મહિલાઓની આઇપીએલમાં ગુજરાતે બેન્ગલૂરુને હરાવ્યું, હવે મોખરાની ટીમો મુંબઈ-દિલ્હી વચ્ચે ટકકર

બેન્ગલૂરુઃ પાંચ ટીમ વચ્ચેની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) તરીકે ઓળખાતી મહિલાઓની આઇપીએલમાં આજે ગુજરાત જાયન્ટ્સે ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુને છ વિકેટે હરાવીને આ સીઝનમાં બીજી જીત હાંસલ કરી હતી. હવે શુક્રવારે (સાંજે 7.30 વાગ્યાથી) મોખરાની બે ટીમ મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ) અને દિલ્હી કૅપિટલ્સ (ડીસી) વચ્ચે ટક્કર છે.
આજે સ્મૃતિ મંધાનાના સુકાનમાં બેન્ગલૂરુએ સાત વિકેટે 125 રન બનાવ્યા એના જવાબમાં ઍશ ગાર્ડનરની કૅપ્ટન્સીમાં ગુજરાતની ટીમે 16.3 ઓવરમાં ચાર વિકેટના ભોગે 126 રન બનાવીને છ વિકેટના તફાવતથી વિજય મેળવી લીધો હતો. કૅપ્ટન ગાર્ડનર (58 રન, 31 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) આ મૅચની સુપરસ્ટાર હતી. ફૉબે લિચફીલ્ડ છેલ્લી ક્ષણોમાં ફટકારેલી સિક્સર સહિત કુલ 30 રન બનાવીને અણનમ રહી હતી. ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંહ તથા સ્નેહ રાણા સહિત બેન્ગલૂરુની સાત બોલર ગુજરાતની ટીમને નમાવી નહોતી શકી.
આ પણ વાંચો…ઇંગ્લૅન્ડ હાર્યું અફઘાનિસ્તાન સામે, પણ દોષનો ટોપલો ભારત પર ઢોળશેઃ ગાવસકર
બે દિવસ પહેલાં મેગ લેનિંગના સુકાનમાં દિલ્હી કૅપિટલ્સે પોતાના જ દેશની ઍશ ગાર્ડનરની કૅપ્ટન્સીમાં રમતી ગુજરાત જાયન્ટ્સ ટીમને છ વિકેટે હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં ચોથા નંબર પરથી મોખરાનું સ્થાન મેળવી લીધું હતું ત્યાર બાદ હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મુંબઈ ઇન્ડિયન્સે બુધવારે દીપ્તિ શર્માના સુકાનમાં રમતી યુપી વૉરિયર્ઝને આઠ વિકેટે પરાસ્ત કરીને મોખરાનું સ્થાન દિલ્હી પાસેથી આંચકી લીધું હતું.
પૉઇન્ટ્સ-ટેબલમાં મુંબઈ તથા દિલ્હીના છ-છ પૉઇન્ટ છે, જ્યારે બાકીની ત્રણ ટીમ બેન્ગલૂરુ, યુપી અને ગુજરાતના ચાર-ચાર પૉઇન્ટ છે.