સ્પોર્ટસ

ગુવાહાટીમાં ગિલ નહીં રમે તો કોનો ચાન્સ લાગશે?

ગુવાહાટીઃ આસામમાં ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં શનિવાર, બાવીસમી નવેમ્બરે સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી સિરીઝની બીજી અને છેલ્લી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)માં કૅપ્ટન શુભમન ગિલ (Gill) ગરદનના દુખાવાને કારણે જો નહીં રમે તો તેના સ્થાને સાઇ સુદર્શન, દેવદત્ત પડિક્કલ અથવા નીતીશ કુમાર રેડ્ડીમાંથી કોઈ એક ખેલાડીનો ચાન્સ લાગી શકે એવું આ મૅચના ત્રણ દિવસ પહેલાં અનુમાન કરવામાં આવી રહ્યું છે.

શુભમન ગિલે કોલકાતાની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં બૅટિંગ દરમ્યાન (પોતાના ચાર રનના સ્કોર પર) ગરદનમાં અસહ્ય દુખાવો થતા બૅટિંગ છોડી દીધી હતી અને પછીથી એ મૅચમાં તે રમ્યો જ નહોતો. રિષભ પંતે કૅપ્ટન્સી સંભાળી હતી અને ભારત એ મૅચ 30 રનના નજીવા તફાવતથી હારી ગયું હતું. સાઉથ આફ્રિકાની ટીમ સિરીઝમાં 1-0થી આગળ છે. હવે સાઉથ આફ્રિકા સિરીઝ હારી નહીં શકે અને ભારત શ્રેણી જીતી નહીં શકે. ભારતે ગુવાહાટીમાં જીતીને સિરીઝ 1-1થી કરવાની છે.

આપણ વાચો: શુભમન ગિલ ‘ઓવર કોન્ફિડન્સ’માં આવી ગયો! વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં આ બે નિર્ણયોની ટીકા…

નીતીશ રેડ્ડી (Nitish Reddy)ને પ્રથમ ટેસ્ટના બે દિવસ પહેલાં સ્ક્વૉડમાંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો અને તેને સાઉથ આફ્રિકા-એ સામેની મૅચમાં ઇન્ડિયા-એ વતી રમવા રાજકોટ મોકલી દેવામાં આવ્યો હતો જેનું સુકાન તિલક રાજે સંભાળ્યું હતું.

નીતીશ રેડ્ડી પેસ બોલિંગ ઑલરાઉન્ડર છે, જ્યારે સુદર્શન (SUDARSHAN) અને પડિક્કલ (Padikkal) સ્પેશ્યાલિસ્ટ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેન છે. આ ત્રણેયમાં નીતીશ રેડ્ડીનો નંબર લાગી શકે એમ છે, પરંતુ સાઇ સુદર્શનનું નામ પણ વધુ ચર્ચામાં છે, કારણકે કોલકાતાની ટેસ્ટમાં વધારાના ઑલરાઉન્ડર તરીકે અક્ષર પટેલને ટીમમાં સમાવવા નીતીશને નહોતો રમાડવામાં આવ્યો અને વૉશિંગ્ટન સુંદરને વનડાઉનમાં મોકલવામાં આવ્યો હતો જેમાં તેણે બન્ને દાવમાં અનુક્રમે 29 રન તથા 31 રન કર્યા હતા.

આપણ વાચો: શુભમન ગિલ એશિયા કપમાં રમશે? બ્લડ ટેસ્ટ કેમ કરાવી?

જોકે આખી મૅચમાં સાઉથ આફ્રિકાના ત્રણ સ્પિનર (મૅન ઑફ ધ મૅચ) સાઇમન હાર્મર, કેશવ મહારાજ તથા એઇડન માર્કરમ તેમ જ પેસ બોલર્સ માર્કો યેનસેન અને કૉર્બિન બૉશ્ચ સામે અન્ય ભારતીય બૅટ્સમેનો કરતાં સુંદરે સૌથી વધુ 174 બૉલનો સામનો કર્યો હતો.

સુદર્શન અને પડિક્કલ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેન હોવાથી તેમના બેમાંથી એકનો ગિલના સ્થાને ચાન્સ લાગી શકે. જોકે સ્પિનર હાર્મરે કોલકાતાની ટેસ્ટમાં જે આઠ વિકેટ લીધી હતી એમાંથી છ વિકેટ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેનની હતી. ખરેખર તો ગિલના સ્થાને સ્પેશ્યાલિસ્ટ રાઇટ-હૅન્ડ બૅટ્સમૅનની જરૂર છે, જ્યારે ટીમમાં એવો કોઈ છે જ નહીં.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button