સ્પોર્ટસ

` સ્ટાઇલિશ વિરાટ પોતે જ દાઢીને શેપ આપે છે, તે બીજાનાં હેર-કટ પણ કરી શકે’…આવું કોણે શા માટે કહ્યું?

નવી દિલ્હીઃ સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ અલીમ હકીમે (ALEEM HAKIM) વિશ્વના ટોચના બૅટ્સમેનોમાં ગણાતા વિરાટ કોહલી (VIRAT KOHLI)ની એક એવી આવડતની વાત કરી છે જે જાણીને વિરાટના ચાહકો ચોંકી જશે. અલીમે કહ્યું છે કે વિરાટ કોહલી સ્ટાઇલિશ બૅટસમૅન તો છે જ, તે હેર-સ્ટાઇલની બાબતમાં પણ નિષ્ણાત છે. મને ઘણા સમયથી તેની દાઢીને શેપ આપવાનો અને હેર-કટ કરવાનો અવસર મળે છે, પણ ખરું કહું તો ખુદ વિરાટ આ બધા કામમાં ખૂબ જ હોશિયાર છે.’ અલીમે એક પૉડકાસ્ટ માટેની વાતચીત દરમ્યાન કહ્યું, વિરાટ ખૂબ જ સ્ટાઇલિશ છે. પોતાની દાઢીને તે પોતે જ શેપ આપતો હોય છે. તે એટલો બધો હોશિયાર છે કે મારું કામ તો નહીં જેવું જ હોય છે. બધું તે જાતે જ કરી લેતો હોય છે. દાઢીને શેપ આપવામાં કે હેર-કટની બાબતમાં તેનો હાથ ખૂબ હળવો છે અને તેની દૃષ્ટિ ચકોર છે. તેનામાં એટલી બધી કાબેલિયત છે કે તે બીજાના હેર-કટ પણ સારી રીતે કરી શકે.

aalim hakim virat kohli

અલીમના વર્ષો જૂના ક્લાયન્ટ વિરાટે 2025ની આઇપીએલની સીઝનના ગણતરીના દિવસો પહેલાં અલીમ પાસે હેર-કટ (HAIRCUT) કરાવ્યા હતા. તેના હેર શાર્પ અને સ્ટાઇલિશ લાગે એવો વિરાટે આગ્રહ રાખ્યો હતો. તેણે એ આઇપીએલમાં 15 મૅચમાં 657 રન કર્યા હતા જે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)ના તમામ બૅટસમેનોમાં સૌથી વધુ હતા અને આરસીબીની ટીમ પહેલી વાર ચૅમ્પિયન બની હતી. જોકે વિરાટે આઇપીએલની મધ્યમાં જ ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તે હવે માત્ર વન-ડે ક્રિકેટમાં અને આઇપીએલમાં જ રમશે.

અલીમે પૉડકાસ્ટમાં કહ્યું, ` પોતાની દાઢીને શેપ આપવાનો હોય ત્યારે વિરાટ મોટા ભાગે બીજા કોઈના પર મદાર નથી રાખતો. તે પોતાના લુકની બાબતમાં ખૂબ સજાગ અને હોશિયાર છે.’

આપણ વાંચો : કિંગ કોહલી નવી હેરસ્ટાઈલને લઈ ફરી લાઈમલાઈટમાં

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button