ચેમ્પિયન્સ ટ્રોફીના સંભવિત ગેમ ચેન્જર્સને ઓળખો…

કરાચી/દુબઈ: પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેના મુકાબલા (બપોરે 2:30 વાગ્યાથી) સાથે વન-ડે ફોર્મેટની આઠ દેશ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી આજે પાકિસ્તાનમાં શરૂ થઈ રહી છે. ભારત સહિત ઘણા દેશોના અસલ ગેમ ચેન્જર્સ ઇજા યા અન્ય કારણસર આ ટૂર્નામેન્ટમાં નથી રમવાના. એવામાં આ દેશોના બીજા કેટલાક ખેલાડીઓ પોતાની ટીમને જિતાડવા સક્ષમ અને કાબેલ છે. ઘણા સ્ટાર ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં રમવાના છે. ભારતનો નંબર વન ગેમ ચેન્જર જસપ્રીત બુમરાહ ઈજાને લીધે નથી રમવાનો. વર્લ્ડ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાનો કેપ્ટન પૅટ કમિન્સ તેમ જ મિચલ સ્ટાર્ક, જૉશ હૅઝલવૂડ, મિચલ માર્શ પણ નહીં રમે, જ્યારે યજમાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનને સાઇમ અયુબની ગેરહાજરી વર્તાશે. ન્યૂ ઝીલૅન્ડે લૉકી ફર્ગ્યુસનના સ્થાને જૅમિસનને ટીમમાં સમાવ્યો છે.
કોણ બની શકે ગેમ ચેન્જર?:
ભારત: જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ભારતીય ગેમ ચેન્જર શોધવો થોડો મુશ્કેલ તો છે જ. વિરાટ અને રોહિત ખાસ કંઈ ફોર્મમાં નથી. શુભમન ગિલ વન-ડેનો નંબર-ટૂ બૅટર છે, પરંતુ તેના વિશે નિશ્ચિતપણે કંઈ કહી ન શકાય. રિષભ પંતને ઈજા નડી શકે. હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયાને કેટલીક મૅચો જિતાડી શકે એમ છે, પરંતુ અક્ષર પટેલની ગણના નવા ગેમ ચેન્જર તરીકે થઈ રહી છે. મિડલ ઑર્ડરમાં સ્પિન બોલિંગ સામે સારું રમીને ટીમને જરૂરી રન પૂરા પાડવા ઉપરાંત હરીફોની બે-ચાર વિકેટો લેવાની ક્ષમતા અક્ષરમાં છે. જોકે ફરી એકવાર રવીન્દ્ર જાડેજા પણ મૅચ વિનર સાબિત થઈ શકે એમ છે.
ઑસ્ટ્રેલિયા: ટી-20ના વર્લ્ડ નંબર વન બૅટર 23 હેડે 2022માં વન-ડે ટીમમાં કમબૅક કર્યું ત્યાર પછી તેની બૅટિંગ એવરેજ 60ની આસપાસ અને સ્ટ્રાઈક રેટ 120ની ઉપર છે. ગયા વર્ષની આઇપીએલમાં અને તાજેતરની ટેસ્ટ સિરીઝમાં તેણે જે અસાધારણ ફોર્મ બતાવ્યું હતું એ બધાની નજર સમક્ષ જ છે.
અફઘાનિસ્તાન: ગ્રૂપ-બીમાં ઑસ્ટ્રેલિયાને સૌથી વધુ ડર ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા કરતાં અફઘાનિસ્તાનનો હશે. રહમનુલ્લા ગુરૂબાઝ અફઘાનિસ્તાન માટે ગેમ ચેન્જર બની શકે. તેણે આઠ વન-ડે સેન્ચુરી ફટકારી છે જેમાંની પાંચ સદી 2023ના વર્ષ પછી બની છે. એ વર્ષના વન-ડે વર્લ્ડ કપમાં તેણે 280 રન બનાવ્યા હતા, જયારે 2024ના ટી-20 વર્લ્ડ કપમાં તેના 281 રન હાઈએસ્ટ હતા.
સાઉથ આફ્રિકા: ટેમ્બા બવુમાની ટીમમાં બાજી ફરાવવાની તાકાત કેટલાકમાં છે, પણ હિન્રિક ક્લાસેનની વાત સાવ અલગ છે. 2023ના વર્ષની શરૂઆત પછી બેટિંગમાં તેની 51.8ની બૅટિંગ એવરેજ છે અને 136.4 તેનો સ્ટ્રાઈક રેટ છે. આ સમયગાળામાં તે ત્રણ સેન્ચુરી અને પાંચ હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે.
Also read: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ભારતીય ટીમને મોટો ઝટકો
પાકિસ્તાન: ફખર ઝમાનને ચાર મહિના પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શો-કોઝ નોટિસ આપી હતી. જોકે તેને ફરી રમવાનો મોકો અપાયો છે. 2023ના વર્લ્ડ કપ બાદ તેણે વન-ડેમાં કમબેક કર્યું છે. તે પાકિસ્તાન માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે. રવિવારે ભારતે તેનાથી ખાસ સાવચેત રહેવું પડશે.
બાંગ્લાદેશ: ભારતે ગુરુવારે પહેલી મૅચ બાંગ્લાદેશ સામે રમવાની છે અને એનો સ્પિન ઑલરાઉન્ડર મેહદી હસન મિરાઝ ભલભલી ટીમને ભારે પડી શકે એવો છે. ભારત સામેની એક સિરીઝ જિતાડવાના પ્રયાસમાં તેણે બાંગ્લાદેશનો સ્કોર જ્યારે 6 વિકેટે 69 રન હતો ત્યારે તેણે સેન્ચુરી ફટકારી હતી એને ભારતીયો નહીં જ ભૂલ્યા હોય. શાકિબ અલ હસનની ગેરહાજરીને તે ભુલાવી દે એવો ઑલરાઉન્ડર છે.
ન્યૂ ઝીલૅન્ડ: કેન વિલિયમસન એવો પીઢ બૅટર છે જે સિલસિલાબંધ દાવમાં નિષ્ફળ જવા છતાં અચાનક ફોર્મમાં આવીને પોતાની ટીમની તરફેણમાં બાજી ફેરવી શકે એમ છે. જાણીને નવાઈ લાગશે કે 2019 બાદ આ કિવી બૅટરનો એક પણ ઈનિંગ્સમાં સિંગલ ડિજિટમાં રન નથી.તેની બૅટિંગ એવરેજ 61.7 છે જે હાલના તમામ બેટર્સમાં હાઈએસ્ટ છે.
ઇંગ્લૅન્ડ: ઇંગ્લૅન્ડને સૌથી વધુ આશા બેન ડકેટ પાસે છે. 2023ના વર્લ્ડ કપ બાદ તેની 11 ઇનિંગ્સમાં 48.2ની સરેરાશ છે. તેણે 108.6ના સ્ટ્રાઈક રેટ સાથે 530 રન બનાવ્યા છે. એમાં તેની એક સેન્ચુરી અને ચાર હાફ સેન્ચુરી સામેલ છે.