હરભજને પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીને જવાબ આપ્યો, ‘તમે લોકો સપનાં જોવાનું બંધ કરો’
જલંધર: ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહ સ્પષ્ટવક્તા છે અને ક્યારેય પણ કોઈ પણ વિષયમાં પોતાને જે સાચુ લાગે એ વ્યક્ત કરતા અચકાતો નથી. તેના આ અભિગમનો પાકિસ્તાનના એક ક્રિકેટપ્રેમીને અનુભવ થયો છે.
ભજ્જીએ ટવિટર પરના પોતાના સત્તાવાર હૅન્ડલ પર આ પાકિસ્તાનીને સપનાં જોવાનું બંધ કરવાની સલાહ આપી હતી જેનાથી એ ક્રિકેટલવર જરૂર ચોંકી ગયો હશે.
વાત એવી છે કે અલી રઝા આલમ નામનો પાકિસ્તાની ક્રિકેટર હરભજનનો ફૅન છે. રઝાએ ટ્વિટર પર લખ્યું, ‘આઇપીએલમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓને ફરી સાથે રમતા જોવાની ઘણા ક્રિકેટપ્રેમીઓની ઇચ્છા હશે.’
પાકિસ્તાનના ખેલાડીઓ 2008ની સૌપ્રથમ આઇપીએલ સીઝનમાં રમ્યા હતા, પરંતુ એ વર્ષમાં મુંબઈ પરના ટેરર-અટૅક પછી પાકિસ્તાનના ખેલાડીઓ માટે આઇપીએલનો દરવાજો બંધ થઈ ગયો છે. આઇપીએલ પરથી જ પ્રેરિત થઈને પાકિસ્તાન પોતાને ત્યાં પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) રાખે છે જેમાં ભારત સિવાયના કેટલાક દેશોના ખેલાડીઓ ભાગ લેતા હોય છે. જોકે આઇપીએલ વિશ્ર્વની સૌથી લોકપ્રિય અને ખેલાડીઓને સૌથી વધુ પૈસા આપતી ટી-20 લીગ છે અને એમાં પાકિસ્તાનના ખેલાડીઓ રમતા જોવા નથી મળતા એનો રંજ કરોડો પાકિસ્તાન-તરફી ક્રિકેટલવર્સને હશે જ.
હરભજને પોતાને ટૅગ કરનાર પાકિસ્તાનના ક્રિકેટર રઝા માટે જવાબમાં લખ્યું છે, ‘તમે લોકો જે સપનું જોઈ રહ્યા છે એવું સપનું એક પણ ભારતીયનું નથી. તમે લોકો પણ સપનાં જોવાનું બંધ કરો. હવે તો જાગો.’
દરમ્યાન, 43 વર્ષનો હરભજન બાવીસમી માર્ચે શરૂ થઈ રહેલી આઇપીએલમાં કદાચ કૉમેન્ટરી બૉક્સમાં જોવા મળશે. તે 1998થી 2015 દરમ્યાન ભારત વતી કુલ 360થી વધુ મૅચ રમ્યો હતો અને આઇપીએલની 163 મૅચમાં તેણે 150 વિકેટ લીધી હતી.