ગ્રાઉન્ડ્સમૅને અમને પિચથી અઢી મીટર દૂર રહેવા કહ્યું એટલે પરિસ્થિતિ તંગ થઈ ગઈઃ સિતાંશુ કોટક

લંડનઃ ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીના બૅનર હેઠળ પહેલી જ વખત રમાઈ રહી છે અને મેદાન પર ભારતીય ખેલાડીઓને ઇરાદાપૂર્વક પરેશાન કરવાનો તથા ભારતીય બૅટ્સમેનોના શરીરને ટાર્ગેટ બનાવવાનો બ્રિટિશ ખેલાડીઓનો અભિગમ રહ્યો છે ત્યારે લંડનનું ઓવલ (Oval) ગ્રાઉન્ડ કે જ્યાં ગુરુવાર, 31મી જુલાઈથી પાંચમી અને છેલ્લી ટેસ્ટ (બપારે 3.30 વાગ્યાથી) રમાવાની છે ત્યાં મંગળવારે ભારત (India)ના હેડ-કોચ ગૌતમ ગંભીર અને ચીફ પિચ ક્યુરેટર લી ફોર્ટિસ વચ્ચે જોરદાર તકરાર થઈ હતી જેમાં ફોર્ટિસે ભારતીય ટીમના કોચિંગ સ્ટાફને પિચથી અઢી મીટર દૂર ઊભા રહેવા કહ્યું હતું તેમ જ પિચ પર વધુ પડતા ભારતીય ખેલાડીઓ પણ આવી પડ્યા છે એવું કહીને વાંધો ઉઠાવ્યો હતો. બૅટિંગ-કોચ સિતાંશુ કોટકે (Sitanshu Kotak) આ ઘટનાની વિગતમાં જાણકારી આપી હોવાનું પીટીઆઇના અહેવાલમાં જણાવાયું હતું.

ફોર્ટિસે (Fortis) ભારતીયોને પિચથી દૂર રહેવા કહ્યું ત્યારે ગંભીરે ફોર્ટિસ સામે આંગળી બતાવીને વારંવાર કહ્યું હતું કે ` અમારે શું કરવું એ તમે અમને ન કહો. અમને કંઈ પણ કહેવાનો તમને કોઈ અધિકાર નથી. તમે માત્ર એક ગ્રાઉન્ડ્સમૅન છો.’
ગંભીરના આ નિવેદનો સાંભળીને આક્રમક સ્વભાવના ફોર્ટિસ એવું બોલતા સાંભળવા મળ્યા હતા કે ` મારે આ બાબતમાં તમારા વિશે ફરિયાદ કરવી પડશે.’
આપણ વાંચો: વર્લ્ડ ચૅમ્પિયન દિવ્યા દેશમુખે ફાઇનલ વખતે છેક સુધી ચેસ બોર્ડની બાજુમાં કેળું રાખી મૂક્યું હતું!
ટીમ ઇન્ડિયાના બૅટિંગ-કોચ સિતાંશુ કોટકે પીટીઆઇને કહ્યું, ` અમે પિચ જોવા ગયા ત્યારે કેટલાક કોચ ત્યાં હતા જ. કોઈકે અમને આવીને કહ્યું કે તમે લોકો પિચથી 2.5 મીટર દૂર ઊભા રહો. બે દિવસ પછી જ્યાં ટેસ્ટ રમાવાની હોય એ પિચ જોવા અમે આવ્યા હતા. અમે સ્પાઇક્સ નહોતા પહેર્યાં કે એની છાપ પિચ પર પડી જાય. અમે સામાન્ય શૂઝ પહેર્યાં હતા. આ રીતે ખેલાડીઓ-કોચિંગ સ્ટાફને જતા રહેવાનું કહેવામાં આવે એવું મેં તો ક્યારેય ક્યાંય જોયું નથી.’