આપ કા સમય શુરુ હોતા હૈ અબ… | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

આપ કા સમય શુરુ હોતા હૈ અબ…

ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન કહે છે, `શુભમન ગિલની ખરી કસોટી હવે શરૂ થશે'

મૅન્ચેસ્ટરઃ ભારત વતી પહેલી જ વાર ટેસ્ટમાં કૅપ્ટન્સી સંભાળી રહેલા શુભમન ગિલે (Shubhman Gill) ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન સિરીઝમાં એક ડબલ સેન્ચુરી અને બે સેન્ચુરીની મદદથી તમામ બૅટ્સમેનોમાં સૌથી વધુ 607 રન કર્યા છે અને તેના સુકાનમાં ભારતીય ટીમ (Team India) આ સિરીઝમાં એક મૅચ જીતી પણ ચૂકી છે, પરંતુ ટીમ ઇન્ડિયા શ્રેણીમાં 1-2થી પાછળ છે અને હવે બાકીની બેમાંથી એક મૅચ હારશે એટલે ટ્રોફી ગુમાવી દેશે એ સ્થિતિમાં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન ગ્રેગ ચૅપલે કહ્યું છે કે ગિલની ખરી કસોટી હવે શરૂ થઈ રહી છે.

ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી માટેની ચોથી ટેસ્ટ બુધવાર, 23મી જુલાઈએ મૅન્ચેસ્ટરમાં (બપોરે 3.30 વાગ્યાથી) શરૂ થશે. સોમવારે ભારતીય ટીમ બીજી ટેસ્ટમાં બાવીસ રનથી પરાજિત થઈ હતી.

આપણ વાંચો: કિંગ ચાર્લ્સને મળ્યા ભારતીય ક્રિકેટર્સ: શુભમન ગિલે શેર કરી ખાસ મુલાકાતની વિગતો…

ગ્રેગ ચૅપલે એક જાણીતી ક્રિકેટ વેબસાઇટ પરની કૉલમમાં લખ્યું છે કે ` ભારતની ટેસ્ટ ટીમ હવે ઇંગ્લૅન્ડ (England) સામેની સિરીઝની બાકીની બે ટેસ્ટ જીતવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે, પણ સૌની નજર પચીસ વર્ષીય કૅપ્ટન શુભમન ગિલ પર રહેશે.

આ યુવાન ખેલાડી બહુ ટૅલન્ટેડ છે અને તેનામાં નેતૃત્વ સંભાળવાની સારી કાબેલિયત પણ છે જે બતાવવાની સાથે તેણે બૅટિંગમાં પણ ખૂબ સારું પર્ફોર્મ કર્યું છે. જોકે આવનારી ક્ષણો ટેસ્ટના સુકાની તરીકેનો તેનો પથ નક્કી કરશે.’

કેવી ટીમ બનાવવી એ ગિલ નક્કી કરે

ચૅપલે ગિલ વિશે એવું પણ કહ્યું હતું કે ` ગિલે એ નક્કી કરવું પડશે કે ભારતની ટેસ્ટ ટીમ કેવા પ્રકારની હોવી જોઈએ. કૅપ્ટને માત્ર બોલીને નહીં, પણ નિર્ણયો લઈને તેમ જ પોતાના આશય વિશેના સ્પષ્ટ ચિત્ર અને ધોરણો નક્કી કરીને ટીમ માટેનો અભિગમ બતાવતો પડતો હોય છે.

બીજી રીતે કહીએ તો ફીલ્ડિંગ ચુસ્ત હોવી જરૂરી છે. ખરાબ ફીલ્ડિંગથી બાજી બગડી જતી હોય છે. જે ટીમ બેસ્ટ હોય એની ફીલ્ડિંગ ચુસ્ત હોય છે જ. તેઓ હરીફ ટીમના બૅટ્સમેનોને આસાનીથી રન નથી કરવા દેતા અને કૅચ પણ નથી છોડતા.’

આપણ વાંચો: સૂર્યવંશી વિશે શુભમન ગિલે એવું તે શું કહ્યું કે જે અજય જાડેજાને ન ગમ્યું?

મહાન કૅપ્ટન બનવા માટેની ગુરુચાવી

ટીમ નક્કી કરવા વિશે ચૅપલે ગિલ માટેની સલાહમાં કહ્યું, ` સિલેક્ટરોએ અને શુભમન ગિલે પોતાને જે ખેલાડીઓ પર સૌથી વધુ ભરોસો હોય તેમને જ ટીમમાં સમાવવા જોઈએ, સ્પષ્ટ ગેમ-પ્લાન નક્કી કરવો જોઈએ અને ટીમમાં વ્યક્તિગત રીતે કોની શું ભૂમિકા છે એ સાથીઓને જણાવી દેવું જોઈએ. દરેક ખેલાડીને એ પણ ખબર હોવી જોઈએ કે કૅપ્ટન તેની પાસેથી શું અપેક્ષા રાખે છે અને તે કયા સ્લૉટમાં ફિટ બેસે છે.

ઘણી વાર બને છે કે સિરીઝમાં સંઘર્ષ કરતી ટીમના સહિયારા પર્ફોર્મન્સ બાબતમાં ખેલાડીઓને તેમની રીતે ભૂમિકા નક્કી કરવા દેવામાં આવતા હોય છે. જોકે આ સ્તરે એવી કોઈ જ તક ન લેવી જોઈએ. કોઈ ખેલાડી ત્યારે જ મહાન કૅપ્ટન બની શકે જ્યારે તે પોતાના વિચારો અને અપ્રોચને ટીમમાં બહુ ઝડપથી અને સ્પષ્ટ રીતે વ્યક્ત કરે. મેદાન હોય કે ડ્રેસિંગ રૂમ, ખેલાડીઓને કૅપ્ટન શાંતિથી અને સ્પષ્ટ રીતે પોતાનો અભિગમ જણાવી દે એ બહુ જરૂરી છે.

આપણ વાંચો: વિરાટપ્રેમીઓ આનંદો! વાઇસ-કૅપ્ટન શુભમન ગિલે કહ્યું છે કે…

દર વખતે તે માત્ર પોતાની બૅટિંગથી સમસ્યા નહીં ઉકેલી શકે. ટીમમાં બધાને એક રાખી શકાય એ માટે ખેલાડીઓમાં આત્મવિશ્વાસ જગાવવો અને તેમના પર ભરોસો રાખવો એ પણ અગત્યનું છે. શુભમન ગિલે માત્ર બૅટ્સમૅન તરીકે જ નહીં, ટીમના લીડર તરીકે પણ પોતાની પ્રતિભા સાબિત કરવાનો આ યોગ્ય સમય છે.

તે આવું કરશે તો જ મહાન કૅપ્ટન બની શકશે. અમુક ખાસ પ્રકારના ધોરણો સેટ કરી દે, ટીમના સાથીઓ પાસેથી એનો અમલ કરાવ, તારી પસંદગીની ટીમ માગ અને એને પૂરો સપોર્ટ કર.

આખરે, હીરો અને સુપર હીરો એ જ ક્રિકેટની ઓળખ નથી. ભાગીદારીઓ કેવી થાય છે, કેવી ટીમ ડેવલપ થાય છે અને કૅપ્ટનો પોતાના સાથીઓમાં રહેલી ટૅલન્ટ અને કાબેલિયતને કેવી રીતે બહાર લાવે છે એ જ ખરી ક્રિકેટ છે. જો ગિલ પોતાના સ્પષ્ટ વિચારો અને ચોક્કસ આશય સાથે ટીમનું નેતૃત્વ કરશે તો તે માત્ર સિરીઝને જ નહીં, પણ સમગ્ર ભારતીય ક્રિકેટના ભાવિને ઓપ આપશે.’

બૅટ્સમેનો અને બોલર્સ માટે કેવો અભિગમ

ગ્રેગ ચૅપલે વેબસાઇટને કહ્યું, ` કૅપ્ટને ટીમના બૅટ્સમેનોને સકારાત્મક વલણ રાખીને રમવાનું તેમ જ મોટી ભાગીદારીઓ કરવા પર ધ્યાન આપવાનું કહેવું જોઈએ. બોલર્સે એ યાદ રાખવું જોઈએ કે માત્ર વિકેટો લેવાનો જ અભિગમ રાખવો એ ઠીક નથી. હરીફ ટીમ પર માનસિક દબાણ લાવવું પણ જરૂરી હોય છે. ગૂડ બૉલ, ગૂડ ઓવર અને ગૂડ સ્પેલ, આ બધુ અગત્યનું છે, પરંતુ પ્રેશર લાવવાથી હરીફ ખેલાડી ભૂલ કરી બેસતો હોય છે. આ કોઈ જાદુ નથી, આ એક પ્રકારની પદ્ધતિ છે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button