સ્પોર્ટસ

ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર ગાવસકરના સન્માન સાથે વાનખેડેની ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનનો આરંભ

સમારોહમાં વિનોદ કાંબળીનું પણ બહુમાન કરાયુંઃ જાણો, આગામી કાર્યક્રમોમાં કયા દિગ્ગજો હાજરી આપશે!

મુંબઈઃ બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકર અને ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળી સહિત મુંબઈ ક્રિકેટના કેટલાક સ્ટાર ખેલાડીઓનું આજે અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ) દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. વાનખેડે સ્ટેડિયમની 50મી જયંતિ નિમિત્તે એક અઠવાડિયાની ઉજવણીનું સપ્તાહ આજે શરૂ થયું અને એના પ્રારંભિક સમારોહમાં ગાવસકર-કાંબળી સહિત અનેક ખેલાડીઓના સન્માનનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

https://twitter.com/MumbaiCricAssoc/status/1878325112812036345

આ સેલિબ્રેશન-વીકની મુખ્ય ઇવેન્ટ રવિવાર, 19મી જાન્યુઆરીએ વાનખેડેમાં યોજાશે. સપ્તાહ દરમ્યાનના સેલિબ્રેશનમાં મુંબઈના બીજા સ્ટાર ક્રિકેટરો સચિન તેન્ડુલકર, દિલીપ વેન્ગસરકર અને રોહિત શર્મા પણ હાજરી આપશે. એ ઉપરાંત, રવિ શાસ્ત્રી, અજિંક્ય રહાણે, ભારતનો ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ તેમ જ ભૂતપૂર્વ મહિલા સુકાની ડાયના એદલજી પણ ઉપસ્થિત રહેશે એવી સંભાવના છે.

આ પણ વાંચો: ગાવસકરને કેમ લાગે છે કે રોહિત પછી બુમરાહ જ ભારતનો કૅપ્ટન બનશે?

એમસીએના પ્રમુખ અજિંક્ય નાઇકે ગાવસકરને મોમેન્ટો આપીને બહુમાન કર્યું હતું.
પીટીઆઇના અહેવાલ મુજબ ગાવસકરે આ પ્રસંગે કહ્યું, ઐતિહાસિક અને લોકપ્રિય સ્થળ (વાનખેડે સ્ટેડિયમ)નું ભારતીય ક્રિકેટમાં બહુ મોટું યોગદાન છે અને આ સ્થળે આ પ્રસંગને હું ગૌરવભેર માણી રહ્યો છું. 2011ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ આ સ્થળે રમાઈ હતી જે આ સ્થળની સૌથી મોટી સિદ્ધિ છે.' ગાવસકરે પ્રવચનમાં એવું પણ જણાવ્યું હતું કેવાનખેડેની 50 વર્ષની પ્રારંભિક ઉજવણીનો હિસ્સો બનવા બદલ હું ગર્વ અનુભવું છું. મૂળ તો હું ઓપનિંગ બૅટર એટલે અહીંની આરંભિક ઇવેન્ટ પણ મારે ગુમાવવી નહોતી અને એમાં હાજરી આપવા બદલ મને ગર્વ થઈ રહ્યો છે. હું એમસીએને શુભેચ્છા આપું છું અને સ્કૂલ-ક્રિકેટના સમયથી અહીં મને અસંખ્ય તકો આપવા બદલ હું એમસીએનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું જે કંઈ છું એ એમસીએને કારણે જ છું. હું ભારત વતી રમતો હતો ત્યારે પણ મને એમસીએનો બહુ સારો સપોર્ટ મળ્યો હતો. મને અહીં આ ભવ્ય સમારોહમાં આમંત્રિત કરવા બદલ હું સર્વેનો આભાર માનું છું.’

https://twitter.com/MumbaiCricAssoc/status/1877645187473621298

ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળીને તાજેતરમાં જ ભિવંડીની હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. તે હજી પૂરેપૂરો સ્વસ્થ નથી થયો અને વાનખેડેના આજના પ્રસંગે કેટલાક સાથીઓના સપોર્ટ સાથે આવ્યો હતો. સન્માન થયા બાદ કાંબળીએ વાનખેડે ખાતેના પોતાના નાનપણના દિવસોની યાદ તાજી કરી હતી અને કહ્યું હતું કે `મને બરાબર યાદ છે…મેં પ્રથમ ડબલ સેન્ચુરી ઇંગ્લૅન્ડ સામે આ જ સ્થળે ફટકારી હતી અને ત્યાર પછી કરીઅરમાં મેં ઘણી સેન્ચુરીઓ ફટકારી હતી. જો કોઈ પણ યુવા ખેલાડી મારી જેમ કે સચિન તેન્ડુલકરની જેમ ભારત વતી રમવા માગતો હોય તો તેમને મારી સલાહ છે કે તમારે અથાક પ્રયત્નો સતત જાળવી રાખવા જોઈએ. સચિને અને મેં નાનપણથી ક્યારેય અથાક મહેનતનો અભિગમ ક્યારેય નહોતો છોડ્યો.’

https://twitter.com/MumbaiCricAssoc/status/1876984203822162115

કાંબળીએ ઇંગ્લૅન્ડ સામે કરીઅરની પહેલી ડબલ સેન્ચુરી વાનખેડેમાં 1993ની 19મી ફેબ્રુઆરીએ ફટકારી હતી. ત્યારે કાંબળીએ 411 બૉલમાં 224 રન બનાવ્યા હતા.

ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને મુંબઈનો જાણીતો બૅટર વસીમ જાફર વાનખેડેના સમારોહ દરમ્યાન કાંબળીને શુભકામના આપતો જોવા મળ્યો હતો. એમસીએના ભૂતપૂર્વ પ્રમુખ વિજય પાટીલનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ટ્રોફી મારા નામની, હું મેદાન પર જ હતો અને મને જ સમારોહમાં આમંત્રણ નહીં?: સુનીલ ગાવસકર

એમસીએ 19મી જાન્યુઆરીએ કૉફી-ટેબલ બુક બહાર પાડશે તેમ જ સ્મૃતિરૂપે ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવશે.
એમસીએ દ્વારા મેદાનના માળીઓનું તેમ જ 1974માં વાનખેડેમાં પ્રથમ ફર્સ્ટ-ક્લાસ મૅચ રમનાર મુંબઈની ટીમના ખેલાડીઓનું પણ સન્માન કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button