સ્પોર્ટસ

ગોલ્ડ કોસ્ટમાં ` સોનું’ ભારતના હાથમાં આવ્યું

ટીમ ઇન્ડિયા 48 રનથી વિજય મેળવીને સિરીઝમાં 2-1થી આગળ, અક્ષરે ટ્રોફી ગુમાવતાં બચાવ્યા

ગોલ્ડ કોસ્ટઃ ભારતે અહીં ગુરુવારે 20,470 પ્રેક્ષકોની હાજરીમાં સિરીઝની ચોથી ટી-20માં ઑસ્ટ્રેલિયાને જીતવા 168 રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો અને પછી એને માત્ર 119 રનમાં ઑલઆઉટ કરીને 48 રનના માર્જિનથી હરાવ્યું એ વિજયમાં ટીમ ઇન્ડિયાના ઘણા ખેલાડીઓના કોઈને કોઈ રીતે મહત્ત્વના યોગદાન હતા, પરંતુ આ અત્યંત જરૂરી જીત ખાસ કરીને મૅન ઑફ ધ મૅચ અક્ષર પટેલ (Axar patel)ના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સને લીધે મળી હતી. ભારત પાંચ મૅચની શ્રેણીમાં 2-1થી આગળ છે. ભારત હવે સિરીઝ હારી નહીં શકે. અંતિમ મૅચ શનિવારે બ્રિસ્બેનમાં રમાશે.

ભારતે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટે 167 રન કર્યા હતા જેમાં અક્ષરનું અણનમ 21 રનનું યોગદાન હતું. તેણે 11 બૉલની ટૂંકી ઇનિંગ્સમાં એક સિક્સર અને એક ફોર ફટકારી હતી. તેણે ટીમની ઇનિંગ્સની અંતિમ ઓવર્સમાં વૉશિંગ્ટન સુંદર સાથે 16 રનની, અર્શદીપ સિંહ સાથે 12 રનની અને વરુણ ચક્રવર્તી સાથે ત્રણ રનની અતૂટ ભાગીદારી કરી હતી. ભારત (India)ને 167 રનનું ટોટલ અપાવવામાં અક્ષરનું અગત્યનું યોગદાન હતું.

બીજા બાળકનો પિતા બન્યા પછી ઝૅમ્પાનું કમબૅક

એક તબક્કે ભારતનો સ્કોર 14 ઓવરમાં 2/121 હતો. સ્પિનર ઍડમ ઝૅમ્પા (45 રનમાં ત્રણ વિકેટ)એ અપાવેલા બે્રકથ્રુને કારણે કુલ સ્કોર 167 રન સુધી જ પહોંચી શક્યો હતો. ઝૅમ્પા બીજા બાળકનો પિતા બન્યા પછી ફરી રમવા આવ્યો છે. તેના ઉપરાંત પેસ બોલર નૅથન ઇંગ્લિસ (21 રનમાં ત્રણ વિકેટ)એ ભારતીય બૅટ્સમેનોને કાબૂમાં રાખ્યા હતા.

વાઇસ-કૅપ્ટન શુભમન ગિલ (46 રન)ની વિકેટ પેસ બોલર નૅથન એલિસે અને અભિષેક શર્મા (28 રન)ની વિકેટ સ્પિનર ઍડમ ઝૅમ્પાએ લીધી હતી. વનડાઉનમાં રમનાર શિવમ દુબેએ માત્ર બાવીસ રનનું અને કૅપ્ટન સૂર્યકુમારે 20 રનનું યોગદાન આપ્યું હતું. જૉશ હૅઝલવૂડ ઉપરાંત ટ્રૅવિસની ગેરહાજરીમાં ભારતને આ મૅચ જીતીને 2-1થી સરસાઈ લેવાનો મોકો હતો અને ભારતે એ તક ઝડપીને જીત મેળવી લીધી.

ઑસ્ટ્રેલિયાએ 28 રનમાં ગુમાવી સાત વિકેટ

જોકે પછીથી ઑસ્ટ્રેલિયાએ જોરદાર ધબડકો જોયો હતો. પહેલા 91 રનમાં તેમની માત્ર ત્રણ વિકેટ હતી, પણ 28 રનમાં તેમણે સાત વિકેટ ગુમાવી હતી.

અક્ષરે ઑસ્ટ્રેલિયાની પહેલી બે વિકેટ અપાવી હતી જેમાં ઓપનર મૅથ્યૂ શૉર્ટ (પચીસ રન) તથા વિકેટકીપર જૉશ ઇંગ્લિસ (12 રન)નો સમાવેશ હતો. એ બે આંચકા બાદ ઑસ્ટ્રેલિયાની ટીમ ક્યારેય પાછી બેઠી નહોતી થઈ અને છેવટે 119 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. અક્ષરે જે ચાર ઓવર બોલિંગ કરી હતી એમાં 12 ડૉટ-બૉલ હતા અને 20 રનના ખર્ચે તેણે બે મહત્ત્વની વિકેટ મેળવી હતી.

હૅઝલવૂડ પછી હવે ટ્રૅવિસ હેડ પણ ટીમની બહાર, ભારતને ગુરુવારે જીતવાનો મોકો…

મૅક્સવેલ કમબૅકમાં ફ્લૉપ

વૉશિંગ્ટન સુંદરે સૌથી વધુ ત્રણ વિકેટ તેમ જ શિવમ દુબેએ બે વિકેટ અને અર્શદીપ, બુમરાહ, વરુણે એક-એક વિકેટ મેળવી હતી. વરુણે ખાસ કરીને કમબૅકમૅન ગ્લેન મૅક્સવેલની વિકેટ લીધી હતી. મૅક્સવેલ કાંડાના ફ્રૅક્ચર બાદ સાજો થઈને ફરી રમવા આવ્યો છે, પણ ફક્ત બે રનના પોતાના સ્કોર પર વરુણના ગૂગલીમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.

શિવમ દુબેની બન્ને વિકેટ પણ મહત્ત્વની

ઓપનર મિચલ માર્શ (30 રન) અને ટિમ ડેવિડ (14 રન)ની મહત્ત્વપૂર્ણ વિકેટ પેસ બોલિંગ ઑલરાઉન્ડર શિવમ દુબેએ લીધી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button