સ્પોર્ટસ

હું પૈસા માટે ચેસ રમતો નથીઃ ગુકેશે વર્લ્ડ ચૅમ્પિયન બન્યા પછી મન મૂકીને વાતો કરી

18 વર્ષના વિશ્વ વિજેતાએ સિંગાપોરના શેફનો આભાર માન્યા પછી કહ્યું, `એક વર્ષથી મેં આઇસક્રીમ નથી ખાધું, પણ હવે જરૂર ખાઇશ'

સિંગાપોરઃ ગુરુવારે ચીનના ડિન્ગ લિરેનને હરાવીને ચેસ જગતના સૌથી યુવાન વર્લ્ડ ચૅમ્પિયન બનનાર ચેન્નઈના 18 વર્ષની ઉંમરના ડી. ગુકેશે પોતાને મલ્ટિ-મિલિયનેર'નો જે ટૅગ લાગ્યો છે એ વિશે એક ઇન્ટરવ્યૂમાં સવાલ પૂછાતાં કહ્યું,હું ક્યારેય પણ પૈસા જીતવાના આશય સાથે ચેસ નથી રમતો. હું હજી પણ પોતાને બાળક માનું છું અને ચેસ મારું સૌથી પ્રિય રમકડું છે.’

ગુકેશને વર્લ્ડ ચૅમ્પિયન બનવા બદલ સર્વોચ્ચ ચેસ-સંસ્થા ફિડે તરફથી 11.45 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું છે. એ ઉપરાંત, તામિલનાડુ સરકારે તેના માટે પાંચ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.

તમે હવે મલ્ટિ-મિલિયનેર થઈ ગયા છો…તમે કેવી લાગણી અનુભવી રહ્યા છો? શૅર કરશો?, એવું ફિડે દ્વારા લેવામાં આવેલી મુલાકાતમાં પૂછવામાં આવતાં ગુકેશે કહ્યું, હું આ રોકડ ઇનામોને ખૂબ મહત્ત્વના ગણું છું. મેં ચેસ રમવાનું શરૂ કર્યું ત્યારે પરિવાર તરીકે અમારે કેટલાક અઘરા નિર્ણય લેવા પડ્યા હતા. મારા મમ્મી-પપ્પા એ સમયે આર્થિક અને ભાવાત્મક મુસીબતોમાંથી પસાર થઈ રહ્યા હતા. જોકે હવે બધુ ઠીક થઈ ગયું છે અને એ મુશ્કેલીઓ વિશે મારા પૅરેન્ટ્સે હવે કંઈ જ ચિંતા કરવાની જરૂર નથી.'

નાનપણથી ચેસની રમતમાં આગળ વધતા ગુકેશને દેશ-વિદેશમાં સાથ આપવા તેના પિતા રજનીકાંતે ઇયર-નૉઝ-થ્રોટ (ઇએનટી) સર્જન તરીકેનું કામ છોડી દીધું હતું. ત્યારે ગુકેશના મમ્મી પદમાકુમારી (જેઓ માઇક્રોબાયોલૉજિસ્ટ છે)એ એકલા હાથે પરિવારના ગુજરાનની જવાબદારી ઉપાડી લીધી હતી. ગુકેશના પિતા તેમના આ વિશ્વ વિજેતા દીકરાના મૅનેજર પણ છે અને તેની તમામ આર્થિક બાબતો તેમ જ તેના શેડ્યૂલ વિશેનું કામકાજ સંભાળે છે.

ગુકેશે ઇન્ટરવ્યૂમાં તેના મમ્મી પદમાકુમારીની વાત કરતા કહ્યું,મારી મમ્મી મને હંમેશાં મને કહે છે કે તું ગે્રટ ચેસ પ્લેયર બની ગયો એ જાણીશ ત્યારે હું ખુશ થઈશ, પરંતુ તું ખેલાડી કરતાં માનવી તરીકે વધુ ગુણવાન છે એવું જ્યારે સાંભળીશ ત્યારે વધુ ખુશ થઈશ.’

https://twitter.com/i/status/1867204303590486193

ગુકેશ કહે છે કે ચેસમાં હું હજી પણ નવું-નવું શીખી રહ્યો છું. વધુને વધુ શીખતો જઈશ ત્યારે મને લાગશે કે અગાઉ હું કેટલું બધુ ઓછું જાણતો હતો. ગે્રટેસ્ટ ખેલાડીઓ પણ ક્યારેક ભૂલ કરી બેસતા હોય છે. હાલમાં ટેક્નોલૉજી અદ્યતન થઈ ગઈ છે એમ છતાં ચેસની રમતમાં હજીયે ઘણું નવું શીખવા જેવું છે. હું જ્યારે પણ ચેસ બોર્ડ પર હોઉં ત્યારે મને થાય કે મને કંઈક નવું શીખવા મળ્યું. ચેસની સુંદર રમતની આ જ તો અમર્યાદિત ખાસિયત છે. મારામાં હારવાના ભય કરતાં જીતવાની ઝંખના વધુ પ્રબળ હોય છે.' ગુકેશે મિત્રો સાથેની થોડી અંગત વાતો શૅર કરતા જણાવ્યું,અગાઉ જ્યારે પણ મારા મિત્રો ડાન્સ કરતા ત્યારે હું એક ખૂણામાં જઈને બેસી જતો હતો. જોકે તાજેતરના ચેસ ઑલિમ્પિયાડમાંના વિજય બાદ મારામાં જોશ આવી ગયો હતો અને મેં પણ થોડો ડાન્સ કરી લીધો હતો. હવે જ્યારે હું વર્લ્ડ ચૅમ્પિયન બન્યો ત્યારે મને મિત્રોએ કહ્યું કે તું ચેસ ઑલિમ્પિયાડની જીત વખતે નાચ્યો હતો એટલે હવે તારે અમારી સાથે ડાન્સ-પાર્ટીમાં જોડાવું જ પડશે.’

ગુકેશે સિંગાપોરમાં વિશ્વ વિજેતાપદની ફાઇનલ જીતી લીધી. સિંગાપોરમાં ચીનના ડિન્ગ લિરેન સામેની ફાઇનલના દિવસો દરમ્યાન પોતાની ફેવરિટ સાઉથ ઇન્ડિયન વાનગીઓ બનાવીને ખવડાવવા બદલ ગુકેશે સિંગાપોરની હોટેલના શેફનો આભાર માન્યો હતો. ઇન્ટરવ્યૂમાં ગુકેશે છેલ્લે કહ્યું, `એક વર્ષથી મેં આઇસ-ક્રીમ નથી ખાધું, હવે જરૂર ખાઇશ.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button