ટીમ ઇન્ડિયાના ભવિષ્ય માટે ગૌતમ ગંભીરનો માસ્ટર પ્લાન! ખાલી સમય દમિયાન કરશે આ કામ

મુંબઈ: ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઈટલ જીત્યું, હવે અગામી ત્રણ મહિના માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) એક પણ આંતરરાષ્ટ્રીય મેચ નહીં રમે. ભારતીય ટીમ જુન મહિનામાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવા માટે ઇંગ્લેન્ડના પ્રવાસે (IND vs ENG Test Series) જશે, એ પહેલા ખેલાડીઓ IPLમાં અલગ અલગ ફ્રેન્ચાઈઝીઓ તરફથી રમતા જોવા મળશે. આ સમય દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર કંઇક અલગ જ પ્લાનિંગ કરી રહ્યા છે.
ગૌતમ ગંભીરના પર્સનલ સેક્રેટરીની `ઘૂસણખોરી’ને પગલે બીસીસીઆઇએ આકરો નિયમ લાવવો પડ્યો?
પ્રતિભાશાળી ક્રિકેટરોની શોધ:
અહેવાલ મુજબ ગૌતમ ગંભીર ફ્રી સમયનો ઉપયોગ ભારતીય ક્રિકેટના ભવિષ્યને સુધારવા પર ધ્યાન આપશે. અહેવાલ મુજબ ગંભીરે 20 જૂને શરૂ થનારી ટેસ્ટ સિરીઝ પહેલાં ઇન્ડિયા-A ટીમ સાથે ઈંગ્લેન્ડ જવાનું નક્કી કર્યું છે. ગંભીર ભારતીય ક્રિકેટ ટીમ માટે પ્રતિભાશાળી યુવા ક્રિકેટરોની શોધમાં છે. ગંભીર વર્ષ 2027 ODI વર્લ્ડ કપ માટેના રોડમેપ પર કામ કરી રહ્યા છે. આ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આગામી સાઈકલ અને 2026 T20 વર્લ્ડ કપ માટે પણ પ્લાનિંગ કરી રહ્યા છે.
અહેવાલ છે મુજબ ગૌતમ ગંભીર, ચિફ સિલેક્ટર અજિત અગરકર અને NCA હેડ VVS લક્ષ્મણ ટેસ્ટ ક્રિકેટ માટે ભારતના ખેલાડીઓના રીઝર્વ પૂલને મજબૂત કરવા માટેના રસ્તાઓ પર ચર્ચા કરી રહ્યા છે.
આવું પહેલી વાર થશે:
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) પાસે ઇન્ડિયા-A માટે કોઈ નિયુક્ત કોચ નથી, ઈંગ્લેંડ પ્રવાસ માટે વીવીએસ લક્ષ્મણ આ ભૂમિકા સાંભળી શકે છે. જ્યારે, ગંભીર ફક્ત નિરીક્ષક તરીકે ઇન્ડિયા-A ટીમ સાથે પ્રવાસ કરે છે. આ પહેલી વાર હશે જ્યારે સિનિયર ટીમના કોચ ઇન્ડિયા-A સાથે પ્રવાસ પર જશે.
IPLની ફાઇનલ મેચ 25 મેના રોજ રમાશે. ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ શરૂઆત 20 જૂનથી શરૂ થશે. આ દરમિયાન, ખેલાડીઓને IPL નો થાક ઉતારવાનો સમય મળશે. આ દરમિયાન, ભારત A ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે હશે, જેની સાથે ગંભીર પણ ત્યાં જ હાજર હશે.
ટેસ્ટ ક્રિકેટને મજબુત કરવાનો પ્રયાસ:
ગયા વર્ષે ભારતના T20 વર્લ્ડ કપ વિજય બાદ ગંભીરે કોચિંગની ભૂમિકા સંભાળી હતી. ત્યાર બાદ ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમને શરમજનક હાર સહન કરવી પડી હતી. ઘરઆંગણે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે 0-3થી ટેસ્ટ સીરિઝ હારી ગઈ, ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમને 1-4થી હાર મળી. ગંભીર નથી ઇચ્છતા કે ભવિષ્યમાં પણ આવી નિરાશા મળે.
અહેવાલ મુજબ ગંભીર સક્રિય પગલાં લઈ રહ્યા છે. તેમણે BCCI સાથે પરામર્શ કરીને, તેમણે ઇન્ડિયા-A સાથે ઇંગ્લેન્ડ પ્રવાસ પર જવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જ્યાં તેઓ ઉભરતા પ્રતિભાશાળી ખેલાડીઓ પર નજીકથી નજર રાખી શકે અને તેમને ભવિષ્ય માટે તૈયાર કરી શકે.
ગંભીરનો ઉદ્દેશ્ય ભારતીય ક્રિકેટ ટીમના રીઝર્વ પૂલને મજબૂત કરવાનો છે. સિનીયર ટીમની ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝ 20 જૂનથી શરૂ થઈ રહી છે, તેથી ગંભીર વહેલા ઇંગ્લેન્ડ પહોંચીને પરિસ્થિતિનો તાગ પણ મેળવવા ઈચ્છે છે.
સુત્રોના જણાવ્યા મુજબ, દ્રવિડે NCA છોડ્યા પછી ઇન્ડિયા-Aની થોડી જ સીરિઝ રમી છે. ગંભીર પણ માને છે કે ઇન્ડિયા-Aના વધુ પ્રવાસોનું આયોજન થવું જોઈએ.