ભારતના ચેસ ચૅમ્પિયન ગુકેશથી ચીન ડરી ગયું કે શું?
ચેસ ઑલિમ્પિયાડમાં ભારતના પુરુષોની ટીમને ગોલ્ડ મેડલ જીતવાની તક
બુડાપેસ્ટ: ભારતના ડી. ગુકેશ અને ચીનના વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેન વચ્ચે આગામી નવેમ્બરમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મુકાબલો થવાનો છે અને એમાં ડિન્ગને હરાવીને વર્લ્ડ ચૅમ્પિયન બનવાનો ગુકેશને સારો મોકો મળશે. જોકે એ મુકાબલા પહેલાં જ બુધવારે ગુકેશને ડિન્ગ સાથે બાથ ભીડવાનો મોકો મળ્યો હતો, પરંતુ ચીનના ચેસની રમતના સત્તાધીશોએ ડિન્ગને ‘આરામ’ આપ્યો હતો જેને કારણે તે ગુકેશની સામે નહોતો રમ્યો.
વાત એવી છે કે બુધવારે ચેસ ઑલિમ્પિયાડમાં ચીનની ટીમે ભારતનો સામનો કરવાનો હતો જેમાં ચીને ડિન્ગને આરામ આપીને પોતાના ઉતરતા ક્રમના વેઇ યીને ગુકેશ સામે રમવા મોકલ્યો હતો અને ગુકેશે તેને રોમાંચક મુકાબલામાં હરાવી દીધો હતો.
ડિન્ગને ચીને આરામ આપ્યો હતો, પણ તે ચેસ ઑલિમ્પિયાડના સ્થળે એક ટેબલ પર ચેસ બોર્ડ મૂકીને પ્રૅક્ટિસ કરી રહેલો જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ડિન્ગે બે દિવસ પહેલાં વિયેટનામના ક્વાન્ગ લિમ લી સામે પરાજય સહેવો પડ્યો હતો એટલે જો તે ગુકેશ સામે પણ હારી જાય તો ચીનની વધુ નામોશી થાય એટલે જ ચીને તેને ગુકેશ સામે મોકલવાનું ટાળ્યું હોવાની ચર્ચા હતી.
દરમ્યાન, ભારતે ચેસ ઑલિમ્પિયાડમાં ચીનને હરાવ્યા પછી શુક્રવારે ઇરાનને 3.5-0.5થી પરાસ્ત કર્યું હતું. ભારતના પુરુષો આઠ મૅચ રમ્યા છે અને આઠેય જીત્યા છે.
ભારતની ટીમમાં ગુકેશ ઉપરાંત વિદિત ગુજરાતી, અર્જુન એરિગૈસી, આર. પ્રજ્ઞાનાનંદનો સમાવેશ છે.
ભારતના પુરુષોની ટીમના 16 પૉઇન્ટ થયા હોવાથી ગોલ્ડ મેડલ જીતવા માટે ફેવરિટ છે.