સ્પોર્ટસ

શુભમન ગિલે સેન્ચુરી ફટકારીને રચ્યો અનોખો ઇતિહાસ, ભારતનો 356 રનનો તોતિંગ સ્કોર

અમદાવાદઃ શુભમન ગિલે (112 રન, 102 બૉલ, 3 સિક્સર, 14 ફોર) આજે અહીં અમદાવાદમાં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અનોખો વિક્રમ નોંધાવ્યો હતો. એક જ મેદાન પર ત્રણેય ફૉર્મેટમાં સેન્ચુરી ફટકારનાર તે ભારતનો પ્રથમ અને વિશ્વનો પાંચમો ખેલાડી બન્યો છે. આ અપ્રતિમ સિદ્ધિ અહીંના ઐતિહાસિક સ્ટેડિયમમાં નોંધાવનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી પણ બન્યો છે.

સિરીઝમાં 2-0ની વિજયી સરસાઈ ધરાવનાર ભારતે આજે અહીં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં બૅટિંગ મળ્યા પછી ખરાબ આરંભ બાદ ચાર સારી ઇનિંગ્સની મદદથી 50 ઓવરમાં 356 રનનો તોતિંગ સ્કોર નોંધાવીને બ્રિટિશરોને 357 રનનો મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો. ખાસ કરીને વાઇસ-કૅપ્ટન શુભમન ગિલે ભારે ગરમીમાં અમદાવાદનું સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું. તેણે 51 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા અને પછી 95 બૉલમાં 100 રન પૂરા કરીને વન-ડેની સાતમી સદી નોંધાવી હતી.

https://twitter.com/BCCI/status/1889644032705626234

ગિલે છેલ્લે 2023ની 24મી સપ્ટેમ્બરે ઇન્દોરમાં ઑસ્ટ્રેલિયા સામે કરીઅરની છઠ્ઠી સેન્ચુરી ફટકારી ત્યાર બાદ હવે છેક 16 મહિના બાદ સાતમી સદી નોંધાવી છે.

વિરાટપ્રેમીઓ આનંદો! વાઇસ-કૅપ્ટન શુભમન ગિલે કહ્યું છે કે…

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલે આ પહેલાં 2023માં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં સેન્ચુરી (128 રન) ફટકારી હતી. એ જ વર્ષમાં તેણે આ જ મેદાન પર ન્યૂ ઝીલૅન્ડ સામેની ટી-20માં પણ સેન્ચુરી (126 નોટઆઉટ) ફટકારી હતી.
એક જ મેદાન પર ત્રણેય ફૉર્મેટમાં સદી નોંધાવવાની સિદ્ધિ આ પહેલાં જેમણે નોંધાવી હતી તેમની વિગત આ મુજબ છેઃ ફૅફ ડુ પ્લેસી (વૉન્ડરર્સ, જોહનિસબર્ગ), ડેવિડ વૉર્નર (ઍડિલેઇડ ઓવલ), બાબર આઝમ (નૅશનલ સ્ટેડિયમ, કરાચી) અને ક્વિન્ટન ડિકૉક (સુપરસ્પોર્ટ પાર્ક, સેન્ચુરિયન).

રવિવારે શ્રેણીની બીજી વન-ડેમાં રોહિત શર્મા (119 રન) ફૉર્મમાં આવ્યો હતો અને આજે વિરાટ કોહલી (બાવન રન, પંચાવન બૉલ, એક સિક્સર, સાત ફોર) માંડ થોડો ફૉર્મમાં આવ્યો ત્યાં તે સતત બીજી મૅચમાં સ્પિનર આદિલ રાશિદનો શિકાર થઈ ગયો હતો. ગિલ-વિરાટ વચ્ચે બીજી વિકેટ માટે 107 બૉલમાં 116 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ ગિલ અને ઇન્ફૉર્મ બૅટર શ્રેયસ ઐયર (78 રન, 64 બૉલ, બે સિક્સર, આઠ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 93 બૉલમાં 104 રનની ભાગીદારી થઈ હતી. ગિલ, વિરાટ અને શ્રેયસ ઉપરાંત વિકેટકીપર કે. એલ. રાહુલ (40 રન, 29 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) પણ સારું રમ્યો હતો. જોકે હાર્દિક પંડ્યા (17 રન, નવ બૉલ, બે સિક્સર) બે છગ્ગા ફટકાર્યા પછી વિકેટ ગુમાવી બેઠો હતો. અક્ષર પટેલ (13 રન, 12 બૉલ, બે ફોર), વૉશિંગ્ટન સુંદર (14 રન, 14 બૉલ, એક ફોર) તથા હર્ષિત રાણા (13 રન, 10 બૉલ, એક સિક્સર, એક ફોર)એ પણ નાના યોગદાનો સાથે ભારતના સ્કોરને આગળ વધારતા રહીને બ્રિટિશ ટીમની ચિંતા વધારી દીધી હતી.

શુભમન ગિલનો બૅટિંગ ઍવરેજમાં વર્લ્ડ રેકોર્ડ: વિરાટ, બેવન, ડિવિલિયર્સને પણ ઝાંખા પાડી દીધા

ઇંગ્લૅન્ડના બોલર્સમાં સ્પિનર આદિલ રાશિદ (64 રનમાં ચાર) સૌથી સફળ બોલર હતો. પહેલી પાંચમાંથી ચાર વિકેટ તેણે લીધી હતી. રોહિત શર્મા (1 રન)ને પોતાની ઓવરના પહેલા જ બૉલમાં આઉટ કરી દીધો હતો. ઑફ સ્ટમ્પ તરફના આ સુંદર બૉલમાં રોહિત શૉટ મારવા મજબૂર થયો હતો અને વિકેટકીપર ફિલ સૉલ્ટને કૅચ આપી બેઠો હતો. સૉલ્ટે જમણી તરફ ડાઇવ મારીને કૅચ ઝીલ્યો હતો. સાકિબ મહમૂદ, જૉ રૂટ અને ગસ ઍટક્નિસનને પણ એક-એક વિકેટ મળી હતી. જોકે તમામ બોલર્સમાં પેસ બોલર ઍટક્નિસન (74 રનમાં એક વિકેટ) સૌથી ખર્ચાળ સાબિત થયો હતો.

ભારતે આજે પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ ફેરફાર કર્યા હતા. રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો હતો, જ્યારે વરુણ ચક્રવર્તી પગની ઈજાને કારણે નહોતો રમી શક્યો. પ્લેઇંગ ઇલેવનમાં કુલદીપ યાદવ, વૉશિંગ્ટન સુંદર અને અર્શદીપ સિંહને સમાવવામાં આવ્યા હતા. અર્શદીપ ઑગસ્ટ, 2024 પછી પહેલી વાર વન-ડે રમી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button