ગંભીરે રોહિત-કોહલીનો બચાવ કર્યો, રિકી પોન્ટિંગને ફટકાર લાગવી, જાણો પ્રેસ કોન્ફરન્સમાં બીજું શું કહ્યું
મુંબઈ: ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે રામાયેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમને 0-3થી કારમી હાર (Indian cricket team) મળી હતી, આ હાર બાદ ભારતીય ટીમના ચાહકો ખેલાડીઓના પ્રદર્શનથી નિરાશ છે, ખાસ કરીને વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માના ફોર્મ પર સવાલ ઉઠી રહ્યા છે. હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar trophy) રમવા ઓસ્ટ્રેલીયા જવા રવાના થવાની છે, એ પહેલા ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ (Gautam Gambhir press conference) યોજી હતી, જેમાં તેમણે ઘણા પ્રશ્નોનો જવાબ આપ્યા હતાં.
રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં રમશે કે કેમ?
આ પ્રશ્નના જવાબમાં ગૌતમ ગંભીરે કહ્યું, “રોહિત શર્માના રમવા વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. આશા છે કે તે મેચ રમી શકે. સિરીઝ શરૂ થાય તે પહેલા બધું જ ખબર પડી જશે. જો રોહિત શર્મા ઉપલબ્ધ ન હોય તો કેએલ રાહુલ અને અભિમન્યુ ઇશ્વરન ઓપનિંગ કરી શકે છે. હું તમને પ્લેઈંગ-11 વિશે અત્યારે કંઈ કહી શકતો નથી, અમે બેસ્ટ કોમ્બિનેશન સાથે મેદાનમાં જઈશું. બુમરાહ વાઇસ કેપ્ટન છે. તેથી, રોહિતની ગેરહાજરીમાં તે ચોક્કસપણે કેપ્ટન રહેશે.”
ગંભીરે કહ્યું, ‘કેએલ રાહુલ ઓપનિંગ કરી શકે છે. તે નંબર 3 પર બેટિંગ કરી શકે છે, તે નંબર 6 પર પણ બેટિંગ કરી શકે છે. આ સારી વાત છે, ઘણા ખેલાડીઓ આવા ઓપ્શન્સ આપી શકતા નથી.”
નીતિશ-હર્ષિતની પ્રશંસા કરી:
ગૌતમ ગંભીરે કહ્યું કે, “હર્ષિત રાણાએ રણજી ટ્રોફીમાં આસામ સામે સારું પ્રદર્શન કર્યું હતું. અમને લાગ્યું કે તેની પાસે બોલિંગનો પૂરતો અનુભવ છે. અમે શ્રેષ્ઠ ટીમ પસંદ કરી છે. જ્યારે જરૂર પડશે ત્યારે નીતિશ રેડ્ડી કામ લાગશે. બધા જાણે છે કે નીતીશમાં પ્રતિભા છે, જો તેને તક મળશે તો તે ટીમ માટે સારું પ્રદર્શન કરશે.”
કોહલી-રોહિતના બચાવમાં ઉતર્યા ગૌતમ ગંભીર:
ગૌતમ ગંભીરે કહ્યું, ‘રોહિત અને વિરાટ કોહલીના ફોર્મ અંગે ચિંતા નથી. તેમણે ભૂતકાળમાં સારું પ્રદર્શન કર્યું છે. તેમણે ભારતીય ક્રિકેટને ઘણું આપ્યું છે અને તેઓ ભવિષ્યમાં પણ આપશે. છેલ્લી સિરીઝમાં જે બન્યું તે પછી તમામ ખેલાડીઓ સારું પ્રદર્શન કરવા તૈયાર છે.”
ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ હાર વિશે શું કહ્યું?
આ પ્રશ્ન અંગે ગૌતમ ગંભીરે કહ્યું કે, “અમે સંપૂર્ણ રીતે આઉટપ્લેમાં હતા. હું મારો બચાવ નહીં કરું. તમે અત્યારે જે ટીકા કરી રહ્યા છો તેના માટે અમે લાયક છીએ. અત્યારે હું માત્ર ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ વિશે જ વિચારી રહ્યો છું. આ સમયે મારું ધ્યાન ટેસ્ટ સિરીઝ પર જ હોવું જોઈએ. અમારી પાસે ઘણા અનુભવી ખેલાડીઓ છે જેઓ આ સ્થિતિમાં રમ્યા છે. યુવા ખેલાડીઓ માટે આ સૂચનો મહત્વના રહેશે. પ્રથમ ટેસ્ટ પહેલા તૈયારી કરવા માટે અમારી પાસે દસ દિવસ છે.”
ડે-નાઈટ ટેસ્ટ અને WTC ફાઇનલ અંગે કહી આ વાત:
ગૌતમ ગંભીરે કહ્યું, ‘અમે WTC ફાઈનલ વિશે વિચારી રહ્યા નથી. દરેક સિરીઝ મહત્વપૂર્ણ છે, બે સારી ટીમો એકબીજા સામે રમી રહી છે. પિંક બોલના ટેસ્ટ માટે અમારી પાસે નવ દિવસનો સમય હશે. અમારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા-XI સામે બે દિવસ પ્રેક્ટિસ કરવાની છે. અમારી પાસે તૈયારી કરવા માટે પૂરતો સમય છે જેની આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.’
રિકી પોન્ટિંગને પણ ખરીખોટી સંભળાવી:
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગૌતમ ગંભીરે રિકી પોન્ટિંગને ફટકાર લગાવી હતી, કેમ કે પોન્ટિંગે વિરાટ કોહલીના ફોર્મ પર નિવેદન આપ્યું હતું. આ અંગે ગંભીરે કહ્યું, ‘પોન્ટિંગને ભારતીય ક્રિકેટ સાથે શું લેવાદેવા છે? તેમણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ વિશે વિચારવું જોઈએ. રોહિત અને વિરાટ મજબૂત ખેલાડીઓ છે.’
સોશિયલ મીડિયાથી શું ફરક પડે!
ન્યૂઝીલેન્ડના સામે હાર બાદ ગૌતમ ગંભીરને સોશિયલ મીડિયા પર ટીકા અને ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. આના પર તેમણે કહ્યું, ‘સોશિયલ મીડિયાથી શું ફરક પડે છે? ડ્રેસિંગ રૂમમાં મજબૂત ખેલાડીઓ છે. તેમને કોચ કરવું મારા માટે સન્માનની વાત છે.’
ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
રીઝર્વ ખેલાડીઓ: મુકેશ કુમાર, નવદીપ સૈની, ખલીલ અહેમદ.
ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લીસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક .
ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (નવેમ્બર-જાન્યુઆરી 2025)
22-26 નવેમ્બર : પહેલી ટેસ્ટ, પર્થ
6-10 ડિસેમ્બર : બીજી ટેસ્ટ, એડિલેડ
14-18 ડિસેમ્બર : ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન
26-30 ડિસેમ્બર : ચોથી ટેસ્ટ, મેલબોર્ન
03-07 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ, સિડની