વર્લ્ડ કપ પહેલાં હેડ-કોચ ગૌતમ ગંભીર શ્રી સિદ્ધિવિનાયકના મંદિરમાં

મુંબઈઃ શનિવાર, સાતમી ફેબ્રુઆરીએ ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે અને આ વખતના વિશ્વ કપમાં પણ ભારત ચૅમ્પિયન બને એવી પ્રાર્થના કરવા ભારતીય ટીમનો હેડ-કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) ગુરુવારે શિવાજી પાર્ક, પ્રભાદેવીમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિર (temple)માં આવ્યો હતો. ભારત ટી-20માં 2007 બાદ 2024માં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું હતું.
ગૌતમ ગંભીર ગણપતિ બાપ્પાના આર્શીવાદ લેવા આ મંદિરમાં આવ્યો ત્યારે તેની સાથે ટીમ ઇન્ડિયાનો બૅટિંગ-કોચ અને સૌરાષ્ટ્રનો ભૂતપૂર્વ ખેલાડી સિતાંશુ હરગોવિંદભાઈ કોટક પણ હતો.
વર્લ્ડ કપ (World Cup)માં ભારતની પ્રથમ મૅચ શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં અમેરિકા સામે રમાશે. ભારતના ગ્રૂપમાં અમેરિકા અને પાકિસ્તાન ઉપરાંત નામિબિયા તથા નેધરલૅન્ડ્સ પણ છે.
ગૌતમ ગંભીર થોડા દિવસ પહેલાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ત્રીજી ટી-20 પહેલાં ગુવાહાટીમાં જગ વિખ્યાત કામખ્યા ટેમ્પલમાં ગયો હતો. ત્યાર પછી તેણે ચોથી ટી-20 પહેલાં વિશાખાપટનમમાં શ્રી વરાહા લક્ષ્મી નરસિંહ ટેમ્પલની મુલાકાત લીધી હતી.



