અમદાવાદ: ગુજરાત ટાઇટન્સે અહીં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સને દિલધડક મુકાબલામાં છ રનથી હરાવ્યું હતું.
૨૦૧૩ પછી મુંબઈની ટીમ ક્યારેય સીઝનની પોતાની પહેલી મૅચ નથી જીતી શકી અને રોહિતસેના પછી હવે હાર્દિકની ટીમે એ નકારાત્મક પરંપરા ૧૧મા વર્ષે પણ જાળવી રાખી છે.
૧,૦૦,૦૦૦થી પણ વધુ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમ વચ્ચે છેલ્લી ઓવરના થ્રિલરમાં મુંબઈએ ૧૯ રન બનાવવાના હતા અને ત્રણ વિકેટ બાકી હતી. જોકે ઉમેશ યાદવની એ ઓવરમાં હાર્દિકના છગ્ગા-ચોક્કા બાદ ઉપરાઉપરી બે વિકેટ પડી હતી, કુલ માત્ર ૧૨ રન બન્યા હતા અને મુંબઈની છ રનથી હાર થઈ હતી.
ઉમેશ હીરો બની ગયો, ગિલ કેપ્ટ્ન્સીની પહેલી મૅચ જીત્યો અને ગુજરાતની ટીમ છોડીને મુંબઈ આવેલા હાર્દિકે પોતાના પહેલાં સુકાનમાં પરાજ્ય સાથે ખાતું ખોલાવ્યું.
મુંબઈની ટીમ ૧૬૯ના સાધારણ ટાર્ગેટ સામે ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૬૨ રન બનાવી શકી હતી. હાર્દિકે છેક સાતમા ક્રમે બેટિંગમાં આવીને મોટી ભૂલ કરી હતી. બ્રેવીસના ૪૬ રન અને રોહિતના ૪૩ રન એળે ગયા હતા. ગુજરાતના મોહિત, ઉમેશ, ઓમરઝાઇ અને નવા બોલર સ્પેન્સરે બે-બે વિકેટ લીધી હતી. એક વિકેટ સાંઈ કિશોરે લીધી હતી.
છેલ્લે છેલ્લે ગુજરાતના મનોહર, તેવટિયા, મોહિત, મિલર, સ્પેન્સરે કટોકટીના સમયે સુંદર કૅચ પકડીને ગુજરાતની જીત શક્ય બનાવી હતી.
એ પહેલાં, ગુજરાતે બૅટિંગ મળ્યા બાદ સાધારણ શરૂઆત કરી હતી, પરંતુ ૩૦-૪૦ રન આસપાસની જ ભાગીદારી બની હતી અને એકેય હાફ સેન્ચુરી પણ નહોતી બની. પરિણામે, ગુજરાતનો ટીમ સ્કોર પણ છેવટે સાધારણ જ રહ્યો હતો. ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૬૮ રન બન્યા હતા અને પાંચ વાર ટાઈટલ જીતનાર મુંબઈને ૧૬૯ રનનો સામાન્ય ટાર્ગેટ મળ્યો હતો જે મુંબઈને છેવટે મોટો લાગ્યો હતો.
ગુજરાતની ટીમમાં સાંઈ સુદર્શન (૪૫ રન, ૩૯ બૉલ, એક સિક્સ, ત્રણ ફોર)નો સ્કોર હાઇએસ્ટ હતો. કેપ્ટન ગિલ ૩૧ રન, રાહુલ તેવટિયા બાવીસ રન, સાહા ૧૯ રન, ઓમરઝાઇ ૧૭ અને મિલર ૧૨ રન બનાવી શક્યો હતો.
મુંબઈના સાત બોલરમાં બુમરાહે માત્ર ૧૪ રનમાં ત્રણ, કોએટઝીએ ૨૭ રનમાં બે અને ચાવલાએ ૩૧ રનમાં એક વિકેટ લીધી હતી. હાર્દિક, લ્યૂક વૂડ, મુલાની અને હરિયાણાના નવા સ્પિનર નમન ધીરને વિકેટ નહોતી મળી.
ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ગુજરાતે સાંઈ સુદર્શનના સ્થાને મોહિત શર્માને અને મુંબઈએ લ્યૂક વૂડના સ્થાને બ્રેવિસને ટીમમાં સમાવ્યો હતો.
ગુજરાતના સાંઈ સુદર્શનને મૅન ઑફ ધ મેચનો પુરસ્કાર અપાયો હતો.