હેટમાયરે ઓવરમાં પાંચ સિક્સર ફટકારી, પણ રિન્કુનું પુનરાવર્તન ન કરી શક્યો…

પ્રૉવિડન્સ (ગયાના): વેસ્ટ ઇન્ડિઝના હાર્ડ-હિટર શિમરૉન હેટમાયરે (6, 6, 6, 6, 2, 6) બુધવારે ગ્લોબલ સુપર લીગ (GSL)માં જબરદસ્ત ફટકાબાજી કરીને હૉબાર્ટ હરિકેન્સ સામે ગયાના ઍમેઝોન વૉરિયર્સ ટીમને રોમાંચક વિજય અપાવ્યો હતો. હૉબાર્ટની ટીમે 125 રન કર્યા બાદ ગયાના (Guyana)ની ટીમે 16.3 ઓવરમાં (21 બૉલ બાકી રાખીને) છ વિકેટના ભોગે 128 રન કરીને વિજય મેળવ્યો હતો. જોકે હેટમાયર (Hetmyer) ભારતીય પિંચ-હિટર રિન્કુ સિંહનું પુનરાવર્તન કરવામાં જરાક માટે નિષ્ફળ રહ્યો હતો.
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ સ્પિનર 46 વર્ષીય ઇમરાન તાહિરના સુકાનમાં ગયાનાની ટીમને જીતવા 126 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો. 42 રનમાં ગયાનાની ત્રણ વિકેટ પડી ચૂકી હતી અને એ તબક્કે હેટમાયર (39 રન, 10 બૉલ, છ સિક્સર) અને ઇંગ્લૅન્ડના મોઇન અલી (30 અણનમ, 36 બૉલ, બે સિક્સર, બે ફોર) વચ્ચેની ચોથી વિકેટ માટેની 40 રનની ભાગીદારી ટર્નિંગ પૉઇન્ટ બની હતી.
હૉબાર્ટ (Hobart)ના કૅપ્ટન ઑસ્ટ્રેલિયાના બેન મૅક્ડરમૉટ (ભૂતપૂર્વ ક્રિકેટર ક્રેગ મૅક્ડરમૉટનો પુત્ર)એ ગયાનાની ઇનિંગ્સમાં 10મી ઓવર વેસ્ટ ઇન્ડિઝના જ (જમૈકાના) લેફ્ટ-આર્મ સ્પિનર ફેબિયન ઍલનને આપી હતી જેમાં હેટમાયરે કાળો કેર વર્તાવ્યો હતો. હેટમાયરે પહેલા ચારેય બૉલમાં છગ્ગો ફટકાર્યા બાદ પાંચમા બૉલમાં બે રન લીધા હતા અને પછી અંતિમ બૉલમાં છગ્ગો મારી દીધો હતો. એ ઓવરમાં 32 રન થયા હતા અને ગયાનાની ટીમ વિજયની વધુ નજીક પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે 2023ની આઇપીએલમાં નવમી એપ્રિલે અમદાવાદમાં કોલકાતા નાઇટ રાઇડર્સના રિન્કુ સિંહે ગુજરાત ટાઇટન્સના પેસ બોલર યશ દયાલ (જેના પર હાલમાં જાતીય સતામણીનો કેસ ચાલી રહ્યો છે)ની 20મી ઓવરના અંતિમ પાંચ બૉલમાં પાંચ સિક્સર ફટકારીને કોલકાતાને યાદગાર જીત અપાવી હતી. બુધવારે હેટમાયરે ચાર બૉલમાં ચાર સિક્સર ફટકારી, પરંતુ પાંચમા બૉલમાં બે રન કરી શક્યો હતો. તેણે ઓવરના અંતિમ બૉલમાં છગ્ગો ફટકારીને ગયાનાનો સ્કોર 3/43 પરથી 3/75 ઉપર પહોંચાડી દીધો હતો.
હેટમાયરે ત્યાર પછી પાકિસ્તાની સ્પિનર ઉસામા મિરની ઓવરના ત્રીજા બૉલમાં ફરી છગ્ગો ફટકાર્યો હતો. જોકે ત્યાર પછીના જ બૉલમાં હેટમાયર કૅચઆઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ ગુડાકેશ મૉટી (19 રન) અને બીજા બૅટ્સમેનોએ ગયાનાની ટીમને વિજયના દ્વાર સુધી પહોંચાડી દીધી હતી.
આ પણ વાંચો…કુલદીપે રિન્કુને ખરેખર બે તમાચા લગાવ્યાં? કેકેઆરે આ ખુલાસો બહાર પાડ્યો છે…