ચીનના વર્લ્ડ ચૅમ્પિયનને હરાવ્યા પછી ભારતના ચેસ-સ્ટાર ગુકેશને ડ્રગ્સ-ટેસ્ટના અધિકારીઓએ કહ્યું, `ચાલો અમારી સાથે…’
સિંગાપોરઃ ભારતનો ટીનેજ ચેસ-સ્ટાર ડી. ગુકેશ અહીં ચાલી રહેલી વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં ચીનના વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેનને બરાબરની ટક્કર આપી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને બુધવારે ત્રીજી ગેમમાં ગુકેશે લિરેનને હરાવ્યો ત્યાર પછી સેલિબે્રશનના મૂડમાં હતો ત્યારે અચાનક જ તેને ડ્રગ્સ-ટેસ્ટ માટે લૅબોરેટરીમાં લઈ જવામાં આવ્યો હતો.
પાંચ ગેમને અંતે ગુકેશ અને લિરેન, બન્નેના એકસરખા 2.5 પૉઇન્ટ છે. ગુકેશ તેના આ ચીની હરીફથી લગભગ અડધી ઉંમરનો છે. ગુકેશ 18 વર્ષનો અને લિરેન 32 વર્ષનો છે. ગુકેશ સામે જીતવા સંબંધમાં લિરેન પર જબરદસ્ત મનોવૈજ્ઞાનિક દબાણ છે.
આ પણ વાંચો: સ્પોર્ટ્સ મૅન : ભારતનો ડી. ગુકેશ ચેસ જગતનો નવો સમ્રાટ બનશે?
લિરેન પ્રથમ ગેમ જીતી ગયો હતો અને બીજી ગેમ ડ્રૉમાં ગઈ હતી. ગુકેશે ત્રીજી ગેમ જીતીને સ્કોર 1.5-1.5ની બરાબરીમાં લાવી દીધો એ પછી ગુકેશ જીતની ઉજવણીના મૂડમાં હતો ત્યારે આ વિશ્વ સ્પર્ધા માટેના મેડિકલ પ્રોફેશનલ ઑસ્ટ્રેલિયાના ઝાઓ ઝૉન્ગ યુઆન (જે મૂળ ચીનનો છે)એ ગુકેશને કહ્યું, `ચાલો, તમારી ડોપિંગ ટેસ્ટ લેવાની છે.’
આ પણ વાંચો: ભારતના ચેસ ચૅમ્પિયન ગુકેશથી ચીન ડરી ગયું કે શું?
ગુકેશ ખૂબ જ શાંત સ્વભાવનો અને ધીરગંભીર છે. તેણે તરત જ મૂળ ચીનના આ અધિકારીને સહકાર આપ્યો હતો. થોડી વાર પછી લિરેનને પણ ડોપિંગ-ટેસ્ટ માટે લઈ જવાયો હતો.