સ્પોર્ટસ

અપીલ કૅચ માટે થઈ, અમ્પાયરે એલબીડબલ્યૂ આપ્યો! ગુજરાતની રણજીમાં જોરદાર નાટ્યાત્મક વળાંકો

અમદાવાદ: ગુજરાતની ટીમને ગઈ કાલે રણજી ટ્રોફીની ફાઈનલમાં પહોંચવાનો સોનેરી મોકો હતો, પરંતુ એના પૂછડીયા બૅટર્સ જરૂરી રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને કેરળની ટીમ ફાવી ગઈ હતી. કેરળે પહેલી ઇનિંગ્સની ફક્ત બે રનની સરસાઈના તફાવતને આધારે વિજેતા બનીને પોતાના સાત દાયકાના ઇતિહાસમાં પહેલી વખત રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ગુજરાતની છેવટની ત્રણ વિકેટમાં અડીખમ ઊભેલા સિદ્ધાર્થ દેસાઈની વિકેટ નાટયાત્મક સંજોગોમાં પડી હતી.

મૅચ ડ્રો છતાં કેરળ કેવી રીતે જીત્યું?

કેરળે પ્રથમ દાવમાં 457 રન બનાવ્યા હતા અને ડ્રો તરફ જઈ રહેલી મૅચમાં ગુજરાતે પણ જો પહેલા દાવમાં 457 રન બનાવ્યા હોત તો (ગ્રુપ સ્ટેજમાં વધુ પોઇન્ટ હોવાને કારણે) ગુજરાતને ફાઇનલમાં જવા મળ્યું હોત. પરંતુ એવું ન બન્યું. ગુજરાતનો પહેલો દાવ 455 રન પર જ પૂરો થઈ ગયો અને કેરળે બે રનની લીડના તફાવતથી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો.

જયમીત જીવતદાન પછી પણ આઉટ

પાંચ દિવસની આ સેમિ ફાઇનલમાં શુક્રવારે પાંચમો દિવસ હતો. ગુરૂવારના ચોથા દિવસની રમતને અંતે ગુજરાતનો સ્કોર સાત વિકેટે 429 રન હતો. જયમીત પટેલ 74 રન અને અને સિદ્ધાર્થ દેસાઈ 24 રને રમી રહ્યા હતા. ગુજરાતે ફાઇનલમાં પહોંચવા બીજા ફક્ત 28 રન બનાવવાના હતા. જોકે 436 રનના કુલ પર જયમીત પટેલ (79 રન, 177 બૉલ, બે ફોર) સ્પિનર આદિત્ય સરવટેના બૉલમાં વિકેટકીપર મોહમ્મદ અઝહરૂદ્દીનના હાથે સ્ટમ્પ-આઉટ થયો હતો. બે જ બૉલ પહેલાં કેપ્ટન સચિન બૅબીના હાથે જયમીતને જીવતદાન મળ્યું હતું, પરંતુ જયમીત એનો ફાયદો નહોતો ઉઠાવી શક્યો.

Also read: રણજી સેમિ ફાઇનલમાં મુંબઈ 260 રનથી અને ગુજરાત 235 રનથી પાછળ…

કહીં પે નિગાહેં, કહીં પે નિશાના…

436ના સ્કોર પર જયમીતની આઠમી વિકેટ પડ્યા બાદ સિદ્ધાર્થ દેસાઈ પર બોજ વધી ગયો હતો. જોકે 10 રન બાદ તેની વિકેટ નાટ્યાત્મક સ્થિતિમાં પડી હતી. ટીમનો સ્કોર 446 રન હતો અને ફાઈનલમાં પહોંચવા ગુજરાતે ફક્ત ૧૧ રન બનાવવાના બાકી હતા ત્યારે સિદ્ધાર્થ કેરળની જાળમાં ફસાયો હતો.
પાછલા દિવસથી કેરળના બોલરના નાકે દમ લાવનાર સિદ્ધાર્થ દેસાઈએ 163 બૉલ સુધી ઝઝૂમતા રહીને 30 રન બનાવ્યા હતા. જોકે લેફ્ટ-આર્મ સ્પિનર સરવટેના એક બૉલમાં સિદ્ધાર્થનો કૅચ સિલી પોઇન્ટ પર પકડાયો હોવાની અપીલ થઈ હતી અને અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. જોકે સિદ્ધાર્થે ડીઆરએસની મદદ લીધી હતી. થર્ડ અમ્પાયરને અલ્ટ્રા એજમાં એવું જોવા મળ્યું કે બૅટ સાથે બૉલનો સંપર્ક થયો જ નહોતો એટલે એ રીતે થર્ડ અમ્પાયરે સિદ્ધાર્થને નૉટઆઉટ જાહેર કર્યો હતો એટલે કેરળના ફીલ્ડર્સ હતાશ થઈ ગયા હતા. જોકે થોડી ક્ષણો બાદ જ કેરળના ખેલાડીઓનું સેલિબ્રેશન શરૂ થઈ ગયું હતું, કારણકે બૉલ ટ્રેકિંગમાં એવું સાબિત થયું હતું કે લાઈનમાં પડેલો બૉલ લેગ સ્ટમ્પને વાગ્યો હોત. એ રીતે થર્ડ અમ્પાયરે સિદ્ધાર્થને એલબીડબલ્યૂમાં આઉટ જાહેર કર્યો હતો.

સિદ્ધાર્થ દેસાઈને નસીબનો સાથ ન મળ્યો

સિદ્ધાર્થને ભાગ્યનો સાથ ન મળ્યો અને તેણે ખરા સમયે વિકેટ ગુમાવવી પડી હતી. અર્ઝાન પણ જીવતદાનનો લાભ ન લઈ શક્યો ત્યાર બાદ અર્ઝાન નાગવાસવાલા સાથે 11મા નંબરનો પ્રિયજિતતસિંહ જાડેજા જોડાયો હતો. અર્ઝાનને એક જીવતદાન પણ મળ્યું હતું, પરંતુ છેવટે તે સરવટેના બૉલમાં 455 રનના કુલ સ્કોર પર 10મી વિકેટ ગુમાવી બેઠો હતો અને કેરળે બે રનની સરસાઈના તફાવતથી ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હતી. અર્ઝાન કેપ્ટન સચિન બૅબીના હાથમાં કૅચઆઉટ થયો હતો.

પ્રિયાંક-આર્યની 131ની ભાગીદારી એળે ગઈ

ઓપનર પ્રિયાંક પંચાલના 148 રન તથા બીજા ઓપનર આર્ય દેસાઈના 73 રન પાણીમાં ગયા હતા. તેમની વચ્ચેની 131 રનની ભાગીદારી એળે ગઈ હતી. કેરળના બે સ્પિનર જલજ સકસેના અને સરવટેએ ચાર-ચાર વિકેટ લીધી હતી.

મોહમ્મદ અઝહરૂદ્દીન મૅન ઑફ ધ મૅચ પહેલા દાવમાં અણનમ 177 રન બનાવવા બદલ તેમ જ ગુજરાતના બે બૅટરને સ્ટમ્પ-આઉટ કરવા બદલ કેરળના વિકેટકીપર અઝહરુદ્દીનને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

બુધવારથી કેરળ-વિદર્ભની ફાઇનલ

હવે બુધવાર, 26મી ફેબ્રુઆરીથી નાગપુરમાં કેરળ અને વિદર્ભ વચ્ચે ફાઈનલ રમાશે.

મુંબઈ સેમિમાં 80 રનથી હાર્યું

ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈને ગઈ કાલે ગયા વર્ષના રનર-અપ વિદર્ભએ સેમિ ફાઇનલમાં 80 રનથી હરાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button