ગાંગુલીને રાજકારણમાં નથી પ્રવેશવું, પણ ભારતીય ક્રિકેટરોને…

કોલકતાઃ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે રાજકારણમાં ક્યારેય નહીં પ્રવેશે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમને કોચિંગ (coaching) આપવાની તેની ખૂબ ઇચ્છા છે.
ગાંગુલી જુલાઈમાં 53 વર્ષનો થશે. તે 2018થી 2024 દરમ્યાન બે મુદત માટે દિલ્હી કૅપિટલ્સનો ટીમ ડિરેકટર હતો.
પીટીઆઇ સાથેની પૉડકાસ્ટ માટેની મુલાકાતમાં ગાંગુલીને ભારતીય ટીમને કોચિંગ આપવાની ઇચ્છા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, અગાઉ મેં એ વિશે કંઈ જ વિચાર્યું નહોતું, કારણકે હું અલગ જ ભૂમિકામાં (ક્રિકેટ બોર્ડના પ્રમુખપદે) હતો. 2013માં મેં ખેલાડી તરીકેની કારકિર્દી પૂરી કરી અને ત્યાર પછી બીસીસીઆઇનો પ્રમુખ બન્યો હતો. એ ભૂમિકામાં મારું સૌથી મોટું યોગદાન મહિલા ક્રિકેટને પ્રમોટ કરવાનું હતું. ભારતીય ટીમને કોચિંગ આપવા વિશે કહું તો ભવિષ્યમાં કેવા વળાંકો આવે છે એના પરથી બધુ નક્કી થશે. હજી હું 53 વર્ષનો છું એટલે જોઈએ હવે શું સ્થિતિ નિર્માણ થાય છે. મને તો એ રોલ સ્વીકારવો ગમશે.’ 2026માં યોજાનારી પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી પહેલાં તમે રાજકારણ (Politics)માં ઝંપલાવશો? એવું પૂછવામાં આવતાં ગાંગુલીએ હસતાં કહ્યું, મને કોઈ જ રસ નથી.’
તમને રાજ્યના મુખ્ય પ્રધાનનો હોદ્દો આપવાનું વચન મળે તો? એવું પૂછાતાં ગાંગુલીએ ફરી કહ્યું, મને કોઈ જ રસ નથી.’ ગાંગુલીએ વર્તમાન હેડ-કોચ ગૌતમ ગંભીરની કાર્યપદ્ધતિની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ગૌતમ બહુ સારું કામ કરી રહ્યો છે. તેણે હેડ-કોચ તરીકે થોડી ધીમી શરૂઆત કરી હતી જેમાં ન્યૂ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો, પણ ચૅમ્પિયન્સ ટ્રોફીના વિજય સાથે કોચ તરીકેની તેની સફળતામાં વેગ આવ્યો હતો. હવે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પણ બહુ મોટી છે. મેં તેને આ રોલમાં નજીકથી તો નથી જોયો, પરંતુ હું જાણું છું કે તેનામાં બહુ સારું પૅશન છે. તેનો અભિગમ એકદમ સીધો અને સરળ હોય છે અને ટીમ વિશે તેમ જ ખેલાડીઓ તથા લોકો વિશે તેને જે ઠીક લાગે એ વ્યક્ત કરી દેતો હોય છે. તેનું વલણ ખૂબ પારદર્શક પણ હોય છે.’
ગાંગુલીએ ગંભીર સાથે માણેલી કરીઅરની વાત કરતા કહ્યું, ` હું તેની સાથે રમ્યો છું. તે પ્લેયર તરીકે ગે્રટ હોવા ઉપરાંત તેને મારા સહિત સિનિયર ખેલાડીઓ પ્રત્યે ખૂબ માન પણ હતું. તેને ટીમ ઇન્ડિયાના કોચિંગમાં હજી માંડ એક વર્ષ થયું છે. તેને તેના કામમાં પોતાને સાબિત કરવા માટે પૂરતો સમય આપવો જોઈએ. ઑસ્ટ્રેલિયામાં તેણે થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ બીજાની જેમ તે પણ નવું શીખશે અને તેનું કોચિંગ સમય જતાં વધુને વધુ સારું જોવા મળશે. ઑલ ધ બેસ્ટ ટૂ હિમ.’
આ પણ વાંચો…ટીમ ઇન્ડિયાને ગાંગુલીની સલાહ, `આવો મોકો વારંવાર નથી મળતો’