પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ગેરહાજરી અંગે Golden Boyએ કરી સ્પષ્ટતા
મુંબઈ: જેવેલીન થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર એથલીટ નીરજ ચોપરાને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણ નહીં આપવા બાબતે પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. આ વાતને લઈને નીરજ ચોપરાએ હવે ખુલાસો કર્યો છે. 22 જાન્યુઆરી 2024માં આયોજિત ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં અનેક નેતાઓ, અભિનેતાઓ અને ખેલાડીઓને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોલ્ડન બોય તરીકે ઓળખાતા નીરજ ચોપરા ન આવતા તેના લોકોએ પ્રશ્નો ઊભા કર્યા હતા. હવે નીરજ ચોપરાએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા હાજર ન રહેવાનું કારણ જણાવ્યું હતું.
નીરજ ચોપરાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. નીરજ ચોપરાએ કહ્યું હતું કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ હતી. રામ મંદિરને નિર્માણ કરવા માટે અનેક સમયથી લોકો મહેનત કરી રહ્યા હતા તેમ જ મંદિરથી લોકોની શ્રદ્ધા પણ જોડાયેલી છે.
નીરજે આગળ કહ્યું હતું કે હું મારા મિત્રો અને પરિવાર સાથે સ્વિટ્ઝરલૅન્ડમાં છું. મને ડૉક્ટર પાસે પણ ચેક-અપ માટે જવાનું છે. જો હું ભારતમાં હોત તો હું શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ચોક્કસ ગયો હોત, પણ હું જ્યારે પણ ભારત પાછો આવીશ ત્યારે હું મારા પરિવાર સાથે મંદિરમાં જઈને રામના દર્શન કરીશ.