Jay Shah સાથેની ચર્ચામાં ગૌતમ ગંભીરની પત્ની નતાશાની નિર્ણાયક ભૂમિકા?
નવી દિલ્હી: આપણે ફરી એકવાર ક્રિકેટરની પત્ની નતાશાની વાત કરવાની છે. ક્ન્ફ્યૂઝ નહીં થતા….અહીં હાર્દિકની પત્ની નતાશા સ્ટૅન્કોવિચ નહીં પણ ગૌતમ ગંભીર (Gautam Gambhir)ની વાઇફ નતાશા જૈન વિશે કહેવાનું છે. નતાશા જૈન ક્યારેય ચર્ચાસ્પદ નથી થઈ, પણ આ વખતે તેનો ઉલ્લેખ કરવા પાછળનો એકમાત્ર આશય એ છે કે રવિવારે ચેન્નઈમાં આઇપીએલની ફાઇનલ બાદ તે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ સાથે કદાચ પતિ ગૌતમ ગંભીર વિશેની હેડ-કોચની ઑફર પર વાતચીત કરતી જોવા મળી હતી.
દિગ્ગજ ખેલાડીની પત્ની ટોચના વહીવટકાર સાથે જાહેરમાં ચર્ચા કરે એમાં કોઈ નવાઈની વાત ન કહેવાય, કારણકે એ મુલાકાત ક્રિકેટરની કરીઅરનો જ એક હિસ્સો કહેવાય. જોકે ગૌતમ ગંભીરની પત્ની નતાશા જ્યારે જય શાહ સાથે મેદાન પર વાતચીત કરે એટલે તરત વિચાર થાય કે પતિદેવને ટીમ ઇન્ડિયાના હેડ-કોચ બનવાની જે ઑફર બીસીસીઆઇ તરફથી થઈ રહી છે એ વિશેની જ હશે.
ગૌતમ ગંભીરની કૅપ્ટન્સીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)એ 2012 અને 2014માં આઇપીએલનું ટાઇટલ જીતી લીધું હતું. 2017માં ગંભીરે કેકેઆરની ટીમ છોડી હતી અને પછી 2018માં નિવૃત્તિ પણ લઈ લીધી હતી. ગૌતમ ગંભીર ભારતીય જનતા પક્ષ (ભાજપ) સાથે જોડાયા બાદ સંસદસભ્ય બન્યો હતો, પરંતુ 2022માં અને 2023માં લખનઊ સુપર જાયન્ટ્સનો મેન્ટર રહ્યા બાદ ગયા વર્ષે તે રાજકારણને ગુડબાય કરીને તે ફરી કેકેઆર સાથે મેન્ટર તરીકે જોડાયો હતો. હવે અહીં ખાસ બાબત એ છે કે કેકેઆર સાથેની આઇપીએલની એક સીઝન દરમ્યાન ફૅમિલીને સમય આપવા પાંચ વખત બ્રેક લીધો હતો.
આ પણ વાંચો : કોનું દિલ તોડશે ગૌતમ ગંભીર, ભારત કે KKR? શાહરૂખ ખાને તો આપી દીધો ‘બ્લેન્ક ચેક’
આઇપીએલ વર્ષમાં માત્ર બે મહિના હોય એટલે એની કોઈ ટીમના કોચ કે મેન્ટરે બેથી ત્રણ મહિના પરિવારથી દૂર રહેવું પડે, પરંતુ ગંભીરે ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ બનતા 12માંથી લગભગ 10 મહિના પરિવારથી દૂર રહેવું પડે. ગંભીર-નતાશાને બે પુત્રી છે. મોટી પુત્રી આઝીન 10 વર્ષની છે, જ્યારે નાની દીકરી અનાઇઝા સાત વર્ષની છે. સ્વાભાવિક છે કે બન્ને દીકરીના ઉછેરમાં પિતાની સતત હાજરી હોવી જરૂરી છે, પરંતુ જો ગંભીર ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ બનીને વર્ષનો પોણા ભાગનો સમય ફૅમિલીથી દૂર રહેવાનો હોય તો એ કદાચ તેની પત્ની નતાશાને મંજૂર નહીં હોય એટલે કહેવાય છે કે તેણે રવિવારે જય શાહ સાથે ગંભીરને કોચિંગની જવાબદારી દરમ્યાન મોટા બ્રેકની છૂટ આપવાની વિનંતી કરી હશે.
ગંભીર અને નતાશાએ બે વર્ષની રિલેશનશિપ બાદ ઑક્ટોબર, 2011માં લગ્ન કર્યા હતા. નતાશા કરોડપતિ ટેક્સટાઇલ ઉદ્યોગપતિની પુત્રી છે. ગૌતમના પિતા દીપક ગંભીર અને નતાશાના પિતા રવીન્દ્ર જૈન 30 વર્ષથી એકમેકને ઓળખતા હતા.