સ્પોર્ટસ

હૈદરાબાદની તૃષાએ પિતાને વર્લ્ડ કપની એક નહીં, બબ્બે ટ્રોફી જીતી આપી!

ક્વાલાલમ્પુરઃ ભારતે 2023 પછી 2025નો પણ ગર્લ્સ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો એ સાથે ખાસ કરીને હૈદરાબાદની ઓપનિંગ બૅટર ગૉન્ગાડી તૃષાએ પિતાને આ ટ્રોફીથી ફરી એકવાર ખુશખુશાલ કરી દીધા છે. 2023માં તૃષાએ પિતા જી. વી. રામી રેડ્ડીનું સપનું હતું કે તેની દીકરી દેશને આ ફૉર્મેટનો વિશ્વ કપ જિતાડવામાં મહત્ત્વનું યોગદાન આપે. રાઈટ-હૅન્ડ બૅટર તૃષાએ ત્યારે એ સપનું તો પૂરું કર્યું જ હતું, આજે ફરી એકવાર આ પ્રતિષ્ઠિત ટ્રોફી અપાવીને બીજી વાર તેમનું સપનું સાકાર કર્યું છે.

Also read : સચિનને મળશે બીસીસીઆઇનો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર, 24 વર્ષની કરીઅરમાં ધૂમ મચાવી હતી…

Also read : યુવરાજ પાછો આવી રહ્યો છે સિક્સરનો વરસાદ વરસાવવા, આ ટીમમાં થઈ ગયું સિલેક્શન

તૃષા 2023ના વર્લ્ડ કપ વખતે 17 વર્ષની પણ નહોતી થઈ. ભારત એ વર્લ્ડ કપ શેફાલી વર્માના સુકાનમાં જીત્યું હતું. એ ટૂર્નામેન્ટમાં તૃષાએ સાત મૅચમાં ફક્ત 116 રન બનાવ્યા હતા જેમાં તેની એક હાફ સેન્ચુરી હતી. ભારતે ત્યારે ફાઇનલમાં ઇંગ્લૅન્ડને 36 બૉલ બાકી રાખીને સાત વિકેટે હરાવીને એ ફૉર્મેટનો સૌપ્રથમ વર્લ્ડ કપ જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો.
આ વખતે ભારતે સાઉથ આફ્રિકાને બાવન બૉલ બાકી રાખીને નવ વિકેટે આસાન વિજય મેળવીને લાગલગાટ બીજી ટ્રોફી જીતીને ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે.

ગૉન્ગાડી તૃષાએ આ વખતના વર્લ્ડ કપ માટે ઉંમરને લગતી જે કટ-ઑફ ડેટ હતી ત્યારે 19 વર્ષ પૂરા નહોતા કર્યા અને તેને સતત બીજો વર્લ્ડ કપ રમવાનો મોકો મળી ગયો. તે આ વખતે જબરદસ્ત ફૉર્મમાં હતી. છોકરીઓના અન્ડર-19 વર્લ્ડ કપમાં સેન્ચુરી એકમાત્ર તૃષાની છે જેણે 28મી જાન્યુઆરીએ ક્વાલાલમ્પુરમાં સ્કૉટલૅન્ડ સામે નોંધાવી હતી.

તૃષાએ આ વખતના વર્લ્ડ કપની તમામ બૅટર્સમાં સૌથી વધુ 309 રન બનાવવા ઉપરાંત પ્લેયર ઑફ ફાઇનલનો અને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો અવૉર્ડ પણ જીતી છે.

ટૂંકમાં, તેણે પિતાને બે વર્લ્ડ કપ ટ્રોફી ઉપરાંત સ્પર્ધાના આ બે પુરસ્કાર પણ સમર્પિત કર્યા છે. તૃષા લેગ-સ્પિનર પણ છે. આજે તેણે ફાઇનલમાં પહેલાં 15 રનમાં ત્રણ વિકેટ લીધી અને પછી 33 બૉલમાં આઠ ચોક્કાની મદદથી અણનમ 44 રન બનાવ્યા હતા.

Also read : ફિગર સ્કેટિંગના ચૅમ્પિયનોની જેમ ભૂતકાળમાં અનેક ઍથ્લીટો-ખેલાડીઓના વિમાન અકસ્માતમાં મૃત્યુ થયા હતા

બૅટિંગ-ઑલરાઉન્ડર તૃષા બે વર્ષની હતી ત્યારે તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. જી. વી. રામી રેડ્ડીનું તે એકમાત્ર સંતાન છે. તૃષાએ સાત વર્ષની ઉંમરે તેલંગણા રાજ્યની ડિસ્ટ્રિક્ટ સિનિયર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પછીથી અન્ડર-19 ટીમ વતી પણ રમી હતી. મહાન મહિલા ક્રિકેટર મિતાલી રાજે હૈદરાબાદની સેન્ટ જૉન્સ ક્રિકેટ ઍકેડેમીમાં તાલીમ લીધી હતી અને તૃષા પણ એ જ ઍકેડેમીમાં ટ્રેઇનિંગ લઈને વિશ્વ ચૅમ્પિયન બનવાના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button