
મૅન્ચેસ્ટરઃ અહીં ઑલ્ડ ટ્રેફર્ડમાં કૅપ્ટન શુભમન ગિલે (103 રન, 238 બૉલ, 379 મિનિટ, 12 ફોર) કરીઅરની નવમી અને ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન સિરીઝની ચોથી સદી પૂરી કરી ત્યાર બાદ થોડી જ વારમાં (લંચ-બ્રેકની થોડી જ ક્ષણો પૂર્વ) આઉટ થઈ ગયો હતો, પરંતુ શનિવારે હૅટ-ટ્રિક બૉલમાં વિકેટ ગુમાવવાથી બચીને બે મોટી ભાગીદારી કરીને મેદાન પરથી તેણે વિદાય લીધી ત્યારે તેને હજારો પ્રેક્ષકોએ સ્ટેન્ડિંગ ઑવેશન સાથે તેની ઇનિંગ્સને બિરદાવી હતી.
જોકે લંચ બાદ 92મી ઓવરને અંતે ભારતનો સ્કોર ચાર વિકેટે 234 રન હતો અને સરસાઈ ઉતારવા બીજા 73 રન કરવાના બાકી હતા એટલે મૅચને ડ્રૉમાં લઈ જવી ભારત માટે ખૂબ કઠિન કામ તો હતું જ.

આપણ વાંચો: કોહલી, દ્રવિડ, ગાંગુલી ન કરી શક્યા એ કામ શુભમન ગિલે કરી દેખાડ્યું!
બ્રિટિશરો સામેની ચોથી ટેસ્ટમાં રવિવારના અંતિમ દિવસે ગિલ (Shubhman Gill) લંચ પહેલાં જોફ્રા આર્ચરના બૉલમાં વિકેટકીપર જૅમી સ્મિથના હાથમાં કૅચઆઉટ થયો હતો.
ગિલ અને કે. એલ. રાહુલ (230 બૉલમાં 90 રન) સાથે ત્રીજી વિકેટ માટે 421 બૉલમાં 188 રનની વિક્રમી ભાગીદારી થઈ હતી. બ્રિટિશ ટીમે ભારત (India)ની ઇનિંગ્સમાં 80 ઓવર પૂરી થતાં જ નવો બૉલ લીધો હતો અને થોડી વારમાં (88મી ઓવરમાં) ગિલની વિકેટ પડી હતી. તેની વિકેટ પડ્યા બાદ વૉશિંગ્ટન સાથે બીજો ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા જોડાયો હતો.
આપણ વાંચો: કિંગ ચાર્લ્સને મળ્યા ભારતીય ક્રિકેટર્સ: શુભમન ગિલે શેર કરી ખાસ મુલાકાતની વિગતો…
શનિવારે ક્રિસ વૉક્સની દાવની પહેલી જ ઓવરના ચોથા બૉલમાં યશસ્વી જયસ્વાલ (0) અને પાંચમા બૉલમાં સાઇ સુદર્શન (0)ની વિકેટ પડ્યા બાદ ગિલ બૅટિંગમાં આવ્યો હતો. તેણે વૉક્સને હૅટ-ટ્રિક નહોતી લેવા દીધી. એટલું જ નહીં, તેણે ફાસ્ટ બોલર્સ સામે સમજદારીથી અને હિંમતપૂર્વક રમીને તેમ જ સ્પિનર્સ સામે સારા ફૂટવર્કથી સામનો કર્યો હતો.
ગિલ અને વૉશિંગ્ટન સુંદર વચ્ચે 104 બૉલમાં 34 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. ઇંગ્લૅન્ડ (England)ના બોલર્સે રાહુલ તથા ગિલને અને પછી વૉશિંગ્ટન સુંદરને વારંવાર નિશાન બનાવવાની કોશિશ કરી હતી.
ગિલ અને રાહુલને ઈજા પહોંચી હતી અને તેમણે ફિઝિયોની મદદ લેવી પડી હતી. જોકે તેઓ હિંમત ન હાર્યા અને લડત ચાલુ રાખી હતી. ગિલે લંચ (Lunch break) પહેલાં વિકેટ ગુમાવી ત્યાર બાદ પહેલા જ બૉલમાં રવીન્દ્ર જાડેજાને જીવતદાન મળ્યું હતું.