નવી દિલ્હી: હાર્દિક પંડ્યા (Hardik Pandya) આઇપીએલની વર્તમાન સીઝનની પહેલાંથી જ તેના પ્રેક્ષકોના હુરિયોને કારણે ચર્ચામાં હતો અને પછી તેની બોલિંગ-ક્ષમતાની ટીકા થઈ અને છેવટે તેની કૅપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આઇપીએલની બહાર થઈ એટલે તે વધુ નજરમાં આવી ગયો. જોકે હવે તો જૂનના ટી-20 વર્લ્ડ કપ પહેલાં વિદેશી ભૂતપૂર્વ ખેલાડીઓ એબી ડિવિલિયર્સ (AB De Villiers) તથા કેવિન પીટરસને (Kevin Pietersen) હાર્દિક વિશે ટકોર કરીને જાણે વિશ્ર્વકપ પહેલાં માઇન્ડ-ગેમ રમવાની શરૂઆત કરી દીધી હોય એવું લાગે છે. તેમના મંતવ્ય જે કંઈ હોય, ગૌતમ ગંભીર (Gautam Gambhir) તરત જ હાર્દિક પંડ્યાની પડખે આવી ગયો છે.
એક તરફ રોહિત શર્માને મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટનપદેથી હટાવવામાં આવ્યો અને હાર્દિકના સુકાનમાં આ ટીમ આઇપીએલની બહાર થનારી પ્રથમ ટીમ બની ત્યાં બીજી બાજુ હાર્દિકે ગુજરાત ટાઇટન્સની જે ટીમ છોડી હતી એણે પણ આઇપીએલમાંથી એક્ઝિટ કરી છે.
આ પણ વાંચો : Team India New Coach: કોઈ વિદેશી ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ બનશે! શું છે BCCIનો પ્લાન
મુંબઈ ઇન્ડિયન્સની આ ખરાબ હાલત માટે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ના ભૂતપૂર્વ ખેલાડી એબી ડિવિલિયર્સ તેમ જ કેવિન પીટરસને જવાબદાર ગણાવ્યો છે. બન્ને વિદેશી ખેલાડીઓએ હાર્દિકની કૅપ્ટન્સીની ક્ષમતા અને કાબેલિયત સામે સવાલ ઉઠાવ્યો છે. એની સામે ભારતના ભૂતપૂર્વ ઓપનર અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમના મેન્ટર ગૌતમ ગંભીરે સામો જડબાતોડ જવાબ આપ્યો છે. ગંભીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, ‘જ્યારે તેઓ (ડિવિલિયર્સ અને પીટરસન) કૅપ્ટન હતા ત્યારે તેમનું પ્રદર્શન કેવું હતું? મને નથી લાગતું કે કેવિન પીટરસન હોય કે એબી ડિવિલિયર્સ, બેમાંથી કોઈએ પણ તેમની કરીઅર દરમ્યાન કૅપ્ટન તરીકેની ક્ષમતાવાળું કહી શકાય એવું સારું પ્રદર્શન કર્યું હતું. કૅપ્ટન તરીકે તેઓ જરાય સફળ નહોતા. તેમનો રેકૉર્ડ જોતાં ખબર પડશે કે તેમની કૅપ્ટન્સી અન્ય કોઈ પણ કૅપ્ટન કરતાં ઉતરતી કક્ષાની હતી. મને નથી લાગતું કે ડિવિલિયર્સે આઇપીએલમાં વ્યક્તિગત સ્કોર સિવાય બીજું કંઈ હાંસલ કર્યું હોય. ટીમના દૃષ્ટિકોણથી તેણે કંઈ હાંસલ કર્યું જ નહોતું, જ્યારે હાર્દિક તો આઇપીએલનો ચૅમ્પિયન-કૅપ્ટન (વર્ષ 2022, ગુજરાત ટાઇટન્સ) છે. સંતરાની તુલના સંતરા સાથે જ થાય, સફરજન સાથે નહીં (સફળ કૅપ્ટનની સરખામણી સફળ સુકાની સાથે જ થાય, નિષ્ફળ સુકાની સાથે નહીં).’
ગૌતમ ગંભીરે હાર્દિકના બચાવમાં ઘણું બધુ કહી દીધું એટલે કેવિન પીટરસનને સામો જવાબ આપવાની ઇચ્છા તો બહુ થઈ, પણ તે હળવી ટકોર કર્યા સિવાય બીજું કંઈ જ ન કહી શક્યો. તેણે સોશિયલ મીડિયામાં લખ્યું, ‘હા, આ વાત ખોટી નથી. હું એક ભયાનક કૅપ્ટન જ હતો.’
પીટરસનની આઇપીએલ-કૅપ્ટન્સી પર નજર નાખીએ તો જણાશે કે તેણે મોટી નિષ્ફળતા જોઈ હતી. 2009માં તેના નેતૃત્વમાં બેન્ગલૂરુની છ મૅચ રમાઈ હતી જેમાંથી માત્ર બે મૅચમાં બેન્ગલૂરુનો વિજય થયો હતો. 2014માં દિલ્હી ડેરડેવિલ્સની ટીમ પીટરસનના સુકાનમાં નીચલા સ્થાને રહી હતી.
હાર્દિકને અત્યારે ભલે નિશાન બનાવવામાં આવી રહ્યો હોય, પરંતુ વર્લ્ડ કપની ટીમના આ વાઇસ-કૅપ્ટન વિશે સુનીલ ગાવસકરે બહુ સરસ કહ્યું છે. તેમણે કહ્યું, ‘ટી-20 વર્લ્ડ કપ પહેલાં હાર્દિકના બોલિંગ-ફોર્મ વિશે ચિંતા કરવાની જરૂર નથી. વિશ્ર્વકપમાં તે અલગ અંદાજમાં જ જોવા મળશે.’