અબુ ધાબીમાં મિની ઑક્શન વચ્ચે થેપલાની મેગા-મોજ

અમદાવાદઃ ગુજરાતીઓ જ્યાં પણ હોય ત્યાં થેપલાની મિજબાની તો હોય જ. ગુજરાતીઓ વચ્ચે થેપલા પાર્ટી ન થાય તો એ મોટી નવાઈ કહેવાય. ગુજરાતીઓના થેપલા જગપ્રસિદ્ધ છે એનો પુરાવો આપવાની કોઈ જરૂર તો નથી, પણ વાત નીકળી છે તો કહી દેવાનું કે મંગળવારે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઇ)ની રાજધાની અબુ ધાબીમાં આયોજિત આઇપીએલના મિની ઑક્શન દરમ્યાન પણ થેપલાની મહેફિલ જામી હતી. વાત નવાઈ લાગે એવી છે, પણ આ હકીકત છે.
આઇપીએલની 2022ની ચૅમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ (જીટી)એ અબુ ધાબીના મિની ઑક્શનમાં ખૂટતા પાંચ ખેલાડીને ખરીદવા પાછળ કુલ 12.90 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો હતો, પરંતુ એના ફ્રૅન્ચાઇઝીના પ્રતિનિધિઓએ ઓછા પ્લેયર ખરીદ્યા અને 1.95 કરોડ રૂપિયા બાકી રાખ્યા હતા તેમ જ લગભગ સાત કલાક સુધી ચાલેલી હરાજીની ઇવેન્ટમાં કેટલીક રોમાંચક ઘટનાઓ પણ જોઈ હતી, પરંતુ ખુદ જીટીના ટેબલ પરની એક ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તમારી ધારણા સાચી છે! એ ઘટના થેપલાને લગતી હતી. એ ઘટનાને હળવો નજારો કહીએ તો પણ ખોટું નથી.
આપણ વાચો: આઇપીએલના ઑક્શનની મહિલા સંચાલક વિશે આ જાણો છો?
દેશી-વિદેશી ખેલાડીઓને ખરીદવાની રસાકસી વચ્ચે જીટીના ટેબલ પર આ શ્રેષ્ઠ ગુજરાતી દેશી વાનગી (થેપલા)ની મોજ માણવામાં આવી હતી. ટીમનો હેડ-કોચ આશિષ નેહરા છે મૂળ દિલ્હીનો, પરંતુ ચાર વર્ષથી જીટીની સાથે છે એટલે તેને વારંવાર થેપલા, ખાટા ઢોકળા, ખમણ વગેરે ખાવા મળ્યા હશે એમાં બેમત નથી.
Thepla is an emotion! pic.twitter.com/JRHvVM1kTh
— Gujarat Titans (@gujarat_titans) December 16, 2025
મંગળવારે તે પણ ઑક્શનના બે્રક દરમ્યાન જીટીના ટેબલ પરથી થેપલાના રૂપમાં જે ગુજરાતી મિજાજ બહાર આવ્યો હતો એમાં તણાઈ ગયો હતો. તેણે થેપલાની ભરપૂર મોજ માણી હતી. ટીમનો બૅટિંગ-કોચ પાર્થિવ પટેલ પાક્કો ગુજરાતી એટલે તેનાથી થેપલા વગર રહેવાય જ કેમ. તેણે પણ ઘર જેવા થેપલાને ન્યાય આપ્યો હતો.
આપણ વાચો: આઇપીએલના ઑક્શનમાં આજે કોણ સૌથી મોંઘા અને કોને કોઈએ પણ નથી ખરીદ્યા…
વિદેશી ધરતી અને ઇવેન્ટ હતી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટેની. એમાં પણ આઇપીએલ જેવું મોટું પ્લૅટફૉર્મ. ટીમના પ્રતિનિધિઓને સામાન્ય રીતે સ્પાઇસી અને નૉન-સ્પાઇસી વાનગીઓ તેમ જ મિજાજ હળવો બનાવી દે એવા સૅલડ ખાવા મળતા હોય છે, પરંતુ અબુ ધાબી જેવા આરબ શહેરની ઇવેન્ટના ટેબલ પરથી જો ચટાકેદાર અને સ્વાદિષ્ટ થેપલા મળતા હોય તો કોના મોઢામાં પાણી ન આવે! થેપલા તો શાક કે અથાણાં વગર પણ ખૂબ ભાવે.
જીટીના પ્રતિનિધિઓ તો તૂટી પડ્યા હતા. હૉલમાં સર્વત્ર થેપલાની સુગંધ ફેલાઈ ગઈ હતી અને આસપાસના ઘણા લોકો પ્રભાવિત થયા હતા અને થોડી વાર માટે તો હૉલમાં થેપલા જ ચર્ચામાં હતા.
ટીમના મુખ્ય ખેલાડીઓમાં કોણ
શુભમન ગિલની કૅપ્ટન્સીવાળી જીટીની ટીમના ફ્રૅન્ચાઇઝીએ હરાજીમાં વેસ્ટ ઇન્ડિઝના ઑલરાઉન્ડર જેસન હોલ્ડરને 2.00 કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે 7.00 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ટીમના અન્ય મુખ્ય ખેલાડીઓમાં સાઇ સુદર્શન, જૉસ બટલર, અનુજ રાવત, રાહુલ તેવાટિયા, કુમાર કુશાગ્ર, એમ. શાહરુખ ખાન, નિશાંત સિંધુ, ટૉમ બૅન્ટન, ગ્લેન ફિલિપ્સ, રાશીદ ખાન, વૉશિંગ્ટન સુંદર, ઇશાન્ત શર્મા, કૅગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, સાઇ કિશોર, અર્શદ ખાન, જયંત યાદવ, પૃથ્વી રાજ યારા, માનવ સુથાર, લ્યૂક વૂડ, ગુરનુર સિંહ બ્રારનો સમાવેશ છે.



