સ્પોર્ટસ

સૂર્યા-ગંભીરની શુભ શરૂઆત, શ્રીલંકા 43 રનથી પરાસ્ત

રિયાન પરાગે લીધી ત્રણ વિકેટ, ત્રણેય બૅટર ક્લીન બોલ્ડ

પલ્લેકેલ: વર્લ્ડ ચૅમ્પિયન ભારતે શનિવારે સૂર્યકુમાર યાદવ (58 રન, 26 બૉલ, બે સિક્સર, આઠ ફોર)ના સુકાનમાં ટી-20માં શ્રીલંકા સામેની સિરીઝની પ્રથમ મૅચ  43 રનથી જીતીને શુભ શરૂઆત કરી હતી. કૅપ્ટન સૂર્યાની જેમ હેડ-કોચ ગૌતમ ગંભીરની પણ આ પહેલી જ મૅચ હતી. ભારતે 214 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ શ્રીલંકા 19.2 ઓવરમાં 170 રને ઑલઆઉટ થઈ ગયું હતું.ઓપનર પથુમ નિસન્કા (79 રન, 48 બૉલ, ચાર સિક્સર, સાત ફોર)નો પર્ફોર્મન્સ પાણીમાં ગયો હતો.

સૂર્યકુમારને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.બૅટિંગમાં ફ્લૉપ ગયેલા રિયાન પરાગે બોલિંગમાં કમાલ દેખાડી હતી. તેણે લેગબ્રેકની કમાલથી 1.2 ઓવરમાં માત્ર પાંચ રનના ખર્ચે ત્રણ વિકેટ લીધી હતી. 20મી ઓવરમાં તેણે બે બૉલમાં બે વિકેટ લેવાની સાથે કુલ ત્રણ વિકેટ લીધી હતી. તેણે થીકશાના અને મદુશન્કાને ક્લીન બોલ્ડ કર્યા હતા. એ પહેલાં, તેણે કુસાલ મેન્ડિસને પણ ક્લીન બોલ્ડ કર્યો હતો.

અર્શદીપ અને અક્ષરે બે-બે વિકેટ તથા રવિ બિશ્ર્નોઈએ એક વિકેટ લીધી હતી. સિરાજ-હાર્દિકને વિકેટ નહોતી મળી.

એ પહેલાં, ભારતે બૅટિંગ મળ્યા પછી સારી શરૂઆત કરી હતી. જોકે શુભમન ગિલ (34 રન, 16 બૉલ, એક સિક્સર, છ ફોર) અને યશસ્વી જયસ્વાલ (40 રન, 21 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) વચ્ચે 74 રનની ભાગીદારી બન્યા બાદ એ જ સ્કોર પર ગિલ અને યશસ્વી બન્ને આઉટ થઈ ગયા હતા. તેમની વિકેટ અનુક્રમે મદુશન્કા અને હસરંગાએ લીધી હતી.

20 ઓવરમાં ભારતે સાત વિકેટે 213 રન બનાવ્યા એમાં સૂર્યાના 58 રન ઉપરાંત શરૂઆતમાં સંઘર્ષ કરનાર રિષભ પંત (49 રન, 33 બૉલ, એક સિક્સર, છ ફોર)નું પણ મોટું યોગદાન હતું અને બન્ને વચ્ચે 76 રનની ત્રીજી વિકેટ માટે ભાગીદારી થઈ હતી. જોકે હાર્દિક (9) તથા રિયાન પરાગ (7)ને પથિરાનાએ આઉટ કર્યા બાદ રિન્કુ (1) પણ સારું રમવામાં નિષ્ફળ ગયો હતો.

છેક આઠમા નંબરે મોકલવામાં આવેલો અક્ષર પટેલ (10 રન, પાંચ બૉલ, એક સિક્સર) અણનમ રહ્યો હતો. શ્રીલંકાના બોલર્સમાંથી પથિરાનાએ ચાર તેમ જ મદુશન્કા, ફર્નાન્ડો, હસરંગાએ એક-એક વિકેટ લીધી હતી.બીજી મૅચ રવિવાર, 28મી જુલાઈએ સાંજે 7.00 વાગ્યાથી રમાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button