સ્પોર્ટસ

ગિલની ઈજા, બવુમા-બૉશ્ચની ભાગીદારી, ટી-20 સ્ટાઇલમાં બૅટિંગઃ પરિણામ ભારતનો પરાજય

ટીમ ઇન્ડિયાની હારના પાંચ કારણઃ બૅટ્સમેનોએ ધૈર્ય ગુમાવ્યું અને શરણાગતિ સ્વીકારી

કોલકાતાઃ ભારત (India) સામે સાઉથ આફ્રિકા 15 વર્ષે ટેસ્ટ મૅચ જીતી શક્યું એ સાથે ટેમ્બા બવુમાની ટીમે બે મૅચની સિરીઝમાં 1-0થી અપરાજિત સરસાઈ મેળવી લીધી અને ભારત કેમ એના મુખ્યત્વે કેટલાક કારણ ચર્ચામાં છે. ખાસ કરીને ભારતના બૅટસમેનો બન્ને દાવમાં ધૈર્ય ગુમાવીને રમ્યા જેમાં સસ્તામાં વિકેટ ગુમાવી બેઠા અને રવિવારે તો તેમણે સાઉથ આફ્રિકન બોલર્સ સામે શરણાગતિ જ સ્વીકારી લીધી હતી.

કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ (Eden Gardens) પર ભારતની ટીમ 124 રનનો નાનો લક્ષ્યાંક પણ ન મેળવી શકી અને ફક્ત 93 રનમાં ઑલઆઉટ થઈ ગઈ. ટેમ્બા બવુમાની વર્લ્ડ ચૅમ્પિયન ટીમે 30 રનથી રોમાંચક વિજય મેળવ્યો અને ઘરઆંગણે યોજાયેલી સિરીઝમાં પહેલી જ મૅચમાં ભારતે હાર જોવી પડી.

પરાજયના કારણો પર એક નજર…

(1) ભારતીય બૅટ્સમેનોએ શર્મનાક પ્રદર્શન કર્યું. બન્ને ઇનિંગ્સમાં ભારતના બૅટ્સમેનો ફ્લૉપ રહ્યા. પહેલા દાવમાં મહા મહેનતે 189 રન કર્યા અને બીજા દાવમાં 100 રન પણ ન થઈ શક્યા. બન્ને દાવમાં ભારત વતી એક પણ હાફ સેન્ચુરી ન થઈ શકી. કૅપ્ટન શુભમન ગિલ પ્રથમ દાવમાં પોતાના ચોથા રન પર ગરદનના દુખાવાને કારણે મૅચની બહાર થઈ ગયો હતો. તેની ઈજા એટલી બધી ગંભીર હતી કે રવિવારે તે જરૂર પડવા છતાં બૅટિંગમાં નહોતો આવી શક્યો. તેની ગેરહાજરી ટીમને ખૂબ વર્તાઈ હતી.

(2) સાઉથ આફ્રિકાના બીજા દાવમાં 91 રન પર યેનસેનની સાતમી વિકેટ પડ્યા બાદ ભારતને બહુ સારો મોકો હતો, પરંતુ બવુમા અને કૉર્બિન બૉશ્ચ વચ્ચે 13 ઓવર સુધીની 44 રનની લાંબી ભાગીદારી થઈ જેને લીધે પછીથી પ્રવાસી ટીમ 150 રનનો આંકડો પાર કરી શકી હતી અને ભારતને 100-પ્લસનો લક્ષ્યાંક આપી શકી હતી.

(3) ભારતીય બૅટ્સમેનોના દિમાગ પર ટી-20ની ફટકાબાજીનો જાદુ છવાઈ ગયો અને એની અસર આ મૅચમાં જોવા મળી. પિચ આવા અભિગમ સાથે રમવા માટેની હતી જ નહીં, છતાં દરેક ભારતીય બૅટ્સમૅન જાણે અટૅકિંગ અપ્રોચનો વિચાર કરીને મેદાન પર આવ્યો હતો. હા, આક્રમક અભિગમ રવિવારે બીજા દાવની શરૂઆતથી હોવો જોઈતો હતો ત્યારે યશસ્વીથી શરૂ કરીને મોટા ભાગના બૅટ્સમેનો ડિફેન્સિવ રમવા ગયા એમાં વિકેટ ગુમાવી બેઠા હતા. ધ્રુવ જુરેલે વિચાર્યા વિના આક્રમક રમવા જતાં વિકેટ ફેંકી દીધી હતી. અક્ષર પટેલે છેલ્લે છેલ્લે આક્રમક વલણ અપનાવ્યું, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું, કારણકે એવા જોખમી શૉટ રમવા માટે પાછળથી વિકેટો હોવી જરૂરી હતી જે નહોતી.

(4) ભારતની પિચો સ્પિન બોલર્સને વધુ સફળતા અપાવવા માટે જાણીતી છે, પણ એમાંની એક (ઈડનની) પિચ પર આપણા જ બૅટ્સમેનો સાઉથ આફ્રિકાના સ્પિનર્સ (સાઇમન હાર્મર, કેશવ મહારાજ, એઇડન માર્કરમ) સામે નત મસ્તક થઈ ગયા.
(5) ઓપનિંગ સારું થાય તો પછીથી ઇનિંગ્સ સારી રીતે ડેવલપ થઈ શકે, પણ યશસ્વી જયસ્વાલ (12 રન અને શૂન્ય)નો ફ્લૉપ-શૉ બન્ને દાવમાં રહ્યો. પરાજયનું આ સૌથી મોટું કારણ કહી શકાય. ગિલની ગેરહાજરીમાં સુકાન સંભાળતા કાર્યવાહક કૅપ્ટન રિષભ પંતે પહેલા દાવમાં ટૂંકી આક્રમક ઇનિંગ્સમાં 27 રન કર્યા બાદ રવિવારે બીજા દાવમાં શરૂઆતથી અટૅકિંગ મૂડમાં હતો અને ફક્ત બે રનના પોતાના સ્કોર પર સ્પિનર હાર્મરને વળતો કૅચ આપી બેઠો હતો. પંતમાં ધૈર્યનો અભાવ હતો.

આપણ વાંચો:  સિરાજે એવો બોલ ફેંક્યો કે સ્ટમ્પના બે ટુકડા થઇ ગયા! જુઓ વિડીયો

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button