સુનીલ ગાવસકર કેમ BCCI પર ગુસ્સે થયા?
રાજકોટ: સામાન્ય રીતે ક્રિકેટ ક્ષેત્રની કોઈ મોટી હસ્તીનું કે કોઈ મહાનુભાવનું નિધન થાય કે કોઈ મોટી કરુણાંતિકા બને તો ખેલાડીઓ અંજલિ આપવા હાથ પર કાળી પટ્ટી પહેરીને રમે છે. 13મી ફેબ્રુઆરીએ અવસાન પામેલા ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અને વડોદરાના રાજવી પરિવારના દત્તાજીરાવ ગાયકવાડને અંજલિ આપવા રાજકોટમાં ઇંગ્લૅન્ડ સામે રમાતી ત્રીજી ટેસ્ટ મૅચમાં ભારતીય પ્લેયરો શનિવારના ત્રીજા દિવસે હાથ પર કાળી પટ્ટી પહેરીને રમ્યા હતા. ડી. કે. ગાયકવાડ 95 વર્ષના હતા અને ભારતના સૌથી મોટી ઉંમરના ક્રિકેટર હતા.
લેજન્ડરી ક્રિકેટર સુનીલ ગાવસકર શનિવારે બીસીસીઆઇ પર અને ખાસ કરીને ભારતીય ટીમ મૅનેજમેન્ટ પર ગુસ્સે હતા. સનીનું એવું કહેવું હતું કે ગાયકવાડને અંજલિ આપવા ખેલાડીઓને કાળી પટ્ટી પહેરવા કહેવાનું કેમ છેક ત્રીજા દિવસે યાદ આવ્યું? ડી. કે. ગાયકવાડનું મંગળવારે અવસાન થયું હતું અને મૅચ ગુરુવારે શરૂ થઈ હતી.
બીસીસીઆઇએ છેક શનિવારે જાહેર કર્યું કે રોહિત અને તેના સાથીઓ હાથ પર કાળી પટ્ટી પહેરીને રમશે. ગાવસકર કૉમેન્ટરી દરમ્યાન બોલ્યા, ‘ભારતીય ખેલાડીઓને મૅચના પહેલા દિવસે (ગુરુવારે) જ કાળી પટ્ટી પહેરવાનું કહેવું જોઈતું હતું. ડી. કે. ગાયકવાડ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન હતા. ઇંગ્લૅન્ડમાં રમાયેલી સિરીઝની ચાર મૅચમાં તેમણે અને એક મૅચમાં પંકજ રૉયે સુકાન સંભાળ્યું હતું.’
મંગળવારે ડી. કે. ગાયકવાડનું નિધન થયું ત્યાર બાદ થોડી જ વારમાં બીસીસીઆઇએ મીડિયામાં તેમને અંજલિ આપતો શોકસંદેશ પોસ્ટ કર્યો હતો. બીસીસીઆઇએ ગાયકવાડના પરિવારને, મિત્રોને તેમ જ તેમના પ્રશંસકો માટે પણ શોકસંદેશ વ્યક્ત કર્યો હતો.
ડી. કે. ગાયકવાડ 1952થી 1961 દરમ્યાન 11 ટેસ્ટ રમ્યા હતા. તેમના પુત્ર અંશુમાન ગાયકવાડ ભારતના ભૂતપૂર્વ ખેલાડી છે. તેઓ 1970 અને 1980ના દાયકા દરમ્યાન કુલ 40 ટેસ્ટ રમ્યા હતા.