હાલૅન્ડ ફરી હૅટ-ટ્રિક હીરો: મૅન્ચેસ્ટર સિટીને મોખરે પહોંચાડ્યું
લંડન: નોર્વેના અર્લિંગ હાલૅન્ડે શનિવારે ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ)માં સતત બીજી મૅચમાં હૅટ-ટ્રિક ગોલ કરીને મૅન્ચેસ્ટર સિટીની ટીમને પૉઇન્ટ્સ ટેબલમાં મોખરે પહોંચાડી દીધી હતી.
દરેક ટીમને જીત બદલ ત્રણ પૉઇન્ટ મળે છે. સિટીની હજી માંડ ત્રણ મૅચ થઈ છે અને ત્રણેય જીતીને કુલ નવ પૉઇન્ટ સાથે આ ટીમ અવ્વલ થઈ ગઈ છે. ટાઇટલ માટેની હરીફ ફેવરિટ આર્સેનલની ટીમ ત્રણમાંથી બે મૅચ જીતી છે, પણ એક ડ્રૉ થઈ હોવાને લીધે એના ફક્ત સાત પૉઇન્ટ છે અને બ્રાઇટન (7)ની જેમ ત્રીજા સ્થાને છે. બ્રાઇટન અને આર્સેનલ, બન્નેને નવ-નવ પૉઇન્ટ સાથે મોખરે થવાનો મોકો હતો, પણ તેમની મૅચ 1-1થી ડ્રૉમાં જતાં બન્ને રહી ગયા અને સિટીએ નંબર-વનનું સ્થાન મેળવી લીધું હતું.
હાલૅન્ડના હૅટ-ટ્રિક ગોલની મદદથી સિટીએ શનિવારે વેસ્ટ હૅમ સામે 3-1થી વિજય મેળવ્યો હતો.
સિટીના ત્રણેય ગોલ હાલૅન્ડે 10મી, 30 અને 83મી મિનિટમાં કર્યા હતા. વેસ્ટ હૅમનો એકમાત્ર ગોલ 19મી મિનિટમાં થયો હતો અને એ પણ સિટીના રુબેન ડાયસના ઑન ગોલ (સેલ્ફ ગોલ)ને કારણે મળ્યો હતો.
આ પણ વાંચો : ફૂટબોલર અર્લિંગ હાલૅન્ડ સાતમા આસમાને
24મી ઑગસ્ટે સિટીએ ઇપ્સવિચ ટાઉનને 4-1થી હરાવ્યું એમાં પણ હાલૅન્ડે ગોલની હૅટ-ટ્રિક કરી હતી.
ઇપીએલમાં શનિવારે અન્ય મૅચોમાં ઍસ્ટન વિલાએ લિસેસ્ટર સિટીને 2-1થી અને એએફસી બૉર્નમાઉથે એવર્ટનને 3-2થી અને બ્રેન્ટફર્ડે સાઉધમ્પ્ટનને 3-1થી હરાવી હતી