T20 World Cup 2024મહારાષ્ટ્રસ્પોર્ટસ

મહારાષ્ટ્ર વિધાનસભામાં Team Indiaના આ ચાર ખેલાડીનું કરાશે સન્માન, જાણો ક્યારે?

મુંબઈઃ 13 વર્ષ બાદ આઇસીસી વર્લ્ડ કપ પોતાના નામે કરીને આખા દેશનું ગૌરવ વધારનારી ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોઝમાં વાવાઝોડામાં ફસાયા બાદ આખરે ભારત પહોંચી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઇને મુંબઈમાં ચાહકોનું અભિવાદન ઝીલ્યું.

જોકે, ભારતના વિશ્વ વિજેતા બનાવનારા ખેલાડીઓના મુંબઈના ખેલાડીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે અને તે માટે મુંબઈના ખેલાડીઓને વિધાન ભવનમાં બોલાવીને તેમનો સત્કાર કરવામાં આવશે. ટી-20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમની સ્ક્વોડમાં સામેલ મુંબઈના ચાર ખેલાડીઓને વિધાન ભવનમાં બોલાવીને તેમનું વિશેષ સન્માન કરવામાં આવશે તેવી જાહેરાત વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનસભામાં આપી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા મુંબઈકર છે અને તે સિવાય શિવમ દુબે, સૂર્યકુમાર યાદવ અને યશસ્વી જયસ્વાલ આ બધા જ મુંબઈના રહેવાસી છે અને આ ચારેય ખેલાડીઓએ ટી-20 વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું અને કપ ભારતના નામે કરવામાં મોટું યોગદાન આપ્યું હતું. જેને પગલે તેમનું વિધાન ભવનમાં આજે એટલે કે શુક્રવારે સન્માન કરવામાં આવશે.


શિંદે જૂથની શિવેસનાના પ્રતાપ સરનાઇકે આ અંગે જણાવતા કહ્યું હતું કે ભારતને વર્લ્ડ કપ જીતાડનારી સ્ક્વોડમાં મુંબઈના ચાર ખેલાડીઓ હતા અને તેમનું મહારાષ્ટ્ર સરકાર તરફથી વિધાન ભવનમાં સન્માન કરવામાં આવવું જોઇએ. એમસીએ(મુંબઈ ક્રિકેટ એસોસિએશન)ના સભ્ય તરીકે મેં તેમને આમંત્રણ આપ્યું હતું જે તેમણે સ્વીકાર્યું હતું. તેમના કારણે મુંબઈના ભાવિ ક્રિકેટરોને પણ પ્રોત્સાહન મળશે.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ગુરુવારે યોજવામાં આવેલી વિક્ટરી પરેડ એટલે કે વિજયી રેલીનું આયોજન બીસીસીઆઇ(બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા) દ્વારા કરવામાં આવ્યું છે અને દક્ષિણ મુંબઈમાં અને વાનખેડે સ્ટેડિયમમાં ચાંપતો પોલીસ બંદોપસ્ત અને સુરક્ષા વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસે પણ સામાન્ય નાગરિકો માટે આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ટ્રાફિક એડ્વાઇઝરી જાહેર કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button