વિરાટ-રોહિત વિશે સવાલ પૂછાતાં ગંભીરે કહ્યું, ` હું અગાઉ ઘણી વાર કહી ગયો છું કે…’

વિશાખાપટનમ: ભારતે શનિવારે અહીં સાઉથ આફ્રિકાને નિર્ણાયક વન-ડેમાં 61 બૉલ બાકી રાખીને નવ વિકેટે હરાવી દીધું ત્યાર બાદ હેડ-કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) ખુશમિજાજમાં હતો અને તેણે પત્રકારો સાથેની વાતચીતમાં ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબ આપ્યા હતા જેમાં ગંભીરે કહ્યું હતું કે ` આ બન્ને અનેક ગુણો ધરાવતા ખેલાડીઓ છે. હું અગાઉ ઘણી વાર કહી ગયો છું કે આ બન્ને વર્લ્ડ ક્લાસ પ્લેયર છે.’
વિરાટ (Virat) અને રોહિતે (Rohit) હેડ-કોચ ગૌતમ ગંભીર સાથે બનતું ન હોવાને કારણે આ વર્ષની શરૂઆતમાં ઉતાવળે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હોવાની ખૂબ ચર્ચા થઈ છે. વન-ડેમાં બન્ને દિગ્ગજો જ્યારે પોતાની કારકિર્દીની ટોચ પર હતા એ સમયકાળ જેવું જ હાલમાં રમી રહ્યા છે. વિરાટને શનિવારે સાઉથ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીને અંતે પ્લેયર ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો. તેણે બે સેન્ચુરીની મદદથી બનાવેલા 302 રન સિરીઝના તમામ બૅટ્સમેનમાં હાઈએસ્ટ હતા. રોહિતે શ્રેણીમાં બે હાફ સેન્ચુરી સાથે 146 રન કર્યા હતા.

ગંભીરે પત્રકારોને કહ્યું, ` આ ફૉર્મેટમાં (વન-ડેમાં) બન્ને ખેલાડી (વિરાટ-રોહિત) ક્વૉલિટી પ્લેયર્સ છે અને ડ્રેસિંગ-રૂમમાં તેમનો અનુભવ ખૂબ જ મહત્ત્વનો બની રહેતો હોય છે. તેઓ પોતાની રીતે શ્રેષ્ઠ પર્ફોર્મ કરી રહ્યા છે અને આવું તેઓ ભારતીય ક્રિકેટ માટે ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે. આશા રાખું છું કે તેઓ આ જ રીતે રમતા રહે.’
ગંભીરે શનિવારની છેલ્લી વન-ડેમાં ચાર-ચાર વિકેટ લેનાર કુલદીપ તથા પ્રસિદ્ધ ક્રિષ્નાના તેમ જ અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાના વખાણ કરતા જણાવ્યું હતું કે ` ડ્રેસિંગ-રૂમમાં વિરાટ-રોહિતનો અનુભવ ખૂબ ઉપયોગી થતો હોય છે, પરંતુ યુવા ખેલાડીઓના પર્ફોર્મન્સ પણ પ્રશંસનીય રહ્યા છે.’
આ પણ વાંચો…ગંભીરે આઈપીએલની ટીમના માલિકને કહેવડાવી દીધું, ‘ તમને મારા કામમાં દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી’



