હેડ-કોચ ગૌતમ પર મનોજ તિવારીના ગંભીર આરોપો | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

હેડ-કોચ ગૌતમ પર મનોજ તિવારીના ગંભીર આરોપો

નવી દિલ્હીઃ હેડ-કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir)ને ગયા વર્ષે રાહુલ દ્રવિડ બાદ ટીમ ઇન્ડિયાની જવાબદારી સોંપવામાં આવી ત્યાર બાદ વિવાદો વધી ગયા છે અને ખાસ કરીને ટીમમાંથી વિરાટ કોહલી (VIRAT KOHLI) તથા રોહિત શર્મા (ROHIT SHARMA) બહાર થઈ જાય એવો માહોલ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપો ભૂતપૂર્વ ભારતીય ખેલાડી મનોજ તિવારીએ કર્યા છે.

બંગાળનો મનોજ તિવારી 39 વર્ષનો છે. તે 2008થી 2015 દરમ્યાન ભારત વતી 12 વન-ડે અને ત્રણ ટી-20 રમ્યો હતો. તે 38 વર્ષના વિરાટ અને 36 વર્ષના રોહિત, બન્ને સાથે ભારત વતી રમી ચૂક્યો છે. મનોજે એક વેબસાઇટ સાથેની વાતચીતમાં કહ્યું છે કે `ટીમમાં જો અશ્વિન, રોહિત કે વિરાટ જેવા સિનિયર ખેલાડી હોત તો તેમણે પોતાના અનુભવના જોરે સવાલ ઉઠાવ્યા હોત. કદાચ એ કારણસર જ તેઓ ટીમમાં રહે જ નહીં એવો માહોલ ગંભીરે ઊભો કર્યો હતો.’

આ પણ વાંચો: ઓવલ ટેસ્ટમાં રોમાંચક જીત બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં ભાવુક ક્ષણો; ગૌતમ ગંભીરની આંખોમાં આંસુ

વહેલો સંન્યાસ લઈ લેવો પડે એવો માહોલ

મનોજ તિવારીનું એવું કહેવું હતું કે ગૌતમ ગંભીરે ટીમમાં એવો માહોલ બનાવ્યો હતો કે જેમાં અશ્વિન, રોહિત અને વિરાટ જેવા મહારથીઓએ વહેલો સંન્યાસ લઈ લેવો પડ્યો.’

અશ્વિને ઑસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી, જ્યારે 2024ના ટી-20 વર્લ્ડ કપ બાદ ટી-20 ઇન્ટરનૅશનલમાંથી રિટાયરમેન્ટ લેનાર રોહિત-વિરાટે તાજેતરમાં ઇંગ્લૅન્ડ ખાતેના પ્રવાસ પહેલાં જ ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. રોહિત-વિરાટ હવે માત્ર વન-ડે રમવાના છે.

`સિનિયરોના પ્રભાવથી ગંભીર બચવા માગે છે’

મનોજ તિવારીનો આક્ષેપ છે કે `હેડ-કોચ ગંભીરે એવો માહોલ ઊભો કર્યો કે જેમાં અશ્વિન, રોહિત અને વિરાટ જેવા ખેલાડી રહે જ નહીં. ગંભીર કોચ બન્યો ત્યાર બાદ એક પછી એક વિવાદ બહાર આવ્યો છે. તે કોચ બન્યા પછી ઘણું બધુ બદલાઈ ગયું. અનેક વિવાદો થયા. મને લાગે છે કે જે કંઈ થઈ રહ્યું છે એ ભારતીય ક્રિકેટ માટે સારો સંકેત નથી. ગંભીર કોચ બન્યા પછી ટીમ સિલેક્શન અને એને લગતા નિર્ણયોને લઈને સતતપણે અસ્થિરતા જોવા મળી છે. ક્યારેક અચાનક કોઈક ખેલાડીને સ્ક્વૉડમાં સમાવવામાં આવે છે અને તત્કાળ પ્લેઇંગ-ઇલેવનમાં મોકો આપવામાં આવે છે. ગંભીર સિનિયર ખેલાડીઓના પ્રભાવથી બચવા માગે છે કે જેથી તેમના મુદ્દે તેમણે કોઈ પડકારનો સામનો ન કરવો પડે.’

આ પણ વાંચો: ગૌતમ ગંભીરના ‘ગંભીર’ સ્વભાવનું રહસ્ય ખુલ્યું: “હું ગંભીર છું, તેથી જ…

વિરાટ-રોહિતે ભારતને નવા શિખર અપાવ્યા

મનોજ તિવારીએ વિરાટ કોહલી અને રોહિત શર્માની ઉપલબ્ધિઓને યાદ કરીને જણાવ્યું છે કે `વિરાટ અને રોહિતે ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ અપાવી છે. આ બન્ને ખેલાડી હંમેશાં દિલથી રમ્યા છે, પરંતુ માહોલ એવો બનાવવામાં આવ્યો જેમાં તેમને લાગ્યું કે ટીમમાં હવે તેમની જરૂર જ નથી. એવું માનીને આ બે દિગ્ગજો પોતે જ બે ફૉર્મેટમાં ટીમથી દૂર થઈ ગયા છે.’

2027ના વર્લ્ડ કપ વિશે મોટું નિવેદન

મનોજ તિવારીએ કહ્યું છે કે `જો ગૌતમ ગંભીર 2027ના આગામી વન-ડે વર્લ્ડ કપ માટે વિરાટ-રોહિતને પોતાની યોજનાઓમાં સામેલ નહીં કરે તો એ તેની બહુ મોટી ભૂલ કહેવાશે. ગંભીર જો વિરાટ-રોહિતને વર્લ્ડ કપ માટેની યોજનામાંથી બહાર રાખશે તો ભારતીય ક્રિકેટ માટે એ ખોટું પગલું પણ કહેવાશે. વાઇટ-બૉલ ક્રિકેટમાં આ બે દિગ્ગ્જોનો કોઈ વિકલ્પ નથી.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button