોર્ડને ખાસ્સો એવો હિસ્સો આપવામાં આવતો હોય છે એટલે ભારત-પાકિસ્તાન જેવો હાઈ-વૉલ્ટેજ મુકાબલો રદ થવો સંભવ નથી.
(3) ભારત એશિયા કપનું મુખ્ય યજમાન છે અને પાકિસ્તાન સાથેની મડાગાંઠને પગલે આ સ્પર્ધા યુએઇમાં રાખવામાં આવી છે.
(4) તાજેતરમાં લેજન્ડ્સની સ્પર્ધામાં ભારતે પાકિસ્તાનનો બહિષ્કાર કર્યો હતો એ આસાન હતું, કારણકે એ પ્રાઇવેટ ટૂર્નામેન્ટ હતી જ્યારે એશિયા કપ સ્પર્ધા બહુરાષ્ટ્રીય હોવાથી એમાં કોઈ દેશનો બહિષ્કાર કરવો સલાહભર્યું ન કહેવાય, કારણકે એવું થાય તો બહિષ્કાર કરનાર ટીમને આગળ જતાં (ડિસ્ક્વૉલિફાય થવા સહિતની) મુશ્કેલી થઈ શકે.
(5) યુએઇમાં એશિયા કપનું આયોજન કરનાર આયોજકોએ આશા વ્યક્ત કરી છે કે ભારત-પાકિસ્તાન મુકાબલા થશે જ. આયોજકોનું એવું કહેવું છે કે બીસીસીઆઇ સહિત તમામ ક્રિકેટ બોર્ડોએ આ ટૂર્નામેન્ટમાં અને એમાંના દેશો સામે રમવા બાબતમાં અગાઉથી પોતાની સરકાર પાસેથી મંજૂરી લીધી જ હશે અને એ પછી જ સ્પર્ધામાં રમવાની તૈયારી બતાવી હશે. તેમની તૈયારીને આધારે જ એશિયા કપનું ટાઇમટેબલ બન્યું છે.
ભારત જો પાકિસ્તાન સામે ન રમે તો…
ભારત જો છેવટે પાકિસ્તાન સામે એશિયા કપમાં ન રમવાનું નક્કી કરે તો ભારતે એ મૅચ જતી કરી કહેવાય એટલે એ મૅચના તમામ પૉઇન્ટ પાકિસ્તાનને આપી દેવામાં આવે અને મોહમ્મદ રિઝવાનની ટીમને એ મૅચની વિજેતા ઘોષિત કરવામાં આવે.
આ પણ વાંચો…એશિયા કપ 2025 માટે ભારતીય ટીમમાં કોને મળશે સ્થાન! જુઓ સંભવિત સ્ક્વોડ