ગર્લ્સ અન્ડર-19 વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાનો વિજયી આરંભ, ભારતની મૅચ પર સૌની નજર…

બાન્ગીઃ મલયેશિયામાં શરૂ થયેલા વિમેન્સ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપમાં આજે પ્રથમ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ સ્કૉટલૅન્ડને 48 રનમાં ઑલઆઉટ કરીને 6.4 ઓવરમાં એક વિકેટના ભોગે 49 રન બનાવીને વિજયી શરૂઆત કરી હતી.

હવે રવિવાર, 19મી જાન્યુઆરીએ (ભારતીય સમય મુજબ બપોરે 12.00 વાગ્યાથી) ભારતનો વેસ્ટ ઇન્ડિઝ સામે મુકાબલો થશે અને ખાસ કરીને ભારતીય ટીમ પર સૌની નજર રહેશે, કારણકે 2023ના આ ફૉર્મેટના પ્રથમ વર્લ્ડ કપમાં શેફાલી વર્માના સુકાનમાં ભારત ચૅમ્પિયન બન્યું હતું અને આ વખતે પણ ભારત વિજેતાપદ માટે ફેવરિટ છે.
નિક્કી પ્રસાદ ભારતની કૅપ્ટન છે. સનિકા ચાળકે વાઇસ-કૅપ્ટન છે.
આજની મૅચમાં સ્કૉટલૅન્ડની ટીમમાંથી માત્ર બે બૅટર (એમ્મા વાલ્સિંગહમ, શાર્લોટ નેવાડ) ડબલ ડિજિટમાં રન બનાવી શકી હતી.
ત્રણ બૅટરના ઝીરો હતા અને પાંચ બૅટર સિંગલ ડિજિટમાં રન બનાવી શકી હતી.
ઑસ્ટ્રેલિયા વતી એલનૉર લારૉસાએ તેમ જ કૉઇમ્હે બે્રએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. હસરત ગિલ નામની બોલરને બે વિકેટ મળી હતી.
ઑસ્ટ્રેલિયાએ ઓપનર કેટ પેલના અણનમ 29 રનની મદદથી 49 રનનો લક્ષ્યાંક આસાનીથી મેળવી લીધો હતો.