ગૌતમ ગંભીરને કારણે રોહિત, કોહલી, અશ્વિને વહેલી નિવૃત્તિ લીધી? જાણો, સુનીલ ગાવસકર શું કહે છે

નવી દિલ્હીઃ હેડ-કોચ ગૌતમ ગંભીરના શાસનમાં ટીમ ઇન્ડિયામાં જે પરિવર્તન થઈ રહ્યું છે એનો ભોગ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચન્દ્રન અશ્વિન બન્યા છે અને ગંભીરને કારણે જ આ ત્રણેય દિગ્ગજોએ વહેલી નિવૃત્તિ લઈ લેવી પડી છે એવું કેટલાક ટીકાકારો કહે છે, પરંતુ ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકર (Gavaskar)નું કહેવું છે કે આ આક્ષેપ (Allegation) સાવ ખોટો છે.
ભારતીય ટેસ્ટ (Test) ટીમનું હાલમાં જે પતન થઈ રહ્યું છે એ માટે ગૌતમ ગંભીર જવાબદાર છે એવા આક્ષેપને પણ ગાવસકરે ફગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે ભારત ઘરઆંગણે ગંભીરના કોચિંગમાં છેલ્લી ત્રણમાંથી બે ટેસ્ટ સિરીઝ હારી ગયું છે.
આપણ વાચો: BCCI ગૌતમ ગંભીરની ટિપ્પણીથી નારાજ! T-20 વર્લ્ડ કપને આધારે લેવામાં આવશે નિર્ણય
ગયા વર્ષે નવેમ્બરમાં ન્યૂ ઝીલૅન્ડ સામે 0-3થી વાઇટવૉશ થયા બાદ આ વર્ષે ઑક્ટોબરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતે 2-0થી ક્લીન સ્વીપ કરી હતી, પણ સાઉથ આફ્રિકા સામે ભારતનો 0-2થી વાઇટવૉશ થયો છે.
ગુવાહાટીની બીજી ટેસ્ટમાં ભારતનો 408 રનના તોતિંગ માર્જિનથી પરાજય થયો હતો અને એ સાથે સૌથી વધુ રનના તફાવતથી હારવામાં ભારતે પોતાનો નવો અનિચ્છનીય વિક્રમ નોંધાવ્યો છે. અગાઉ 342 રનનો વિક્રમ હતો. 2004માં નાગપુરમાં ઑસ્ટ્રેલિયા સામે ભારત 342 રનથી હાર્યું હતું.
સુનીલ ગાવસકરે ગૌતમ ગંભીર સહિત સમગ્ર ટીમ-મૅનેજમેન્ટનો બચાવ કર્યો છે. કેટલાક લોકો અને ટીકાકારોનું એવું માનવું છે કે ટીમમાં પરિવર્તન લાવવામાં ઉતાવળ થઈ રહી છે. દિગ્ગજો (અનુભવીઓ) વગર જો કોઈ સિરીઝ (ખાસ કરીને ટેસ્ટ સિરીઝ) રમવામાં આવે તો ભાગ્યે જ એમાં સફળતા મળે. તેમના વગર નિષ્ફળતા જ જોવા મળે અને સાઉથ આફ્રિકા સામેની 0-2ની હાર એનું લેટેસ્ટ ઉદાહરણ છે.
આપણ વાચો: ભારતના ધબડકા પછી ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું ‘કોચનો નિર્ણય બીસીસીઆઈ લેશે પણ…’
દિગ્ગજોની હાજરીમાં કિવીઓ સામે હાર્યા

ગાવસકર કહે છે, ` જો રોહિત, કોહલી અને અશ્વિન આ સિરીઝમાં હોત તો થોડો ફરક પડ્યો હોત. જોકે આ ત્રણેયે પોતાની જાતે જ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી. ટીમ મૅનેજમેન્ટનું તેમના પર કોઈ પ્રેશર નહોતું. હા, એટલું હશે કે તેમને તેમના ભાવિ વિશે સમીક્ષા કરવાનું જરૂર કહેવામાં આવ્યું હશે.
તેઓ આ સિરીઝમાં રમ્યા હોત તો આપણે જીત્યા જ હોત એવું આપણે ખાતરીથી ન કહી શકીએ. ગયા વર્ષે ન્યૂ ઝીલૅન્ડ સામેની ઘરઆંગણાની સિરીઝમાં તેઓ રમ્યા જ હતા છતાં આપણે 0-3થી હારી ગયા હતા.
ત્યાર પછી ઑસ્ટ્રેલિયામાં શું થયું હતું, યાદ છેને! આપણે 1-3થી હારી ગયા હતા. એટલે મારું કહેવું એ છે કે આ ત્રણેય ખેલાડી ટીમમાં હોત તો આપણે સાઉથ આફ્રિકા સામે જીત્યા જ હોત એવું કહી ન શકાય. ત્રણેયને રિટાયરમેન્ટ લઈ લેવા દબાણ થયું હતું એવું પણ ન કહેવું જોઈએ.’
હવે ભારતની ટેસ્ટ-શ્રેણી ક્યારે
ભારત હવે આવતા વર્ષે ઑગસ્ટમાં શ્રીલંકા સામે બે મૅચની ટેસ્ટ-શ્રેણી રમશે. ત્યાર ભારતની ટેસ્ટ ટીમ ઑક્ટોબર-નવેમ્બરમાં ન્યૂ ઝીલૅન્ડના પ્રવાસે જશે. ત્યાર પછી 2027ના વર્ષની શરૂઆતમાં ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામે પાંચ મૅચની ટેસ્ટ-શ્રેણી રમાશે અને એ સાથે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં ભારતના પડકારનો અંત આવશે.



