ભારતના લેજન્ડ્સ બે મૅચ જીત્યા પછી પાકિસ્તાન સામે હારી ગયા

એજબૅસ્ટન: છ દેશના ક્રિકેટ-લેજન્ડ્સ વચ્ચે અહીં રમાતી વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (WCL)માં હરભજન સિંહના સુકાનમાં ઇન્ડિયા ચૅમ્પિયન્સે પહેલી બે મૅચ જીતી લીધા પછી શનિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન ચૅમ્પિયન્સ સામે ભારતે પરાજય જોવો પડ્યો હતો.
ઇન્ડિયા ચૅમ્પિયન્સનો યુનુસ ખાનના નેતૃત્વ હેઠળની પાકિસ્તાન ચૅમ્પિયન્સ સામે 68 રનથી પરાજય થયો હતો.
ઇન્ડિયા ચૅમ્પિયન્સે પ્રથમ મુકાબલામાં કેવિન પીટરસનના નેતૃત્વવાળી ઇંગ્લૅન્ડ ચૅમ્પિયન્સ ટીમને ત્રણ વિકેટે હરાવી દીધું. એમાં ઇંગ્લૅન્ડે ઇયાન બેલના અણનમ 59 રન અને સમિત પટેલના 51 રનની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટે 165 રન બનાવ્યા હતા. ભારતે જવાબમાં વિકેટકીપર રૉબિન ઉથપ્પા (Robin Uthappa)ના 50 રન, ગુરકીરત સિંહના 33 રન, વિકેટકીપર નમન ઓઝાના પચીસ રન તેમ જ ઇરફાન પઠાણના બાવીસ રનની મદદથી 19 ઓવરમાં સાત વિકેટે 166 રન બનાવીને વિજય મેળવ્યો હતો.
ઇન્ડિયા ચૅમ્પિયન્સે બીજા મુકાબલામાં વરસાદના વિઘ્ન વચ્ચે યુવરાજ સિંહના સુકાનમાં વેસ્ટ ઇન્ડિઝ ચૅમ્પિયન્સને 27 રનથી હરાવી દીધું હતું. ક્રિસ ગેઇલ કૅરિબિયન ટીમનો કૅપ્ટન હતો. ગુરકીરત સિંહે સાત સિક્સર, છ ફોરની મદદથી અણનમ 86 રન અને ઉથપ્પાએ ત્રણ સિક્સર, પાંચ ફોરની મદદથી 43 રન બનાવ્યા એ સાથે ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 229 રનનો ઊંચો સ્કોર નોંધાવ્યો હતો. કૅરિબિયન બોલર્સમાં ટિનો બેસ્ટ (જેણે સૌથી વધુ બે વિકેટ લીધી હતી) તેમ જ સૅમ્યૂલ બદરી, ફિડેલ એડવર્ડસ, સુલીમન બેન વગેરેનો સમાવેશ હતો. વરસાદના વિઘ્નો વચ્ચે કૅરિબિયન ટીમનો ટાર્ગેટ ઘટાડવામાં આવ્યો હતો. જોકે રિઝલ્ટ લાવવા પાંચ ઓવર પૂરી થઈ હોવી જોઈતી હતી અને કૅરિબિયન ટીમનો સ્કોર 5.3 ઓવરમાં એક વિકેટે 31 રન હતો ત્યારે મૅચ વધુ ન રમાતાં ભારતને વિજેતા ઘોષિત કરાયું હતું.
આ પણ વાંચો : ઝિમ્બાબ્વે સામેની બીજી ટી-20માં ભારતે બૅટિંગ લીધી, ગિલ-ઇલેવનમાં એક ફેરફાર
શનિવારનો ઇન્ડિયા ચૅમ્પિયન્સ-પાકિસ્તાન ચૅમ્પિયન્સ મુકાબલો સૌથી રોમાંચક બનવાનો હતો. પાકિસ્તાને વિકેટકીપર કામરાન અકમલ (40 બૉલમાં 77 રન), શરજીલ ખાન (30 બૉલમાં 72 રન)ની 125 રનની આતશબાજી ભરેલી ભાગીદારીની મદદથી તથા શોએબ મસૂદના આક્રમક 51 રનની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટે 243 રન બનાવ્યા હતા. ભારત વતી આરપી સિંહ, ધવલ કુલકર્ણી, પવન નેગી અને અનુરીત સિંહે એક-એક વિકેટ લીધી હતી.
ભારતીય ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 175 રન બનાવી શકી હતી જેમાં એકમાત્ર સુરેશ રૈના (બાવન રન, 40 બૉલ, બે સિક્સર, છ ફોર)ની હાફ સેન્ચુરી હતી. વિકેટકીપર ઉથપ્પા માત્ર બાવીસ રન અને અંબાતી રાયુડુ 39 રન બનાવી શક્યો હતો. ખુદ કૅપ્ટન યુવરાજ સિંહ 14 રનમાં શોએબ મલિકના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. વહાબ રિયાઝ અને શોએબ મલિકે સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
ઇન્ડિયા ચૅમ્પિયન્સ હવે સોમવારે ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન્સ સામે રમશે. બ્રેટ લી ઑસ્ટ્રેલિયન ટીમનો કૅપ્ટન છે. સાઉથ આફ્રિકા પણ આ સ્પર્ધામાં રમી રહ્યું છે અને જૅક કૅલિસ એનો કૅપ્ટન છે.