રોહિત સેનાના ફ્લૉપ-શૉ પછી ગૌતમ થયો ગંભીર, ડ્રેસિંગ-રૂમમાં બોલ્યો `બહુત હો ગયા’…

મેલબર્નઃ અહીં ઑસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં સોમવારના આખરી દિને ભારતીય ટીમને (યશસ્વી જયસ્વાલને ખોટો આઉટ અપાયો હોવાની ચર્ચા વચ્ચે) મૅચ ડ્રૉમાં લઈ જવાનો મોકો હતો, પરંતુ 20.4 ઓવરમાં ફક્ત 34 રનમાં ટીમ ઇન્ડિયાએ છેલ્લી સાત વિકેટ ગુમાવી એને પગલે હેડ-કોચ ગૌતમ ગંભીરે ડ્રેસિંગ-રૂમમાં આખી ટીમને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો.
આ પણ વાંચો : મેલબર્નમાં ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ કરતાં ભારત-પાકિસ્તાન ટી-20માં વધુ પ્રેક્ષકો!
ગંભીરે તેમને બહુત હો ગયા’ એવું કહીને આડકતરી રીતે દરેક ખેલાડીને તેની ભૂલ અને કચાશ બતાવી હતી. આ સિરીઝમાં ખાસ કરીને પીઢ બૅટર રોહિત શર્મા અને વિરાટ કોહલી સદંતર નિષ્ફળ રહ્યા છે. ગંભીરે કોઈનું નામ નહોતું લીધું, પણ તેની સ્પીચનો ભાવાર્થ એ હતો કે ખેલાડીઓ પરિસ્થિતિને અનુરૂપ રમવાને બદલે નૅચરલ ગેમ’ના નામે પોતાની રીતે રમે છે.
ગંભીરે જુલાઈમાં ટીમ ઇન્ડિયાના હેડ-કોચનો હોદ્દો સંભાળ્યો હતો. પહેલા છ મહિના તેણે ટીમને એની રીતે રમવા દીધી હતી, પણ હવે પોતે ઇચ્છશે એ રીતે ખેલાડીઓએ રમવું પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગંભીરે પ્લેયર્સને કડક ચેતવણી આપી છે કે ટીમ વિશે જે વ્યૂહરચના અપનાવાઈ છે એ મુજબ જે ખેલાડી નહીં રમે તેને કહી દેવાશે કે `તમારો ખૂબ ખૂબ આભાર.’
બીજી રીતે કહીએ તો ટીમની સ્ટ્રેટૅજી મુજબ નહીં રમનાર ખેલાડીને ટીમમાંથી ગુડબાય કરી દેવાશે.
ગંભીરનું કહેવું છે કે અમુક ખેલાડીઓ ટીમ માટે નક્કી થયેલા પ્લાનને અનુસરવાને બદલે પોતાની રીતે રમી રહ્યા છે.
સોમવારના અંતિમ દિવસે વિરાટ કોહલી લંચ પહેલાં ખૂબ જ બહારના બૉલ સાથે છેડછાડ કરવા ગયો અને વિકેટ ગુમાવી બેઠો હતો જેને પગલે ટીમ બૅક-ફૂટ પર આવી ગઈ હતી. પહેલા દાવમાં રિષભ પંત ખોટા સાહસમાં અને બેજવાબદારીભર્યા અભિગમમાં સ્કૂપ શૉટમાં કૅચ આપી બેઠો હતો.
બીજા દાવમાં પણ તેણે વિકેટ આપી દીધી હતી. રોહિત શર્મા બીજી ઇનિંગ્સમાં અક્રોસ-ધ-લાઇન રમવામાં વિકેટ ગુમાવી બેઠો હતો. તે ન્યૂ ઝીલૅન્ડ સામેની ઘરઆંગણાની સિરીઝથી ખરાબ ફૉર્મમાં છે.
કેટલાક સૂત્રોના જણાવ્યા મુજબ ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ અગાઉથી જ ભારતીય ડ્રેસિંગ-રૂમમાં વાતાવરણ ખૂબ તંગ રહ્યું છે.
આ પણ વાંચો : ટેસ્ટ ટીમમાંથી બાકાત અને આઇપીએલમાં અનસૉલ્ડ ખેલાડીની અમદાવાદમાં હૅટ-ટ્રિક સદી, સિલેક્ટરોએ હવે તો…
એવું જાણવા મળ્યું છે કે ગૌતમ ગંભીરે 100-પ્લસ ટેસ્ટ રમી ચૂકેલા ચેતેશ્વર પુજારાને ટેસ્ટ ટીમમાં સામેલ કરવા દબાણ કર્યું હતું, પરંતુ સિલેક્ટર્સે એ માગણી નકારી હતી. કહેવાય છે કે પર્થમાં પ્રથમ ટેસ્ટ જીત્યા પછી પણ ગંભીરે પુજારા માટે આગ્રહ કર્યો હતો.