દેશ માટે રમવા આવો છો, હૉલીડે-ટૂર પર નથી આવતાઃ ગૌતમ ગંભીરે આવું કેમ અને કોના માટે કહ્યું

લંડનઃ ક્રિકેટરો વિદેશમાં લાંબા પ્રવાસે જાય ત્યારે તેઓ એ ટૂર દરમ્યાન પરિવારજનોને મર્યાદિત દિવસો સુધી જ પોતાની સાથે રાખી શકે એવો જે નિયમ બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ બનાવ્યો છે એને ટીમ ઇન્ડિયાના હેડ-કોચ ગૌતમ ગંભીરે (GAUTAM GAMBHIR) ટેકો આપતાં કહ્યું છે કે ખેલાડીઓએ સમજવું જોઈએ કે તેઓ વિદેશમાં દેશ માટે રમવા આવતા હોય છે, હૉલીડે (HOLIDAY)ની મજા માણવા નહીં.
‘ આ વર્ષની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં 1-3થી હારી ગઈ ત્યાર બાદ ક્રિકેટ બોર્ડે આ નિયમ લાગુ કર્યો હતો. એ નિયમ (RULE) એવો છે કે જો ખેલાડીઓની વિદેશી ટૂર 45 દિવસથી વધુ હોય (જેમ કે હાલની ઇંગ્લૅન્ડ ખાતેની ટૂર) દરેક ખેલાડી સાથે તેમના પરિવારનો કોઈ પણ સભ્ય (કે ગર્લફ્રેન્ડ) વધુમાં વધુ બે અઠવાડિયા તેની સાથે એ ટૂર પર રહી શકે.
આપણ વાંચો: `શામ કો ક્યૂં, અભી માર લો…’ ગૌતમ ગંભીરે આવી ધમકી આપી હોવાનો કયા ખેલાડીએ આક્ષેપ કર્યો?
જો વિદેશી ટૂર ઓછા દિવસોની હોય તો ફૅમિલી મેમ્બર્સ વધુમાં વધુ એક જ અઠવાડિયું તેમની સાથે રહી શકે. વિરાટ કોહલીએ થોડા અઠવાડિયા પહેલાં એક ઇન્ટરવ્યૂમાં પરિવારજનો ખેલાડીઓ સાથે લાંબો સમય રહે એ જરૂરી છે એવા અર્થમાં કહ્યું હતું કે ખેલાડીઓ અત્યંત માનસિક દબાણમાં રમતા હોય ત્યારે પર્સનલ સપોર્ટથી (ફૅમિલીના સાથસંગાથથી) ખેલાડીઓને મન પરનો બોજ હળવો કરવામાં મદદ મળે છે.’
જોકે લંડનમાં ગૌતમ ગંભીરે એક જાણીતી સ્પોર્ટ્સ ચૅનલ પર ચેતેશ્વર પુજારા સાથેની વાતચીતમાં કહ્યું છે કે હા, વિદેશી ક્રિકેટ ટૂર દરમ્યાન ખેલાડીઓ સાથે તેમના પરિવારજનો હોવા જ જોઈએ. હું એની તરફેણમાં છું. ખેલાડીઓની કારકિર્દીમાં પરિવારનો પણ એક પ્રકારનો મહત્ત્વનો રોલ હોય છે, પરંતુ ખેલાડીઓએ એક વાત ખાસ સમજવી જોઈએ.
આપણ વાંચો: IND VS NZ: આખરે ગૌતમ ગંભીરે વિરાટ કોહલી માટે મૌન તોડ્યું, કહ્યું કે…
તમે વિદેશમાં ખાસ મક્સદથી આવો છો, હૉલીડે માણવા નથી આવતા. ખૂબ અગત્યના હેતુ સાથે વિદેશ પ્રવાસે આવો ત્યારે આ વાત ખાસ યાદ રાખવી જોઈએ ડ્રેસિંગ-રૂમમાં આંગળીને વેઢે ગણાય એટલા ખેલાડીઓમાં તમે પણ છો કે જેમને દેશ વતી રમવાનું ગૌરવ પ્રાપ્ત થયું હોય છે.’ ગંભીરે એવું પણ કહ્યું હતું કે ખેલાડી વિદેશના પ્રવાસે જે ધ્યેય સાથે આવે એ પૂરું કરવા પર જ તેનું સંપૂર્ણ લક્ષ હોવું જોઈએ. મારી દૃષ્ટિએ એ ધ્યેય અને લક્ષ સામે બીજી બધી બાબતો ઓછી મહત્ત્વની છે.’