ગિલની રેકૉર્ડ-બ્રેક સેન્ચુરીઃ રોહિત, સચિન, બ્રેડમૅન, પંત અને બાબરથી આગળ થઈ ગયો | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ગિલની રેકૉર્ડ-બ્રેક સેન્ચુરીઃ રોહિત, સચિન, બ્રેડમૅન, પંત અને બાબરથી આગળ થઈ ગયો

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં શનિવારે બીજા દિવસે કૅપ્ટન શુભમન ગિલ (Shubhman Gill) સાથેની ગેરસમજને કારણે તેમ જ ગિલની થોડી બેદરકારીને લીધે ઓપનર યશસ્વી જયસ્વાલે 175 રનના પોતાના સ્કોર પર રનઆઉટમાં વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યાર બાદ ખુદ ગિલે ટેસ્ટ કારકિર્દીની 10મી સેન્ચુરી પૂરી કરીને ઘણા વિક્રમો (records) પોતાના નામે કરી લીધા હતા. ખાસ તો તે અલગ-અલગ પ્રકારના વિક્રમમાં રોહિત શર્મા, સચિન તેન્ડુલકર, સર ડૉન બ્રેડમૅન, રિષભ પંત અને બાબર આઝમથી આગળ થઈ ગયો હતો.

શુભમન ગિલે 129 રનના પોતાના સ્કોર પર અને ભારતના કુલ 5/518ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો. ગિલને તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝ વખતે કૅપ્ટનપદે નીમવામાં આવ્યો ત્યાર પછી તેણે ઢગલો રન કર્યા છે. તેણે દસમી સદી ફટકારીને પોતાનું નામ રેકૉર્ડ-બુકમાં લખાવી જ દીધું છે, વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)માં ભારતને અનેરું ગૌરવ પણ અપાવ્યું છે.

આ પણ વાંચો: રોહિત-વિરાટના ચાહકોને ખુશ કરી દે એવું નિવેદન શુભમન ગિલે આપ્યું!

ગિલની એક સદીએ પાંચ રેકૉર્ડ-બુકના લિસ્ટમાં કરાવ્યા ફેરફાર

(1) સપ્ટેમ્બર, 2019થી ચાલતી ડબ્લ્યૂટીસીમાં રમી ચૂકેલા ભારતીય ખેલાડીઓમાં હવે શુભમન ગિલની 10 સેન્ચુરી હાઇએસ્ટ છે. તેણે તાજેતરમાં ટેસ્ટમાંથી નિવૃત્ત થનાર રોહિત શર્માનો ડબ્લ્યૂટીસીમાં કુલ નવ સદીનો ભારતીય વિક્રમ તોડ્યો છે.

(2) એક કૅલેન્ડર યરમાં કૅપ્ટન તરીકે સૌથી વધુ સેન્ચુરી ફટકારવાના ભારતીય વિક્રમમાં શુભમન ગિલે સચિન તેન્ડુલકરને ઓળંગી લીધો છે. સચિને 1997માં સુકાની તરીકે ચાર ટેસ્ટ સેન્ચુરી ફટકારી હતી, જ્યારે ગિલની સુકાની તરીકે પાંચમી સદી થઈ છે. ગિલથી હવે માત્ર વિરાટ કોહલી આગળ છે. કોહલીએ 2017માં અને 2018માં, એમ બે કૅલેન્ડર યરમાં કૅપ્ટન તરીકે પાંચ-પાંચ સદી ફટકારી હતી. ગિલ જો 2026માં પણ ટેસ્ટનો સુકાની હશે અને એ વર્ષમાં પણ પાંચ સદી ફટકારશે તો કોહલીની બરાબરીમાં થઈ જશે.

(3) ટેસ્ટ-કૅપ્ટન તરીકે સૌથી ઓછી ઇનિંગ્સમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારવાની બાબતમાં શુભમન ગિલ હવે મહાન ઑસ્ટ્રેલિયન ક્રિકેટર સર ડૉન બ્રેડમૅનથી આગળ થઈ ગયો છેઃ (અ) ઍલસ્ટર કૂકની કૅપ્ટન તરીકે પહેલી પાંચ સેન્ચુરી ફક્ત નવ ઇનિંગ્સમાં (બ) સુનીલ ગાવસકરની પહેલી પાંચ સેન્ચુરી 10 ઇનિંગ્સમાં (ક) શુભમન ગિલની પહેલી પાંચ સેન્ચુરી 12 ઇનિંગ્સમાં (ડ) ડૉન બ્રેડમૅનની પહેલી પાંચ સેન્ચુરી 13 ઇનિંગ્સમાં.

(4) ડબ્લ્યૂટીસીની શરૂઆત 2019માં થઈ હતી. ત્યારથી અત્યાર સુધીના છ વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ-રન ઇંગ્લૅન્ડના જૉ રૂટ (6,080)ના નામે છે. ભારતીયોમાં શનિવાર પહેલાં રિષભ પંત (2,731 રન) નંબર વન હતો, પણ હવે ગિલ તેનાથી આગળ થઈ ગયો છે. ગિલે ડબ્લ્યૂટીસીમાં 2,826 રન કર્યા છે.

(5) ડબ્લ્યૂટીસીમાં કૅપ્ટન તરીકે સૌથી વધુ સેન્ચુરીનો વર્લ્ડ રેકૉર્ડ અત્યાર સુધી પાકિસ્તાનના બાબર આઝમના નામે હતો. તેણે ડબ્લ્યૂટીસીમાં સુકાની તરીકે ચાર સેન્ચુરી ફટકારી હતી. જોકે શુભમન ગિલની સુકાની તરીકે પાંચ સદી થઈ છે જે નવો વિશ્વ વિક્રમ છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button