ગાવસકર આ બૅટરનો ખરાબ શૉટ જોઈને બોલ્યા, `સ્ટુપિડ…સ્ટુપિડ…સ્ટુપિડ…’
મેલબર્નઃ ભારતે અહીં ઑસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ-મૅચ (સવારે 4.30 વાગ્યાથી લાઇવ)માં આજે ત્રીજા દિવસે ફૉલો-ઑનથી બચવા હજી 84 રન બનાવવાના બાકી હતા ત્યારે વિકેટકીપર રિષભ પંતે જોખમ વહોરીને જે બિનજરૂરી શૉટ ફટકાર્યો અને વિકેટ ગુમાવી એ જોઈને બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકર ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને કૉમેન્ટરી-બૉક્સમાંથી તેમણે પંત પર આકરા શબ્દોમાં ગુસ્સો ઠાલવ્યો હતો.
પંતનો એ રિસ્કી શૉટ જોઈને ગાવસકર તરત જ બોલ્યા, સ્ટુપિડ...સ્ટુપિડ...સ્ટુપિડ...' પંતને વિચિત્ર રીતે શરીરનું સમતોલપણું ગુમાવીને ઑફ સ્ટમ્પની બહારના બૉલને સ્કૂપ શૉટમાં લેગ સાઇડમાં મોકલવાની આદત છે. એમાં ક્યારેક તે સફળ પણ થયો છે, પરંતુ આજે ટીમ જે તબક્કે હતી એમાં તેણે એ શૉટનું જોખમ લેવાની કોઈ જ જરૂર નહોતી. પંત અને રવીન્દ્ર જાડેજાએ શુક્રવારની રમતને અંતે ભારતનો જે સ્કોર (164/5) હતો ત્યાંથી રમવાનું શરૂ કર્યું હતું અને પોતે 37 બૉલમાં 28 રન બનાવી ચૂક્યો હતો. બન્નેએ પહેલો કલાક હેમખેમ કાઢી નાખ્યો હતો, પરંતુ સ્કૉટ બૉલેન્ડના એક બૉલમાં પંતે ખોટું સાહસ ખેડીને સ્કૂપમાં વિકેટ ગુમાવી દીધી હતી. તે નૅથન લાયનના હાથમાં કૅચઆઉટ થયો હતો. ગાવસકર ત્યારે એક જાણીતી ચૅનલ માટે કૉમેન્ટરી આપી રહ્યા હતા. પંતનો આ રિસ્કી શૉટ જોઈને તેઓ સ્ટુપિડ...સ્ટુપિડ...સ્ટુપિડ...એવું બોલ્યા અને પછી પંત માટે તેમણે કહ્યું,
પંતે પોતાની વિકેટ ફેંકી દીધી.
આ પણ વાંચો: નીતીશ રેડ્ડીના પપ્પાએ પુત્રની ક્રિકેટ-કરીઅર માટે મોટા બલિદાનો આપ્યા છે
આ તો મૂર્ખામી જ કહેવાય. હજી પાછલા જ બૉલમાં તું આવો શૉટ ચૂકી ગયો અને આ વખતે જ્યાં બે ફીલ્ડર ઊભા હતા અને તે આવું મોટું જોખમ ઉઠાવ્યું. તું ડીપ થર્ડ મૅન પર કૅચઆઉટ થઈ ગયો. મેં વિકેટ ફેંકી જ દીધી. ભારતીય ટીમ કેવી ખરાબ હાલતમાં છે એ તારે સમજવું જોઈતું હતું. આ તારી નૅચરલ ગેમ કહેવાય જ નહીં. આય ઍમ સૉરી. તારી આ નૅચરલ ગેમ નથી. તારો આ મૂર્ખાઈભર્યો શૉટ હતો.’
આ તબક્કે સાથી કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ ડ્રેસિંગ-રૂમનો ઉલ્લેખ કર્યો ત્યારે ગાવસકર બોલ્યા, તેણે (પંતે) પેલા ડ્રેસિંગ-રૂમમાં જવું જ ન જોઈએ...તેણે તો બાજુના જ (ઑસ્ટ્રેલિયાના) ડ્રેસિંગ-રૂમમાં જવું જોઈએ.' ગાવસકરે લંચ-બે્રક વખતે બ્રૉડકાસ્ટરની ચૅનલ પર કહ્યું,
આ જ ઇનિંગ્સમાં પંતે અગાઉ જ્યાં એક પણ ફીલ્ડર નહોતો ત્યાં આવા પ્રકારના શૉટમાં બૉલ મોકલ્યો એ સમજી શકાય, કારણકે એવો મોકો ન છોડાય. જોકે ડીપ સ્ક્વેર લેગ અને ડીપમાં જ્યારે ફીલ્ડર મોજૂદ હોય ત્યારે પંતે આ જે શૉટ સિલેક્ટ કર્યો એ તો ભયંકર ભૂલ કહેવાય.’
આ પણ વાંચો: ઑસ્ટ્રેલિયન અખબારે વિરાટ કોહલીને ‘કલાઉન કોહલી’ કહ્યો, ‘કર્મ’ની હેડલાઇનથી નિશાન બનાવ્યો…
પંતે 56મી ઓવરમાં આગલા બૉલમાં આવો જ શૉટ મારવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે તેણે સમતોલપણું ગુમાવ્યું હતું અને તેના બૅટની ઇન્સાઇડ-એજ લાગી હતી.
પંત આઉટ થયો ત્યારે ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાથી 283 રન પાછળ હતી.