ગણપતિ બાપ્પાએ ‘હિટમૅન’ રોહિત શર્માને સોંપી વર્લ્ડ કપની ટ્રોફી!
મુંબઈ: માત્ર મુંબઈ કે મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં જ નહીં, બલ્કે ભારતભરમાં ઘેર-ઘેર, સોસાયટીઓમાં, મંડળોમાં સૌ કોઈના લાડલા ગણપતિ બાપ્પાનું શાનદાર આગમન થઈ ચૂક્યું છે અને એ અવસરે આપણે બાપ્પાને આપણા દેશે સૌથી લોકપ્રિય ક્રિકેટની રમતમાં મેળવેલી લેટેસ્ટ મોટી સિદ્ધિ સાથે સાંકળી ન લઈએ એ શક્ય જ નથી.
જૂન મહિનામાં આપણે ટી-20 વર્લ્ડ કપની જે ટ્રોફી જીતી એ ટ્રોફી ગણપતિરાયના શુભહસ્તે કેપ્ટન રોહિત શર્માને આપવામાં આવી રહી હોય એવો ચેમ્પિયન ખેલાડીઓના કટઆઉટવાળો બાપ્પા સાથેનો વીડિયો વાઇરલ થયો છે.
આ રીતે બાપ્પાના ભવ્ય આગમન સાથે વર્લ્ડ ચેમ્પિયનોને આવરી લઈને ટીમ ઇન્ડિયાની એ સિદ્ધિને ફરી સક્રિય કરવામાં આવી છે, યાદ ફરી તાજી કરવામાં આવી.
રુશિ નામના ક્રિકેટપ્રેમીની એક્સ પરની આ પોસ્ટને 2.9Kથી પણ વધુ લાઈક્સ મળી ગઈ હતી.
આ ક્રિકેટલવરે હિટમૅન રોહિત શર્માએ ગણપતિ બાપ્પાનું હાર્દિક સ્વાગત કર્યું એની તસવીર અને સૌના લાડકવાયા ગણેશજીની ટીમ ઇન્ડિયાના જર્સી સાથેની તસવીર પણ મીડિયામાં પોસ્ટ કરી છે.