
નવી દિલ્હી: ભારતના માત્ર 17 વર્ષની ઉંમરના ચેસ-સિતારા ડી. ગુકેશે તાજેતરમાં ધ કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ જીતીને ચેસજગતમાં સનસનાટી મચાવી દીધી ત્યાર પછી હવે તે આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં એનાથી અનેકગણી મોટી સફળતા મેળવી શકે એમ છે. તેને એ સિદ્ધિ મેળવવાની તક બીજે ક્યાંય નહીં, પણ ભારતમાં અને એ પણ હોમટાઉન ચેન્નઈમાં મળી શકે એમ છે. ધ કૅન્ડિડેટ્સમાં ચૅમ્પિયન થનાર ખેલાડીને એ જ વર્ષમાં વર્લ્ડ ચૅમ્પિયનને પડકારવાનો અને નવો વિશ્ર્વવિજેતા બનવાનો મોકો મળે છે. ચીનનો ડિન્ગ લિરેન હાલમાં ચેસનો વર્લ્ડ ચૅમ્પિયન છે અને ભારતે ગુકેશ-લિરેન વચ્ચેની વર્લ્ડ ચૅમ્પિયનશિપની મૅચ પોતાને ત્યાં રાખવા ચેસની વિશ્ર્વસંસ્થાને બિડ મોકલ્યું છે. આ બિડ તામિલનાડુ સરકાર તરફથી મોકલવામાં આવ્યું છે એટલે જો બિડ સ્વીકારાશે તો ગુકેશ-લિરેનનો મુકાબલો ચેન્નઈમાં થશે.
વર્લ્ડ ટાઇટલ માટે વર્લ્ડ ચૅમ્પિયનને પડકારનારાઓમાં 17 વર્ષનો ગુકેશ સૌથી યુવાન છે. તેની અને ડિન્ગ લિરેન વચ્ચેની મૅચ આગામી 20મી નવેમ્બર અને 15મી ડિસેમ્બર વચ્ચે રાખવી પડશે અને એ માટે તામિલનાડુ સરકારે ચેન્નઈમાં મુકાબલો રાખવા અરજી કરી છે.


આ મુકાબલાનું યજમાન બનવા માટે બીજા કોઈ દેશ તરફથી બિડ નથી મોકલવામાં આવ્યા અને 31મી મેની ડેડલાઇન બહુ નજીક આવી ગઈ છે. એકમાત્ર ભારતે બિડ મોકલ્યું છે અને કહેવાય છે કે સિંગાપોર પણ બિડ મોકલવા વિચારે છે.
આ પણ વાંચો : ટીનેજ ચેસસમ્રાટ ગુકેશ પર લાખો રૂપિયાના ઇનામની વર્ષા
જો ભારતનું બિડ સ્વીકારવામાં આવશે તો ઑલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (એઆઇસીએફ)એ 71 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા તૈયાર રહેવું પડશે. પચીસ દિવસની આ ટૂર્નામેન્ટ સંબંધમાં યજમાન ફેડરેશને વૈશ્ર્વિક ચેસ સંસ્થા (ફિડે)ને ફૅસિલિટેશન ફી પણ આપવી પડશે.
17 વર્ષીય ગુકેશે તાજેતરમાં ધ કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ સૌથી નાની ઉંમરે જીતવાનો ગૅરી કાસ્પારોવનો 40 વર્ષ જૂનો વિશ્ર્વવિક્રમ તોડ્યો હતો. 1984માં કાસ્પારોવે 20 વર્ષની ઉંમરે આનાતોલી કાર્પોવને પરાજિત કર્યા હતા.
પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનનાર વિશ્ર્વનાથન આનંદ ચેન્નઈનો છે અને તે ડી. ગુકેશનો મેન્ટર છે. ભારતે 2000માં અને 2013માં ચેસની વિશ્ર્વસ્પર્ધા યોજી હતી. 2000માં 100 ખેલાડીઓના સમાવેશ સાથે યોજાયેલી સ્પર્ધામાં આનંદે ફાઇનલમાં ઍલેક્સી શિરોવને હરાવીને પહેલી વાર વર્લ્ડ ચૅમ્પિયનનું ટાઇટલ જીતી લીધું હતું. જોકે 2013માં આનંદનો નોર્વેના મૅગ્નસ કાર્લસન સામે ફાઇનલમાં પરાજય થયો હતો.