કિવિઓ સામે હાર્યા પછી ગિલક્રિસ્ટે ટીમ ઈન્ડિયા માટે કહ્યું કે ટીમ સરળતાથી હારશે નહીં…

સિડનીઃ ટેસ્ટ સિરીઝમાં ન્યૂ ઝીલેન્ડ સામે ભારતીય ટીમના ધબડકા પછી એક પછી એક દિગ્ગજ ખેલાડીઓ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયાના જાણીતા ક્રિકેટરે ભારતીય ટીમ અને કેપ્ટન અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીઓ એડમ ગિલક્રિસ્ટ અને ડેવિડ વોર્નરનું માનવું છે કે ન્યૂ ઝીલેન્ડ સામે ઘરઆંગણે કારમી હારથી ભારતીય ખેલાડીઓની માનસિકતાને ઠેસ પહોંચી હશે, પરંતુ તેઓએ કહ્યું હતું કે 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થઈ રહેલી પાંચ ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિત શર્માની ટીમ સરળતાથી હાર માની લેશે એમ માનવું મૂર્ખતાપૂર્ણ હશે.
આ પણ વાંચો: ભારતની શરમજનક હાર પર શું બોલ્યા પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો?
ટોમ લાથમની કેપ્ટનશીપ હેઠળની ન્યૂ ઝીલેન્ડે તેના ટેસ્ટ ઇતિહાસમાં સૌથી કારમી હારમાં ભારતને 3-0થી હરાવ્યું હતું અને આગામી વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાય થવાની ટીમની આશાઓને પણ ઝટકો લાગ્યો હતો.
ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન ગિલક્રિસ્ટે કહ્યું હતું કે ન્યૂ ઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝ હારની અસર ભારતીય ખેલાડીઓ અને આંતરિક રીતે ભારતીય ટીમ પર વધુ પડશે.” તેઓએ પોતાને ખૂબ જ અઘરા પ્રશ્નો પૂછવા પડશે. પરંતુ હું અપેક્ષા રાખતો નથી કે તેઓ સરળતાથી પરાજિત થશે. મને યાદ નથી કે તેમની સાથે આવું ક્યારે થયું હતું. મને લાગે છે કે આ આંતરિક રીતે કેટલાક પ્રશ્નો ઊભા કરશે.
આ પણ વાંચો: ઇયાન હિલીનો ગંભીર આક્ષેપ, ‘ભારતીય ખેલાડીઓ બૉલ સાથે કંઈક તો કરી જ રહ્યા હશે’
ગિલક્રિસ્ટે કહ્યું હતું કે ભારત આ આંચકા બાદ ફરી બેઠા થવાની ક્ષમતા ધરાવે છે. તેણે કહ્યું હતું કે કેટલાક વૃદ્ધ ખેલાડીઓ (ભારતીય ટીમમાં) છે જેઓ પોતાની જાત પર થોડી શંકા કરવાનું શરૂ કરી શકે છે. ભારતીય ટીમમાં કેટલાક ટોપ ક્રિકેટરો છે. તેઓ આ પડકારને કેવી રીતે પાર કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
ભૂતપૂર્વ ઓપનર વોર્નરે કહ્યું હતું કે ન્યૂ ઝીલેન્ડ સામેની શ્રેણીની હાર ચોક્કસપણે ભારતીય ક્રિકેટરોના મનમાં ઘૂમતી રહેશે. વોર્નરે કહ્યું હતું કે આ (સીરિઝ ગુમાવવી) ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને મદદ કરશે. તેઓ ઘરઆંગણે શ્રેણી 3-0થી હારી ગયા બાદ ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ રમવા માટે અહીં આવશે, જેમાં ત્રણ વર્લ્ડ ક્લાસ ફાસ્ટ બોલર અને એક વર્લ્ડ ક્લાસ સ્પિનર છે.