હેડ-કોચ ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને કહ્યું, `આવો મારે ત્યાં જમવા’

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટરો બુધવાર, 15મી ઑક્ટોબરે વન-ડે સિરીઝ માટે પાટનગર દિલ્હી (Delhi)થી પર્થ જવા રવાના થશે એ પહેલાં તેઓ દિલ્હીમાં હેડ-કોચ ગૌતમ ગંભીરના નિવાસસ્થાને ડિનર પર જશે.
ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર દિલ્હીમાં રાજિન્દર નગર વિસ્તારમાં રહે છે અને તેણે વન-ડે તથા ટી-20 શ્રેણી માટે ઑસ્ટ્રેલિયા (Australia)ના પ્રવાસે જનારા ખેલાડીઓની આખી ટીમને પોતાના ઘરે (લગભગ 14મીની રાત્રે) જમવા બોલાવી છે.
આ પણ વાંચો: હેડ-કોચ ગૌતમ પર મનોજ તિવારીના ગંભીર આરોપો
રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ વન-ડે સ્ક્વૉડમાં છે અને તેઓ આ આમંત્રણ સ્વીકારીને ગંભીરના મહેમાન બનશે કે કેમ એ જોવું રહ્યું.
ગયા વર્ષે રાહુલ દ્રવિડના કોચિંગમાં ભારતે ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો ત્યાર બાદ દ્રવિડે ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવાનું બંધ કર્યું હતું અને ગૌતમ ગંભીરે એ મોટી જવાબદારી સ્વીકારી હતી. ન્યૂ ઝીલૅન્ડ સામે ઘરઆંગણે 0-3થી ટેસ્ટની હાર ઉપરાંત ઑસ્ટ્રેલિયામાં 1-3થી પરાજય જેવી બે નિરાશા ગંભીરના કોચિંગમાં ભારતીય ટીમે જોઈ છે. જોકે ચૅમ્પિયન્સ ટ્રોફીનું વિજેતાપદ તેમ જ એશિયા કપનું ચૅમ્પિયનપદ ગંભીરના કોચિંગમાં ભારતે મેળવેલી બે મોટી સિદ્ધિ છે અને હવે વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતે ટૂંકી ટેસ્ટ-શ્રેણીમાં 1-0થી અપરાજિત સરસાઈ મેળવી લીધી છે.