અર્જુન તેન્ડુલકરે એક રન કર્યા પછી લીધી એક વિકેટ, ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લીધી સાત વિકેટ

પોર્વોરિમઃ ગોવાએ રણજી ટ્રોફી (Ranji trophy)ની નવી સીઝનની પ્રથમ મૅચમાં ગુરુવારે બીજા દિવસે પ્રથમ દાવમાં 566 રન કર્યા હતા જેના જવાબમાં ચંડીગઢની ટીમ 34 રનમાં એક વિકેટ ગુમાવી બેઠી હતી.
ગોવા વતી અભિનવ તેજરાણા (205) અને લલિત યાદવે (213) ડબલ સેન્ચુરી કરી હતી. સચિન તેન્ડુલકરનો પુત્ર અર્જુન તેન્ડુલકર (Arjun Tendulkar) ગોવા વતી રમે છે અને તે ફક્ત એક રન કરી શક્યો હતો. જોકે પછીથી ચંડીગઢની જે એકમાત્ર વિકેટ પડી એ અર્જુને લીધી હતી. તેણે ઓપનર શિવમ ભાંબરીને આઉટ કર્યો હતો.
આ પણ વાંચો: રણજી ટ્રોફીના મુકાબલા શરૂ…
રાજકોટમાં કર્ણાટકનો પ્રથમ દાવ 372 રને પૂરો થયો હતો જેમાં પડિક્કલના 96 રન હાઇએસ્ટ હતા. સૌરાષ્ટ્રના સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 124 રનમાં સાત વિકેટ લીધી હતી. પછીથી સૌરાષ્ટ્રએ ચિરાગ જાનીના 90 રનની મદદથી ચાર વિકેટે 200 રન કર્યા હતા.
અન્ય મૅચોમાં શું બન્યું?:
(1) શ્રીનગરમાં મુંબઈના 386 રનના જવાબમાં જમ્મુ/કાશ્મીરે કૅપ્ટન પારસ ડોગરાના 112 નૉટઆઉટની મદદથી સાત વિકેટે 273 રન કર્યા હતા.
(2) અમદાવાદમાં આસામના 310 રનના જવાબમાં ગુજરાતે અભિષેક દેસાઈના 80 નૉટઆઉટ અને આર્ય દેસાઈના 79 નૉટઆઉટની મદદથી વિના વિકેટે 166 રન કર્યા હતા.
(3) કટકમાં ઓડિશાના 271 રનના જવાબમાં બરોડાએ બે વિકેટે 127 રન કર્યા હતા.
(4) કોઇમ્બતુરમાં ઝારખંડે કૅપ્ટન ઇશાન કિશનના 173 રનની મદદથી 419 રન કર્યા ત્યાર બાદ તમિળનાડુએ માત્ર 18 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.