ગૂગલને પણ ચડ્યો ક્રિકેટફિવરઃ ડૂડલમાં પીચ અને વર્લ્ડ કપ
આજે ઑસેટ્રેલિયા અને ભારત સહિત ક્રિકેટના શોખિન આખા દેશની નજરમાં માત્ર ને માત્ર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર છે ત્યારે સર્ચ એન્જિન ગૂગલને પણ ક્રિકેટનો ફિવર ચડ્યો છે અને તેનું ડૂડલ આસીસી વિશ્વકપ-2023ને સમર્પિત છે. ડૂડલમાં પીચ અને વર્લ્ડ કપ ટ્રોફી બતાવવામાં આવી છે.
પાંચમી ઑક્ટોબરથી દસ દેશ વચ્ચે રમાયેલા વર્લ્ડ કપની આજે ફાઈનલ મેચ છે અને બધા મેચ જીતી ભારત ફાઈનલમાં પ્રવેશ્યું છે. 1983 અને 2011 બાદ ફરી ભારતના વર્લ્ડ કપ પોતાને નામે કરવાની શક્યતાઓ પૂરી છે.
જોકે ઓસ્ટ્રેલિયા સામે 2003માં ભારતે 125 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ જે રીતે ઓક્ટોબરમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવી સિરિઝ જીતી હતી તેમ જ આ મેચમાં ટીમ ઈન્ડિયા અલગ જ જુસ્સાથી રમી રહી છે તે જોતા દરેક ભારતવાસી ભારતના નામે વિશ્વ કપ થશે તેવી આશા સેવી રહ્યો છે. કૉંગ્રેસ એમપી રાહુલ ગાંધી સહિત ઘણા સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી છે.
આજે દેશના મોટા ભાગના શહેરો અને ગામડાઓમાં પણ રસ્તા સૂમસામ છે. એક તો રવિવાર, દિવાળીની રજાનો છેલ્લો દિવસ અને ફાઈનલ મેચને લીધે સૌ કોઈ પોતાના ઘરમાં ટીવી સામે ગોઠવાઈ ગયા છે. ઘણી સોસાયટીઓએ સાથે મેચ જોવાના આયોજનો કર્યા છે તો ઘણી જગ્યાએ પાલિકાએ મોટા સ્ક્રીન મૂકી લોકો માટે વ્યવસ્થા કરી છે. અમુક થિયેટરોમાં પણ મેચ ટેલિકાસ્ટ થઈ રહ્યો છે. અમદાવાદ સ્ટેડિયમ બહાર ગઈકાલ રાતથી જ ફેન્સે ભીડ જમાવી છે. આખું સ્ટેડિયમ હાલમાં જાણે બ્લુ રંગથી રંગાઈ ગયું છે.